સમગ્ર ભારતનાં શહેરોમાં વધારે ગરમી, પૂર, સમુદ્રનું સ્તર વધશે
(એજન્સી) નવી દિલ્હી, વિશ્વની સૌથી મોટી સમસ્યા કોઈ હોય તો એ છે જળવાયુ પરિવર્તન. ભારત સહિત દુનિયાના લગભગ તમામ દેશો જળવાયુ પરિવર્તનનો શિકાર બની રહ્યા છે. જાે આ સમસ્યાનું સમયસર નિરાકરણ લેવામાં નહીં આવે તો દુનિયાએ માઠા પરિણામ ભોગવવા પડશે.
ઈન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જ(આઈપીસીસી)ના રિપોર્ટમાં પણ આ જ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ રિપોર્ટ ખતરાની ઘંટી સમાન છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વાતાવરણ બદલવાને કારણે જરૂર કરતા વધારે અથવા ઓછો વરસાદ, પૂરની સ્થિતિ અથવા અતિશય ગરમીનો સામનો કરવો પડી શકે છે. આટલુ જ નહીં, વધતા તાપમાનને કારણે ભારતમાં કૃષિ ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે.
આઈપીસીસીરિપોર્ટ તૈયાર કરનારા લોકોમાં સામેલ અંજલ પ્રકાશે જણાવ્યું કે, આવનારા સમયમાં શહેરની વસ્તી ઝડપથી વધવાની છે. આગામી ૧૫ વર્ષમાં દેશની ૬૦ કરોડ વસ્તી શહેરોમાં રહેશે જે વર્તમાન અમેરિકાની વસ્તી કરતા બમણી હશે. દેશમાં ૭૫૦૦ કિલોમીટર લાંબો તટીય વિસ્તાર છે.
મુંબઈ, કલકત્તા, ચેન્નાઈ, વિશાખાપટ્ટનમ, પુરી અને ગોવા જેવા વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધી શકે છે. સમુદ્રનું સ્તર ઉપર જવાને કારણે આ વિસ્તારોમાં પુર જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આટલુ જ નહીં, વાવાઝાડોનું જાેખમ પણ વધી શકે છે.
સંયુક્ત રાષ્ટ્રની ઈન્ટરગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ ચેન્જના રિપોર્ટ અનુસાર, દુનિયાની અડધી વસ્તી પર જાેખમ તોળાઈ રહ્યું છે. તમામ પ્રયત્નો કરવા છતાં ઈકોસિસ્ટમમાં સુધારો થતો જણાઈ નથી રહ્યો. એક અંદાજ અનુસાર, જાે તાપમાનમાં ૧-૪ ડિગ્રી સેલ્સિયસ સુધી વધારો થશે
તો ભારતમાં ચોખાનું ઉત્પાદન ૧૦થી ૩૦ ટકા, મકાઈનું ઉત્પાદન ૨૫થી ૭૦ ટકા સુધી ઘટી શકે છે. રિપોર્ટ અનુસાર, જળવાયુ પરિવર્તનની સાથે જ એશિયામાં ખેતી અને ખાદ્યપદાર્થોને લગતા જાેખમ અલગ અલગ પ્રભાવ સાથે ધીરે ધીરે વધશે. ૧૪થી ૨૬ ફેબ્રુઆરી દરમિયાન વર્ચ્યુઅલી આયોજિત આઈપીસીસીના રિપોર્ટનો સંયુક્ત રાષ્ટ્રમાં યુક્રેન અને રશિયાએ પણ સ્વીકાર કર્યો છે.
રિપોર્ટમાં જળવાયુ પરિવર્તનનો સામનો કરવા માટેની પદ્ધતિઓની પણ ચર્ચા કરવામાં આવી છે. રિપોર્ટમાં લોકોને આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટેની રીતો પણ જણાવવામાં આવી છે અને જીવનશૈલીમાં સુધારો લાવવા બાબતે સલાહ પણ આપવામાં આવી છે. રિપોર્ટમાં ભારતના શહેરો સુરત, ઈન્દોર અને ભુવનેશ્વરના ક્લાઈમેટ ચેન્જનો સામનો કરવાના પ્રયાસોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
બે અઠવાડિયા સુધી ચાલેલી આ બેઠકમાં રિપોર્ટને ૧૯૫ દેશોએ મંજૂરી આપી છે. ક્લાઈમેટ ચેન્જ-૨૦૨૨- ઈમ્પેક્ટ, એડપ્શન એન્ડ વુલનેરાબિલિટીકાર્યક્રમમાં ક્લાઈમેટ ચેન્જના પ્રભાવોની સમીક્ષા કરવામાં આવી.