કોલકાતાના જ્વેલરનું અપહરણ કરી હત્યા કરનાર આરોપી ઝડપાયો
અમદાવાદ, કોલકાતામાં જ્વેલરનું અપહરણ કરીને તેમના પરીવાર પાસે ૧ કરોડની ખંડણી માંગી ૨૫ લાખ રૂપિયા લઈને પણ જ્વેલરની હત્યા કરનારા આરોપીને ગુજરાત એટીએસની ટીમે ઝડપી લીધો છે. હત્યા બાદથી ફરાર આરોપી વિશાલ શર્માને શિરડી ખાતેથી ઝડપી લેવાયો હતો. આરોપી અમદાવાદમાં પણ રોકાયો હતો જે બાદ શિરડી ગયો હતો.
કોલકાતામાં જ્વેલર શાંતિલાલ વૈધનું વિશાલ શર્માએ અપહરણ કર્યું હતું અને તેમના પરિવાર પાસે ૧ કરોડની ખંડણી માંગી હતી. પરંતુ પરિવારે વાતચીત કરીને ૨૫ લાખ રૂપિયા આપ્યા હતા. ખંડણીના પૈસા લીધા બાદ પણ આરોપી વિશાલ શર્માએ જ્વેલરની ગળું દબાવી અને બાદમાં ટેલીફોનના વાયરથી ભીંસી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ આરોપી ત્યાંથી ફરાર થઇ ગયો હતો, જેની પોલીસ શોધખોળ કરી રહી હતી. આરોપીના માથે ૫૦,૦૦૦ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે, હત્યાનો આરોપી વિશાલ શર્મા અમદાવાદના રાયપુરની હોટલમાં રોકાયો છે જે બાદ આરોપી નામ સરનામું છુપાવીને મહારાષ્ટ્રના શિરડી ખાતે છુપાયેલો હતો. જે આધારે ATSને ટીમે મહારાષ્ટ્રથી આરોપી વિશાલ શર્માને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ કરીને કોલકાતા પોલીસને સોંપવા ATSએ તજવીજ હાથ ધરી છે.HS