અમદાવાદની AMTS બસને ખોટમાં ચલાવવા પાછળ કોર્પોરેશન જવાબદાર
અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એએમટીએસ છેલ્લા અનેક વર્ષોથી હવે કરોડો રૂપિયાની ખોટમાં ચાલે છે.
આ સંસ્થા ખોટમાં ચાલવાના અનેક કારણો છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે એએમટીએસને ખોટમાં ચલાવવામાં ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ જવાબદાર છે. વર્ષ ૨૦૧૯-૨૦માં મ્યુનિસિપલ કોર્પોરેશને વિવિધ પ્રોગ્રામોમાં લોકોને લાવવા લઈ જવા એએમટીએસ બસ મૂકી હતી. જેના ૨.૦૨ કરોડ રૂપિયા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચુકવવામાં આવ્યા નથી.
સૌથી વધુ ફેબ્રુઆરી ૨૦૧૯માં મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાયેલા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં જ બસમાં લાવવા લઈ જવાના રૂ.૭૨.૧૦ લાખ હજી સુધી એએમટીએસને આપવામાં આવ્યાં નથી.
રાજય સરકાર અથવા મ્યુનિસિપલ કોર્પોરેશનનો કોઈ કાર્યક્રમ હોય તો ભીડ ભેગી કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેટરોના વોર્ડમાંથી લોકોને લાવવા લઈ જવા માટે એએમટીએસની બસોનો ઉપયોગ કરવામાં આવે છે.
જેના માટે એએમટીએસ બસ દ્વારા નક્કી કરેલું ભાડું લેવામાં આવે છે. વર્ષ ૨૦૧૯-૨૦માં નમસ્તે ટ્રમ્પ રોડ શો સહિત કુલ ૨૮ જેટલા સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ પ્રોગ્રામમાં કુલ ૨૧૭૯ જેટલી બસો મુકવામાં આવી હતી. જેમાં રૂ.૧.૯૨ કરોડ અને ટેક્સ રૂ.૯.૬૩ લાખ એમ મળી કુલ રૂ. ૨.૦૨ કરોડના બિલ બન્યા હતા. આ બિલ એએમટીએસ દ્વારા જે વિભાગનો કાર્યક્રમ હતો તેઓને મોકલી આપવામાં આવ્યા હતા.
ત્રણ વર્ષ અગાઉ આ બસોના બિલો મોકલી આપવા છતાં આજદિન સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ.૨.૦૨ કરોડની રકમ એએમટીએસને ચુકવવામાં આવી નથી. એકતરફ મુસાફરોની પ્રવાસની આવક બાદ આ રીતે ભાડા પર લેવાતી બસોની આવકથી એએમટીએસ બસને ફાયદો થાય છે.
પરંતુ ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભીડ ભેગી કરવા લોકોને લાવવા લઈ જવા ભાડે કરેલી બસોના સરકારી ખર્ચના પૈસા જ ચૂકવતા નથી. ભાજપના સત્તાધીશોને પણ એએમટીએસ ખોટમાં જ ચાલે તેમાં રસ છે. માત્ર ૨૦૧૯-૨૦ જ ૨ કરોડ બાકી છે તો ૨૦૨૦-૨૧માં પણ આનાથી વધુ રકમ ચુકવવાની બાકી હોય તેવી પુરી શકયતા જણાય છે.HS