પીરાણાનો કચરાનો ડુંગર હવે તો શાસકોને પણ તોબા પોકરાવે છે
(એજન્સી) અમદાવાદ, પીરાણા ડમ્પ સાઈટનો કચરાનો ડુંગર અનેક વાર વિવાદોમાં મુકાયો છે. તાજેતરમાં મ્યુનિ. કોંગ્રેસ દ્વારા પીરાણા ડમ્પ સાઈટની મુલાકાત કરીને તંત્ર પર અનેક પ્રકારના ગંભીર આક્ષેપો કરાયા હતા આ ડમ્પ સાઈટનો વિવાદ પુનઃ ચર્ચાસ્પદ બનતા ભાજપના શાસકો પણ બેબાકળા બન્યા છે.
તાજેતરમાં યોજાયેલી હેલ્થ કમિટીની બેઠકમાં પીરાણા ડમ્પ સાઈટના કચરાના ડુંગરનો મુદ્દો ચર્ચાયો હતો. વિપક્ષ કોંગ્રેસના નેતા શહેઝાદ પઠાણે પીરાણા ડમ્પ સાઈટની મુલાકાત લઈ તેને ભ્રષ્ટાચારનું એપી સેન્ટર ગણાવ્યું હતું. વિપક્ષ કોંગ્રેસે પીરાણાના કચરાના ડુંગર વિષયે તંત્ર ઉપરાંત ભાજપના શાસકો ઉપર પણ આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા.
તંત્ર દ્વારા કચરાનો ડુંગર ખસેડીને કચરામાંથી ખાતર અને વીજળી બનાવવાના મોટા મોટા દાવા કરાયા હતા. વિવિધ કંપનીઓને વિશાળ જગ્યા તેમજ મફત વીજળી-પાણી સહિતની અનેક સુવિધાઓ અપાઈ હતી, પરંતુ વાસ્તવિક રીતે તમામ યોજનાઓ ફકત કાગળ પર રહી છે તેવો ગંભીર આક્ષેપ પણ મ્યુનિ. કોંગ્રેસ દ્વારા કરાયો હતો જયાં સુધી ભાજપની સરકાર હશે ત્યાં સુધી પીરાણાનો કચરાનો ડુંગર ખસેડવો શકય નથી તેવો વિપક્ષે દાવો પણ કર્યો હતો.
જાેકે વિપક્ષ કોંગ્રેસના દાવાને બાજુ પર મુકીને એનજીટી (નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ)ના આદેશનું પાલન કરવામાં પણ સત્તાવાળાઓ નિષ્ફળ નીવડ્યા છે. એનજીટીએ ત્રણ વર્ષમાં કચરાનો નિકાલ કરવાનો તંત્રને આદેશ કર્યો હતો.
આ આદેશ મુજબ ત્રણ વર્ષ પૂર્ણ થઈ ગયા છે, પરંતુ કચરાનો ડુંગર લગભગ જૈસે થે જેવો છે. હેલ્થ કમિટીમાં પીરાણાના કચરાના ડુંગરનો મુદ્દો ચર્ચાતા ભાજપના સભ્યોએ પણ તંત્રની કામગીરીથી માહિતગાર થવાનો આગ્રહ સેવ્યો હતો, જેના પગલે ચેરમેન ભરત પટેલ પણ આમાં સંત થયા હતા.