બાળકીનું મોત થતાં પતિએ પત્નીને ગણાવી અપશુકનિયાળ
અમદાવાદ, શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતી ૩૩ વર્ષીય મહિલાએ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે તેમના બાળકનું જન્મના ૧૨મા દિવસે અવસાન થતાં પતિએ તેને માર માર્યો અને બાદમાં તરછોડી દીધી હતી.
વેજલપુર પોલીસ પાસે નોંધાયેલી FIR પ્રમાણે, મહિલા માધવપુરમાં આવેલી સરકાર સંચાલિત હોસ્પિટલમાં કામ કરે છે અને તેનો પતિ ગાંધીનગરનો રહેવાસી છે અને ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં ડેન્ટિસ્ટ છે. ગાંધીનગરના ડેન્ટિસ્ટ સાથે મહિલાએ ૨૦૧૫માં લગ્ન કર્યા હતા.
લગ્ન બાદ મહિલા પતિ અને સાસુ-સસરા સાથે રહેવા લાગી. મહિલાનો આરોપ છે કે, લગ્નના છ મહિના બાદ જ તેનો પતિ અને સાસુ-સસરા ઘરની નાની-નાની બાબતોને લઈને તેને પરેશાન કરવા લાગ્યા હતા. મહિલાએ એવો પણ આરોપ મૂક્યો કે, સાસુ-સસરા અને પતિ તેને પિયરથી રૂપિયા લાવવાનું કહેતા હતા અને જ્યારે તે ઈનકાર કરે ત્યારે તેની સાથે મારઝૂડ કરતાં હતા.
મે ૨૦૨૦માં મહિલાએ પહેલા સંતાનને જન્મ આપ્યો હતો અને એ વખતે તે પોતાના પિયરમાં હતી. જન્મના ૧૨ દિવસ પછી જ શ્વાસની તકલીફના કારણે નવજાત બાળકી મૃત્યુ પામી. મહિલાએ આ અંગે પતિને જાણ કરી ત્યારે તેણે ફોન પર જ ગાળાગાળી શરૂ કરી દીધી હતી.
એટલું જ નહીં પતિએ તેને પોતાના માટે અપશુકનિયાળ ગણાવી હતી. બાદમાં પતિ મહિલાને મળવા તેના પિતાના ઘરે આવ્યો અને ત્યાં મારઝૂડ કરી હતી. જે બાદ તેને ત્યાં જ તરછોડીને ચાલ્યો ગયો હતો.
૧૭ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ પતિના સંબંધીઓએ મહિલાના પિતાને ફોન કરીને કહ્યું કે, ફરિયાદી મહિલા પાસેથી તેનો પતિ ડિવોર્સ લેવા માગે છે. સમાધાનના નિષ્ફળ પ્રયાસો પછી મહિલાએ વેજલપુર પોલીસનો સંપર્ક કર્યો અને પતિ તેમજ સાસુ-સસરા સામે ઘરેલુ હિંસા, હાનિ પહોંચાડવી, ગાળાગાળી, ગુનાહિત ધાકધમકી અને દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી.SSS