Western Times News

Gujarati News

ગોધરાનાં ગુલિયન બેરી સિન્ડ્રોમ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા આરોગ્ય મંત્રી

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) આરોગ્ય રાજ્યમંત્રી નિમિષાબેન સુથારે આજે ગોધરા ખાતે જીબીએસ (ગુલિયન બેરી સિન્ડ્રોમ)થી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ આરોગ્ય વિભાગ દ્વારા કરાઈ રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ કામિનીબેન સોલંકી

તેમજ ગોધરાનાં ધારાસભ્ય સી.કે.રાઉલજી સાથે આરોગ્યમંત્રી એ ગુલિયન બેરી સિન્ડ્રોમનાં કેસીસ જ્યાંથી મળી આવ્યા છે તેવા ગોધરાનાં પંચવટી સોસાયટી અને ભૂરાવાવ વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી. મંત્રીએ જીબીએસથી સંક્રમિત થનારા બે બાળકોની તેમના ઘરે મુલાકાત લઈ તેમની રિકવરી, લક્ષણો, સારવાર સહિતની બાબતો અંગે સંવેદનાસભર પૂછપરછ કરીને ઝડપી સંપૂર્ણ રીકવરી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે સ્થાનિક લોકો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હાથ પગમાં નબળાઈ સાથેનાં જીબીએસનાં લક્ષણો જાે દેખાય તો વિના વિલંબે સ્થાનિક આગેવાનોની મદદથી આરોગ્ય વિભાગનો સંપર્ક કરવો તેમજ તબીબી સલાહ-સારવાર લેવી જાેઈએ. આ રોગથી ગભરાવવાની કોઈ જરૂર નથી

પરંતુ ઓછી ઈમ્યુનિટી ધરાવતા લોકોને અને બાળકોને આ રોગ વધુ અસર કરતો હોવાથી કાળજી રાખવી અતિ આવશ્યક છે તેમ જણાવતા તેમણે ઉમેર્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ, ક્લોરીનેશન સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

મંત્રીએ જણાવ્યું કે આ રોગની મોંધી સારવારને જાેતા સરકાર દ્વારા એસ.એસ.જી અને ગૌત્રી હોસ્પિટલ ખાતે તેની વિનામૂલ્યે સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ રોગનાં ફેલાવાનું કારણ સ્પષ્ટ નથી ત્યારે તેમણે સ્થાનિકોને ડર્યા વગર જરૂરી સાવચેતી રાખવા અને આરોગ્ય વિભાગને સહયોગ આપવાની અપીલ કરતા જણાવ્યું કે આરોગ્ય વિભાગ જીબીએસ સામે સંપૂર્ણ રીતે સજ્જ છે

અને વધુ ફેલાવો થવાની સ્થિતિમાં સ્થાનિકોને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલ, ગોધરા ખાતે તેની સારવાર ઉપલબ્ધ કરાવવાની દિશામાં આયોજન વિચારી રહી છે.

તેમણે સ્થાનિક આગેવાનોને સ્થાનિકો સાથે સંકલન કરી આરોગ્યલક્ષી કામગીરી નિયમિત રીતે થાય, લોકોમાં આ રોગનાં લક્ષણો પ્રત્યે જાગરૂકતા આવે, લક્ષણો દેખાવાની સ્થિતિમાં તેઓ નિઃસંકોચપણે આગળ આવે તે દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું.

મંત્રીએ અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સ સઘન બનાવવા, લક્ષણોવાળા દર્દીઓ બને તેટલી વહેલી તકે ડિટેક્ટ થાય અને સારવાર ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા, તેમજ બેક્ટોરોલજીકલ પરીક્ષણ માટે પાણીનાં નમૂના લેવા સાથે ક્લોરીનેશનની કામગીરી અસરકારક રીતે પાર પાડવા તેમણે આરોગ્ય અધિકારીઓને સૂચના આપી હતી.

ઉલ્લેખનીય છે કે ગોધરા શહેરમાં છેલ્લા ૧૦ દિવસમાં ગુલિયન બારી સિન્ડ્રોમનાં કુલ ૧૫ કેસો મળી આવ્યા છે. આ ૧૫ પૈકી ૯ દર્દીઓ સારવાર હેઠળ છે, ૫ દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરી દેવાયા છે, જ્યારે ૧ બાળ દર્દીનું આ રોગનાં પગલે અવસાન થયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.