બોગસ અકાઉન્ટ ખોલીને કરોડોની હેરાફેરી કરતી ટોળકી જબ્બે
રાજકોટ, ઈન્ટરનેટનો ઉપયોગ વધી ગયો છે પરંતુ તેની સાથે સાથે તેની સાથે સંકળાયેલા ગુના પણ વધી ગયા છે. રાજકોટની સાઈબર ક્રાઈમ પોલીસે લોકોની જાણ વગર તેમના બોગસ અકાઉન્ટ ખોલતી ટોળકીનું એક રેકેટ પકડી પાડ્યું છે.
પોલીસને શંકા છે કે આ રેકેટ દેશવ્યાપી હશે. આ ટોળકી મોટા ટ્રાન્ઝેક્શન કરવા માટે બોગસ અકાઉન્ટ ખોલતી હતી અને મોટાભાગે ઓનલાઈન શોપિંગ માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. પોલીસે રાજકોટના આઝમ આમદાની તેમજ ભાવગનરના ઈલ્યાસ ખોખર અને મુનાફ શેખની આ કેસમાં ધરપકડ કરી છે.
રાજકોટના જ એક રહેવાસી સંજય ગઢવીએ ફરિયાદ નોંધાવ્યા પછી આ કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીએ સંજય ગઢવીના નામે એક કરન્ટ અકાઉન્ટ ખોલાવ્યુ હતું અને છ ડિસેમ્બરના રોજ એક જ દિવસમાં ૪.૭૨ કરોડ રુપિયાનું ટ્રાન્ઝેક્શન કર્યુ હતું.
રવિવારના રોજ ડીસીપી મનોહરસિંહ જાડેજાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ઈલ્યાસ માસ્ટરમાઈન્ડ છે. ખાનગી બેન્કમાં અકાઉન્ટ ખોલવા બદલ પ્રતિ અકાઉન્ટ ૧૫૦૦૦ કમિશન આપવાની લાલચ તેણે આઝમ અને મુનાફને આપી હતી. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં સંજય ગઢવીને ૧૮ લાખ રુપિયાની હાઉસિંગ લોનની જરૂર હતી, જેના માટે તેમણે આઝમનો સંપર્ક કર્યો હતો.
આઝમ લોન એજન્ટ છે. સંજય બે વર્ષથી આઝમને ઓળખે છે. આઝમે તમામ દસ્તાવેજાે મેળવ્યા અને ખાનગી બેન્કમાં અકાઉન્ટ ખોલાવ્યું. અન્ય ખાનગી નાણાંકીય સંસ્થા પાસેથી લોનની પણ વ્યવસ્થા કરાવી આપી હતી. આટલુ જ નહીં, આઝમે સંજય ગઢવીના દસ્તાજેવોનો ઉપયોગ કરીને સિમ કાર્ડ પણ ખરીદ્યુ હતું. અકાઉન્ટ ખોલ્યા પછી આઝમે ઈલ્યાસને જાણ કરી હતી.
ઈલ્યાસે ૬ ડિસેમ્બરના રોજ ૪.૭૨ કરોડનું ટ્રાન્ઝેક્શન કર્યું. સંજય ગઢવીને આ બાબતની જાણ થઈ અને તેમણે પોલીસને ફરિયાદ કરી. પોલીસે બેન્ક પાસેથી માહિતી મેળવી અને પૂછપરછ માટે આઝમ, મુનાફ અને ઈલ્યાસની અટકાયત કરી. ડીસીપી જાડેજાએ જણાવ્યું કે, રાજકોટમાં આ જ પ્રકારે અન્ય બે લોકોના બોગસ અકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા અને ૧૧ કરોડનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યુ હતું.
અમારી જાણ મુજબ, આ જ પ્રકારના ફ્રોડનો ગુજરાતમાં ઓછામાં ઓછા પાંચ લોકો ભોગ બન્યા છે. તેમના અકાઉન્ટમાંથી ૨૪ કરોડનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે. ગુજરાતની બહારના અકાઉન્ટમાંથી આ પ્રકારના લગભગ ૩૦,૦૦૦ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે.
ઈલ્યાસ પ્રતિ બોગસ અકાઉન્ટ એક લાખ રુપિયા કમિશન લેતો હતો. તેણે ૨૫ લાખ રુપિયા કમાણી કરી છે. આ ટોળકી વિરુદ્ધ આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.SSS