મહેશ્વરી સમાજના સ્થાપના દિવસ નિમિત્તે મોડાસામાં ભવ્ય શોભાયાત્રા નિકળી
(પ્રતિનિધિ) મોડાસા, મહેશ્વરી સમાજના સ્થાપના દિવસની અરવલ્લી જિલ્લામાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેઠ મહિનાની નુમના દિવસે મહેશ્વરી સમાજની ઉત્પત્તિ થઇ હોવાનું માનવામાં આવે છે, જે અનુસંધાને સમાજના આગેવાનો દ્વારા મહાદેવની વિશેષ પૂજા અર્ચના કરી છે. મોડાસા શહેરમાં મહેશ્વરી સમાજના સ્થાપના દિવસ નિમિત્તે સમાજના આગેવાનો દ્વારા શહેરમાં ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. મહેશ્વર એટલે મહાદેવ અને આ જ નામ પરથી જે સમાજની ઉત્પત્તિ થઇ છે તે સમાજ એટલે મહેશ્વરી સમાજ. નુમના દિવસે આ સમાજનો સ્થાપના દિવસ હોવાથી ઠેર ઠેર ઉજવણીઓ કરાઈ હતી. અરવલ્લી જિલ્લાના મોડાસામાં પણ તેની ઉજવણીના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા ફરીને શિવના જયગારા સાથે રસ્તાઓ ગૂંજી ઉઠ્યા હતા. મોડાસાના રામપાર્ક વિસ્તારમાંથી શોભાયાત્રા નિકળી, કલ્યાણ ચોક, માલપુર રોડ, કુંભારવાડા થઇને કાશીવિશ્વનાથ મહાદેવ પહોંચીને સમાપન થયું હતું. શોભાયાત્રામાં બાળકોએ વિવિધ વેશભૂષામાં સજ્જ થયેલા જોવા મળ્યા હતા. જેમાં શિવ, પાર્વતી તેમજ દેવી દેવાતીઓની ઝાંખી દર્શાવવામાં આવી હતી. *