કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ૧૦૫ રૂપિયાનો વધારો થયો
હાલ ક્રૂડ ઓઈલના ભાવ ૧૦૨ ડોલર પ્રતિ બેરલ પાર ગયા
૬ ઓક્ટોબર ૨૦૨૧ બાદ ઘરેલુ એલપીજી સિલિન્ડર ન તો સસ્તો થયો છે કે ન તો મોંઘો, એટલે કે ઘરેલુ સિલિન્ડરના ભાવમાં હાલ પૂરતો કોઈ ફેરફાર થયો નથી
(એજન્સી)નવી દિલ્હી, યુક્રેન રશિયા યુદ્ધ અને પેટ્રોલિયમ પેદાશોના વધતા ભાવ વચ્ચે આજે એલપીજી સિલિન્ડરના નવા ભાવ જાહેર થયા. સિલિન્ડરના ભાવમાં ૧૦૫ રૂપિયાનો જંગી વધારો થયો છે. આ વધારો કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં થયો છે.
આ વધારા સાથે દિલ્હીમાં આજે મંગળવારથી ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ૨૦૧૨ રૂપિયા થશે. જ્યારે ૫ કિલોના સિલિન્ડરના ભાવમાં પણ ૨૭ રૂપિયાનો વધારો થયો છે. હવે દિલ્હીમાં ૫ કિલોના સિલિન્ડરનો ભાવ ૫૬૯ રૂપિયા થશે. હાલ ક્રૂડ ઓઈલના ભાવ ૧૦૨ ડોલર પ્રતિ બેરલ પાર ગયા છે.
આ જ કારણ છે કે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં સારો એવો ફેરફાર જાેવા મળ્યો છે. અત્રે જણાવવાનું કે ઓક્ટોબર ૨૦૨૧થી એક ફેબ્રુઆરી ૨૦૨૨ વચ્ચે કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ૧૭૦ રૂપિયા વધ્યા છે. તમને જણાવીએ કે ૬ ઓક્ટોબર ૨૦૨૧ બાદ ઘરેલુ એલપીજી સિલિન્ડર ન તો સસ્તો થયો છે કે ન તો મોંઘો.
એટલે કે ઘરેલુ સિલિન્ડરના ભાવમાં હાલ પૂરતો કોઈ ફેરફાર થયો નથી. દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે એલપીજી સિલિન્ડરના ભાવમાં માસિક ફેરફાર થતા હોય છે. આ અગાઉ નેશનલ ઓઈલ ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓએ ૧ ફેબ્રુઆરીના રોજ ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૯૧.૫૦ રૂપિયાનો કાપ મૂક્યો હતો.
આ વખતે પણ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. ૧૯ કિલોવાળા એલપીજી સિલિન્ડર ૧ માર્ચ એટલે કે આજથી હવે દિલ્હીમાં ૧૯૦૭ રૂપિયાની જગ્યાએ ૨૦૧૨ રૂપિયામાં મળશે. કોલકાતામાં હવે ૧૯૮૭ની જગ્યાએ ૨૦૯૫ રૂપિયામાં મળશે. જ્યારે મુંબઈમાં તેની કિંમત ગવે ૧૮૫૭ રૂપિયાથી વધીને ૧૯૬૩ રૂપિયા થઈ ગઈ છે.