સોનાની બંગડી ધોવાના બહાને લઈને ફરાર શખ્સ ઝડપાયો
અંકલેશ્વર, અંકલેેશ્વર તાલુકાના કોસમડી ગામ ખાતે મહિલાની સોનાની બંગડીઓ ધોઈ આપવાના બહાને ઠગાઈ કરનાર શખ્સને નડીયાદ પોલીસે ઝડપી લીધો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ટ્રાન્સફર વોરંટ સાથે શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સુત્રીય માહિતી અનુસાર અંકલેશ્વરના કોસમડી ગામ ખાતે રહેતા હાઝરા યાકુબ કોેસિયાના ઘરે એક મોટરસાયકલ પર સવાર થઈને ત્રણ અજાણયા શખ્સો આવ્યા હતા. અને હાર્પિક લીક્વિડ વેચવાના બહાને હાઝરાબેનનેે તેમની સોનાની બંગડીઓ ધોઈને આપવાની વાત કરી તેમને વિશ્વાસમાં લીધા હતા.
અને અઢી તોલા સોનાની બંગડીઓ પર લાલ રંગનો પાવડર લગાવીને એક વાસણમાં પાણી ભરીને તેમાં હળદર જેવો પાવડર નાંખી હાઝરાબેનને આ વાસણ ગેસ પર ગરમ કરવા માટે કહ્યુ હતુ. બાદમાં બીજા એક શખ્સે પીવાનું પાણી માંગ્યુ હતુ. અને હાઝરાબેન પાણી લેવા જતા હતા ત્યારે આ તકનો લાભ લઈને ત્રણેય શખ્સો રૂા.૧ લાખની કિંમતની અઢી તોલાની બે બગડીઓ લઈને ફરાર થઈ ગયા હતા.
આ અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જાે કે હાલમાં નડીયાદ પોલીસે એક શકમંદ તરીકે નડીયાદના સુભાષ કુમાર ઉમેશભાઈ કંસારાની ધરપકડ કરી હતી. અને સઘન પૂછપરછમાં સુભાષ કંસારાએ અંકલેશ્વરના કોસમંડી ગામમાંથી સોનાની બે બંગડીઓ ધોવાના બહાને લઈને ફરાર થઈ ગયા હોવાની કબુલાત કરી હતી.
નડીયાદ પોલીસે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને જાણ કરતા જીઆઈડીસી પોલીસે સુભાષ કુમારની ટ્રાન્સફર વોરંટ સાથે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી.