ભ્રષ્ટાચારના આરોપ મુદ્દે પૂર્વ મુખ્યમંત્રીએ કોંગ્રેસને નોટિસ મોકલી
અમદાવાદ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજમાં ભાજપ નેતાઓએ રૂપિયા ૫૦૦ કરોડનો કથિત ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ લાગ્યો હતો.
આ મુદ્દે વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ભ્રષ્ટાચારના આરોપ લગાવીને બદનામ કરવાનું આ રાજકીય કાવતરૂ છે. કોંગ્રેસનું જહાજ ડૂબી રહ્યું છે. કોંગ્રેસના નેતાઓ ભાજપ ભણી દોટ મૂકી રહ્યાં છે. મુખ્ય મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટે આ કોંગ્રેસની ચાલ છે. ત્યારબાદ આજે આ વિશે મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે.
કોંગ્રેસ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી પર કરાયેલા ૫૦૦ કરોડના આક્ષેપના કેસમાં વિજય રૂપાણીએ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે. તેમણે આજે વકીલ મારફતે કોંગ્રેસને નોટિસ મોકલી છે. અને ૧૫ દિવસમાં લેખિતમાં માફી નહીં માંગે તો બદનક્ષીનો દાવો કરવાનું જણાવ્યું છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ પત્રકાર પરિષદ કરીને આણંદપરની જમીનમાં ૫૦૦ કરોડનો ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ લગાવ્યો હતો.
રાજકોટ રૂડામાં સમાવેશ આણંદપર, નવાગામ અને માલીયાસણનાં જુદા જુદા ૨૦ સર્વે નંબરોની ૧૧૧ એકર જમીનમાં ૫૦૦ કરોડનું કૌભાંડ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યાનો આક્ષેપ ગુજરાત કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, ઉપનેતા શૈલેષ પરમાર, કોંગ્રેસના દંડક સી.જે.ચાવડા સહિતના કોંગ્રેસ નેતાઓએ કર્યો છે જે આક્ષેપને પાયાવિહોણા ગણાવતા વિજય રૂપાણીએ અમેરિકાથી જણાવ્યું છે કે, મારો પુત્ર ઉચ્ચ અભ્યાસ અર્થે અમેરિકામાં રહે છે, છેલ્લા અગિયાર વર્ષોથી અમેરિકા જઈ શકાયું નથી, આજ સુધી પરિવાર સાથે રહેવાનો મોકો બહું ઓછો મળ્યો છે. હવે મુખ્યમંત્રીપદમાંથી રાજીનામું આપ્યા બાદ થોડો સમય હોવાથી અમેરિકા ગયો છું.
સાડા પાંચ દસકથી સતત સેવાકીય – રાજકીય પ્રવૃત્તિ સાથે સંકલાયેલો છું. મારા પર કરવામાં આવેલા તમામ આક્ષેપ પાયાવિહોણા છે. મેં નિસ્વાર્થપણે સૌના કામ કર્યા છે અને ક્યારેય એકપણ કામમાં કૌભાંડ કર્યું નથી.
વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું છે કે, ૫૦૦ કરોડ રૂપિયાનું તો શું, ૫ રૂપિયાનું પણ કૌભાંડ થયું નથી. કમળો હોય તેને પીળું જ દેખાવવાનું છે. કૌભાંડિયા કોંગ્રેસીઓને કૌભાંડ સિવાય કશું દેખાતું જ નથી. કોઈપણ જાતની તપાસ માટેની મારી તૈયારી છે, કારણ કે સાચને ક્યારેય આંચ આવતી નથી. છેલ્લા કેટલાંક સમયથી મારી રાજકીય કારકિર્દીને બદનામ કરવાનું કાવતરું ચાલી રહ્યું છે જેના ભાગરૂપે કોંગ્રેસે ૫૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યાનો ખોટો આક્ષેપ લગાવ્યો છે, કોંગ્રેસ નેતાઓએ કરેલો બિનપાયાદાર આક્ષેપ તદ્દન જુઠ્ઠો છે.
રાજકોટના ઔદ્યોગિક વિકાસ માટે જમીન ફેરબદલની મેં મંજૂરી આપી છે અને આ જમીન હેતુ ફેરબદલની મંજૂરીમાં કે અન્ય કોઈપણ બાબતમાં કૌભાંડ કે ગોટાળાને કોઈ સ્થાન જ નથી, કશું ખોટું થયાનો સવાલ જ નથી. જમીન હેતુ ફેરબદલની સમગ્ર પ્રક્રિયા સ્પષ્ટ છે.
મારે જેની સાથે કશું લાગતુંવળગતું જ નથી તેવા વર્ષો જૂના નેપાળી આત્મવિલોપન કેસમાં હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી, જે અરજી હાઈકોર્ટે વખતોવખત નકારી દીધી છે.
રાજકોટ પોલીસ કમિશનરના સંદર્ભમાં પણ મને બદનામ કરવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે, જેમાં પણ મારી કોઈ ભૂમિકા કે મારા પર થયેલા આક્ષેપ સાચા સાબિત થયા નથી. અને હવે આ ૫૦૦ કરોડનું કૌભાંડ કર્યાનો તદ્દન પુરાવા વિહોણો આક્ષેપ કરી કોંગ્રેસ માત્રને માત્ર મારી રાજકીય કારકિર્દી બદનામ કરવાનું કાવતરું ઘડી રહી છે, કોંગ્રેસ પાસે પહેલા પણ મુદ્દા ન હતા, આજે પણ મુદ્દા નથી એટલે ફક્તને ફક્ત મનફાવે તેવો બકવાસ કરે છે.HS