Western Times News

Gujarati News

યુએસ જવાની ઘેલછામાં ૧૮ લોકો માફિયાઓની જાળમાં ફસાયા

નવી દિલ્હી, યેનકેન પ્રકારે અમેરિકા પહોંચવાની ઘેલછાએ મહેસાણા અને ગાંધીનગરના ગામડાંના ૧૮ લોકોને મુસીબતમાં મૂક્યા છે. તેઓ ઈસ્તાંબુલમાં માફિયાઓની જાળમાં ફસાયા છે. ગત મહિને તુર્કીમાંથી બે પટેલ પરિવારના છ સભ્યો ગુમ થયા હતા.

આ કેસની તપાસ કરી રહેલા ઓફિસરોએ ઉપરોક્ત માહિતી આપી છે. ગુમ થયેલા છ લોકોમાં બે દંપતી અને બે બાળકો છે, જેમાં એક છોકરી અને એક છોકરાનો સમાવેશ થાય છે. આ છયે જણાં ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વતની હતા અને તેઓ જાન્યુઆરી મહિનામાં વિઝિટર વિઝા પર ઈસ્તાંબુલ ગયા હતા.

તેઓ તુર્કી-મેક્સિકો રૂટ દ્વારા યુએસમાં ગેરકાયદે રીતે ઘૂસવાની ફિરાકમાં હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, કુલ ૧૮ લોકો હતા અને બધા જ પટેલ સમાજના હતા. જાન્યુઆરી મહિનામાં તેમણે પણ આ જ વિકલ્પ પસંદ કર્યો હતો અને ત્યારથી ગુમ છે.

એક પરિવારને ખંડણી પેટે પાંચ લાખ રૂપિયા માગતો ફોન આવ્યો હતો. જાેકે, ત્યાર પછી પીડિત કે તેમનું અપહરણ કરનારા શખ્સો સાથે કોઈ સંપર્ક થયો નથી”, તેમ ગુજરાત પોલીસમાં રહેલા સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. અહીંના એજન્ટો બીજા દેશોના અધિકારીઓ અને આવી ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપતાં શખ્સોના સંપર્કમાં છે, તેઓ માનવતસ્કરી માટે સગવડ પૂરી પાડે છે.

તુર્કીમાં માનવતસ્કરો પાસે વિવિધ ફ્લેટ છે જ્યાં તેઓ ગેરકાયદે ઈમિગ્રન્ટ્‌સને રાખે છે. જાન્યુઆરીના બીજા સપ્તાહમાં ગુમ થયેલા છ સભ્યો અને અન્ય ૧૮ લોકોનું ઈસ્તાંબુલના સ્થાનિક માફિયાઓએ અપરહણ કર્યું છે”, તેમ ગુજરાત પોલીસના સૂત્રોએ જણાવ્યું. ગુજરાત પોલીસ અન્ય તપાસ એજન્સીઓ સાથે મળીને રાજ્યમાં ચાલતાં ગેરકાયદે ઈમિગ્રેશનના ધંધાનો પર્દાફાશ કરવાની દિશામાં કામ કરી રહી છે.

બે પરિવારો ગુમ થયા હોવાના અહેવાલો આવતાં તેમના સગા-સંબંધીઓએ પોલીસને જણાવ્યું કે, તેઓ ઈસ્તાંબુલની એક હોટેલમાં છે અને આગામી ૨-૩ દિવસમાં અમદાવાદ આવી જશે. “જાેકે, આ પરિવારો હજી સુધી પરત આવ્યા નથી અને ત્યાર પછીથી તેમના કોઈ સગડ પણ નથી.

આ કેસ હજી ઉકેલાયો નથી એવામાં ઈસ્તાંબુલ સ્થિત ઈન્ડિયન એમ્બસીને અપહ્યત લોકોના પરિવારજનો તરફથી મેઈલ આવ્યો છે જેમાં દાવો કરાયો છે કે, માનવતસ્કરો તેમની પાસેથી ખંડણી માગી રહ્યા છે. અગાઉ પણ આવા કિસ્સા બન્યા છે જેમાં માનવતસ્કરોએ તુર્કીમાં ગેરકાયદે ઈમિગ્રન્ટ્‌સને ગોંધી રાખ્યા હોય અને તેમના પરિવારો પાસેથી ખંડણી માગી હોય.

ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસવા માગતા લોકો માટે તુર્કી મધ્ય સ્થાન છે. એકવાર આ લોકો તુર્કી પહોંચી જાય પછી તેમના નકલી પાસપોર્ટ બનાવીને ફ્લાઈટ અથવા દરિયા માર્ગે મેક્સિકો મોકલવામાં આવે છે. મેક્સિકોમાં રહેલા એજન્ટો માઈગ્રન્ટ્‌સને યૂએસમાં ઘૂસાડે છે”, તેમ એક પોલીસકર્મીએ જણાવ્યું.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરના ડીંગુચા ગામનો ચાર સભ્યોનો પરિવાર ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસવાના પ્રયાસમાં કેનેડાની બોર્ડર પર થીજીને મૃત્યુ પામતાં માનવતસ્કરીની ઘટના પ્રકાશમાં આવી હતી. જે બાદ રાજ્યમાં ચાલતાં ગેરકાયદે ઈમિગ્રેશનના રેકેટનો પર્દાફાશ કરવા માટે યુએસ અને કેનેડાની એજન્સીઓએ ગુજરાત પોલીસની મદદ લીધી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.