સગાઈ પર મંગેતરને ગિફ્ટમાં આપ્યો ચાંદનો ટુકડો
વડોદરા, હેમાલી પટેલની મયુર પટેલ સાથે સગાઈ થઈ તો તેણે કદાચ વિચાર્યુ હશે કે તેને ડાયમંડની વીંટી મળશે અથવા તો સોનાનો કોઈ હાર ભેટ તરીકે મળશે. પરંતુ હેમાલીને ગિફ્ટમાં જે મળ્યું તેની કલ્પના તેણે સપનામાં પણ નહીં કરી હોય. સગાઈની વીંટી પહેરાવ્યા પછી મયુર પટેલ ગૂંઠણિયે બેઠો અને તેણે હેમાલીને ચાંદનો ટુકડો ભેટમાં આપ્યો.
કોઈને પણ વાંચીને વિશ્વાસ નહીં થાય, પરંતુ મયુર પટેલે ખરેખર આ અનોખી ભેટ પોતાની મંગેતરને આપી છે. ૨૫ વર્ષીય વેપારી મયુર પટેલે મંગેતર હેમાલીને અનોખી ભેટ આપવા માટે ચંદ્ર પર જમીન બુક કરાવી છે. હેમાલી વ્યવસાયે એન્જિનિયર છે.
અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં હેમાલીએ જણાવ્યું કે, પુરુષો સામાન્યપણે પોતાની પ્રેમિકાને એવા વચન આપતા હોય છે કે તારા માટે ચાંદ-તારા લઈ આવીશ. પરંતુ મેં ક્યારેય વિચાર્યુ નહોતું કે તે મારા નામે ખરેખર ચંદ્ર પર જમીન ખરીદશે.
આ બેસ્ટ ગિફ્ટ છે. હં ખરેખર જાણે સાતમા આસમાને પહોંચી ગઈ છું. ઉલ્લેખનીય છે કે મયુર પટેલે જમીન માલિકીના દસ્તાવેજ હેમાલીને સોંપ્યા હતા. મયુર પટેલ જણાવે છે કે, લોકો સામાન્યપણે પોતાના સાથીને સોના અથવા ડાયમંડના ઘરેણાં આપતા હોય છે.
પરંતુ હું તેને એવી ગિફ્ટ આપવા માંગતો હતો જે આજીવન યાદ રહે. મારી બહેને મને ચંદ્ર પર જમીન ખરીદવાનો આઈડિયા આપ્યો હતો. તેણે ઈન્ટરનેટ પર આ બાબતે વાંચ્યુ હતું. મેં ઓનલાઈન થોડું રિસર્ચ કર્યું અને પછી નક્કી કર્યું કે મારે ગિફ્ટમાં જમીન જ આપવી છે.
નોંધનીય છે કે મયુરે ઈન્ટરનેશનલ લુનાર લેન્ડ રજિસ્ટ્રીનો સંપર્ક કર્યો. મયુર આગળ જણાવે છે કે, થોડા સંશોધન પછી મેં ચંદ્ર પર એક એકર જમીન ખરીદવાનો ર્નિણય લીધો. બે ઓફ રેઈન્બો વિસ્તાર પ્રેમીઓ માટેનો માનવામાં આવે છે, જ્યાં મેં જમીન ખરીદી છે. મેં ડિજિટલ ટ્રાન્ઝેક્શન કર્યું છે, અને હેમાલીના નામની માલિકીના મારી પાસે ડિજિટલ દસ્તાવેજ પણ છે.
ભવિષ્યમાં જ્યારે ટેક્નોલોજી વિકસિત થશે અને સામાન્ય માણસો ચંદ્રની મુલાકાત લઈ શકશે ત્યારે હું હેમાલીને આ જમીન પર લઈ જઈશ. જાે કે, મયુરે આ જમીનની કિંમતનો ખુલાસો નથી કર્યો. હેમાલી અને મયુર લગભગ અઢી વર્ષ પહેલા મળ્યા હતા અને પ્રેમમાં પડ્યા હતા.SSS