ઉજ્જૈનઃ ૧૦ મિનિટમાં ૧૧ લાખ ૭૧ હજાર ૭૮ દીવા પ્રગટાવવામાં આવ્યા
ઉજ્જૈન, ભગવાન શ્રી રામની નગરી અયોધ્યાનો વર્લ્ડ રેકોર્ડ હવે ભગવાન મહાકાલની નગરી ઉજ્જૈનના કપાળ પર શોભી રહ્યો છે. મહાશિવરાત્રી નિમિત્તે અહીં માત્ર ૧૦ મિનિટમાં ૧૧ લાખ ૭૧ હજાર ૭૮ દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા. ૧૪ હજાર સ્વયંસેવકોએ આ દીવાઓ પ્રગટાવ્યા હતા. આ દરમિયાન ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની પાંચ સભ્યોની ટીમ પણ અહીં હાજર હતી.
ઉજ્જૈનના ડીએમ આશિષ સિંહના જણાવ્યા અનુસાર, ગિનિસ બુકની ટીમે વર્લ્ડ રેકોર્ડ બનાવવાની સત્તાવાર જાહેરાત પણ કરી હતી. સ્વયંસેવકોએ આજે ઉજ્જૈનમાં શિવ જ્યોતિ અર્પણમ મહોત્સવના સાયરનના અવાજ સાથે દીપ પ્રગટાવવાનું શરૂ કર્યું. સૌથી પહેલા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પત્ની સાધના સિંહ સાથે ૧૧ દીવા પ્રગટાવ્યા. ત્યારબાદ બધા દીવા પ્રગટાવવામાં આવ્યા હતા.
૫ સભ્યોની ગિનિસ વર્લ્ડ રેકોર્ડની ટીમે પ્રગટાવેલા દીવાઓની ગણતરી શરૂ કરી. આ દરમિયાન ડ્રોનથી પણ દેખરેખ રાખવામાં આવી રહી હતી. વહેલી સવારે પૂજાનો કાર્યક્રમ શરૂ થઈ ગયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી શિવરાજ અને તેમના પત્ની સાધના સિંહ સહિત અનેક મહાનુભાવો અને અધિકારીઓ હાજર રહ્યા હતા. મીડિયા સાથે ચર્ચા કરતા શિવરાજ સિંહે કહ્યું કે આજે મહાશિવરાત્રી છે.
બાબા મહાકાલના દર્શન કરીને ઉજ્જૈનના લોકોએ મહાશિવરાત્રીને અદ્ભુત રીતે મનાવવાનું નક્કી કર્યું અને ભગવાન ભોલેનાથને દીવો અર્પણ કરવાનો ર્નિણય કર્યો. હું ભગવાન મહાકાલને પ્રાર્થના કરું છું કે દરેકની મનોકામના પૂર્ણ થાય. અયોધ્યાનો રેકોર્ડ ભગવાન મહાકાલની નગરી ઉજ્જૈને તોડ્યો હતો. ઉલ્લેખનીય છે કે દિવાળી પર અયોધ્યામાં ૯ લાખ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. પછી આ ઘટનાને ગિનિસ બુક ઓફ રેકોર્ડ્સમાં પણ સ્થાન આપવામાં આવ્યું.SSS