ડાયાલિસિસ એટલે શું? ડાયાલિસિસની જરૂર કોને અને ક્યારે પડે છે? આવો જાણીએ
કિડની સંબંધિત રોગોના કારણે ઘીમેઘીમે મહિના કે વર્ષોમાં બંને કિડનીની કાર્યક્ષમતા નોંધપાત્ર ઘટાડો થાય અથવા કિડની કામ કરતી બંધ થઇ જાય ત્યારે તેને CKD(ક્રોનિક કિડની ડિસીસ) કહેવામાં આવે છે. જેમાં શરીરની બંને કિડનીને મહદઅંશે નુકશાન થાય છે.
*સંપૂર્ણપણે કામ કરતી બંને કિડની કેટલાક કારણોસર એકાએક નુકશાન પામી ટૂંકા સમય માટે કામ કરવાનું બંધ કરી દે તેને એક્યુટ કિડની ફેલ્યર અથવા એક્યુટ કિડની ઇન્જરી અથવા એક્યુટ રીનલ ફેલ્યર-એ.આર.એફ. કહેવામાં આવે છે.*
*જ્યારે કિડનીમાં નુકસાન પહોંચવાની કે કિડની બગડવાની પ્રક્રિયા મંદ હોય એટલે કે ધીમી હોય જે કારણોસર કિડની વર્ષો સુધી કાર્યરત રહી શકે તેવા પ્રકારના કિડની ફેલ્યરને ક્રોનિક કિડની ફેલ્યર તરીકે ઓળખવામાં આવે છે.*
જેમાં લાંબા સમય બાદ મોટાભાગના દર્દીઓમાં બંને કિડની સંકોચાઇને સાવ નાની થઇ કાય માટે કામ કરતી બંધ થઇ જાય છે.
આ બંને પ્રકારના કિડની ફેલ્યરમાં વહેલી તકે નિદાન અને શરૂઆતના તબક્કાથી જ અસરકારક સારવાર મળતા મહદઅંશે મોટા નુકસાન થી બચી શકાય છે.
*કિડની સંબંધિત ફેલ્યરની સારવારમાં ડાયાલિસિસ અથવા કિડનીનું પ્રત્યારોપણ(ટ્રાન્સપ્લાન્ટ) કરવામાં આવે છે.*
એક્યુટ કિડની ફેલ્યરના દર્દીઓમાં જ્યાં સુધી કિડનીની કાર્યક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો થતો હોય ત્યાં સુધી જરૂરિયાત મુજબ ડાયાલિસિસ કરવાની જરૂર પડે છે. જેના કારણે કિડની અને પેશાબની માત્રામાં સુધારો થવા લાગે અને કિડની ફેલ્યરના કારણે થતી મોટી તકલીફો અને જોખમોમાં ઘટાડો થાય ત્યારે ડાયાલિસિસની જરૂરિયાતમાં ઘટાડો કરવામાં આવે છે.
*ડાયાલિસિસમાં કિડની કામ કરતી બંધ થાય ત્યારે શરીરમાં ભેગા થતા બિનજરૂરી તત્વો, પદાર્થો અને વધારાના પ્રવાહી , ક્ષાર અને એસિડ જેવા રસાયણોને કૃત્રિમ રીતે દૂર કરવાની, શુદ્ધિકરણ કરવાની પધ્ધતિને ડાયાલિસિસ કહેવામાં આવે છે.*
બંને કિડની બગડી ગઇ હોય ત્યારે ડાયાલિસિસ જ પ્રાથમિક તબક્કે આશિર્વાદરૂપ બની રહે છે.
અત્રે નોંધનીય છે કે, પ્રવર્તમાન સમયમાં પુખ્તવયની વ્યક્તિઓમાં હાઇ બ્લડપ્રેશર અને ડાયાબિટીસ સી.કે.ડી. માટેના મુખ્ય કારણો નોંધવામાં આવ્યા છે. જેનું વહેલી તકે નિદાન કરવા માટે મૂત્ર પરિક્ષણ દ્વારા પેશાબમાં પ્રોટીન ની હાજરી અને રક્ત પરિક્ષણ દ્વારા લોહીમાં ક્રિએટીનની હાજરીની ચકાસણી કરવામાં આવે છે. -અમિતસિંહ ચૌહાણ