મ્યુનિ. કોર્પો.એ વિવિધ કાર્યક્રમો માટે ર૧૭૯ સ્પેશ્યલ બસો દોડાવી: પેમેન્ટ પેટે રૂા.ર કરોડ ચુકવવાના બાકી
નમસ્તે ટ્રમ્પ માટે પ૭૮ અને સાબરમતી સ્વચ્છતા અભિયાન માટે ૪૧૮ સ્પેશ્યલ વર્ધી થઈ
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસને “કોન્ટ્રાકટરો દ્વારા” “કોન્ટ્રાકટરો માટે” ચાલતી સંસ્થા માનવામાં આવે છે જેના માટે રાજકીય પરિબળો પણ મહત્વનો ભાગ ભજવી રહયા છે.
મ્યુનિ. ટ્રાન્સ્પોર્ટ સર્વિસની બસોના ચક્રો મનપાની લોનના આધારે દોડી રહયા છે જેનો પુરતો દુરુપયોગ મ્યુનિ. વહીવટીતંત્ર અને શાસકો લઈ રહયા છે. એએમટીએસના ૮૦૦ કરતા વધુ કર્મચારીઓ લોનની સામે મનપામાં નોકરી રહયા છે જેનો પગાર એએમટીએસ દ્વારા ચુકવવામાં આવી રહયો છે જયારે સ્પે. વર્ધી માટે અવારનવાર લેવામાં આવતી બસોના ભાડા સમયસર ચુકવાતા નથી અથવા સામ-સામે માંડવાળ થતા રહે છે જેના કારણે એએમટીએસનું દેવુ વધી રહયુ છે. ચોંકાવનારી બાબતો એ છે કે પૂર્વ મ્યુનિ. કમિશ્નરે સાબરમતી શુધ્ધિકરણ માટે કરેલા “ફોટો સેશન”માં ભીડ એકત્રિત કરવા માટે એએમટીએસને રૂા.૩૬ લાખના ખાડા ઉતારી તિજાેરીનું શુધ્ધિકરણ કર્યું છે.
રાજય સરકાર અને મ્યુનિ. શાસકોને નાના-મોટા કાર્યક્રમોમાં ભીડ એકત્રિત કરવાનો ભારે મોહ છે. આવા કાર્યક્રમોના દિવસે વોર્ડ દીઠ એએમટીએસની પાંચથી દસ બસો મુકવામાં આવે છે જેમાં સાચા-ખોટા કાર્યકરોના ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા થાય છે પરંતુ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ એએમટીએસને સ્પે. વર્ધીની રકમ અલગથી ચુકવવામાં આવતી નથી જેના કારણે સંસ્થાને આર્થિક નુકશાન થઈ રહયુ છે.
નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦માં સ્પે. વર્ધીના નામે કુલ ર૧૭૯ બસો લેવામાં આવી હતી જેના બીલની રકમ રૂા.ર,૦ર,૪૦,૬પ૦ થાય છે જે મનપા દ્વારા એએમટીએસને ચુકવવામાં આવી નથી. તેવી જ રીતે નાણાકીય વર્ષ ર૦ર૧-રરમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ૩૯૬ બસ લેવામાં આવી હતી જેના બીલ પેટે રૂા.૧પ.ર૬ લાખ થાય છે. જેની જમાખર્ચ માટે કાર્યવાહી ચાલી રહી છે જયારે જીલ્લા કલેકટર પાસેથી સ્પે. વર્ધી પેટે રૂા.૯૪,૭૦,૪રપના લેણા બાકી છે.
જીલ્લા કલેકટર પાસે ર૦૧૯-ર૦ના પણ રૂા.૩૩૦૭૦ લેવાના બાકી નીકળે છે. જીલ્લા કલેકટર કચેરી દ્વારા લોકસભા ચૂંટણી સમયે ૬૬૪ બસ, જાડેશ્વર સાંસ્કૃતિક લોકાર્પણ ૪પ તથા રન ફોર યુનીટી માટે ૦૪ બસો લેવામાં આવી હતી જે પૈકી રન ફોર યુનિટીના નું બીલ બાકી છે.
પૂર્વ મ્યુનિ. કમિશ્નર વિજય નહેરા દ્વારા જુલાઈ-ર૦૧૯માં સાબરમતી શુધ્ધિકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નદી તો શુધ્ધ થઈ ન હતી પરંતુ મ્યુનિ. કોર્પોરેશન અને એએમટીએસની તિજાેરી પર અસર થઈ હતી. સદ્દર શુધ્ધિકરણ કમ ફોટો સેશન કાર્યક્રમમાં ભીડ એકત્રિત કરવા પૂર્વ મ્યુનિ. કમિશ્નરે ૪૧૮ સ્પેશ્યલ બસો દોડાવી હતી.
જેના બીલ પેટે ના રૂા.૩૬.૭૦ લાખ ચુકવાયા નથી તેવી જ રીતે પતંગ મહોત્સવ- ર૦ર૦ (કોરોના કાળ)માં પણ સ્કુલ બોર્ડના વિદ્યાર્થીઓ માટે ૧૦૮ બસો દોડાવવામાં આવી હતી. કાંકરીયા કાર્નીવલ- ર૦૧૯માં ૮ર, નમસ્તે ટ્રમ્પ રોડ-શો માટે પ૭૮ તથા રાષ્ટ્રીય પલ્સ પોલિયો કાર્યક્રમમાં ર૯૦ બસો સ્પેશ્યલ વર્ધી તરીકે લેવામાં આવી હતી જેના પેમેન્ટ હજી સુધી ચુકવાયા નથી આ તમામ રકમ લોન સામે માંડવાળ કરવામાં આવતી હોવાનું માનવામાં આવી રહયુ છે.
અત્રે નોંધનીય છે કે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એએમટીએસને દૈનિક રૂા.એક કરોડની લોન આપવામાં આવે છે પરંતુ તેની સામે સંસ્થાના ૮૦૦ જેટલા ફાજલ કર્મચારીઓ પાસેથી વિનામુલ્યે કામ લેવામાં આવે છે.
મતલબ કે એએમટીએસ દ્વારા ૮૦૦ કર્મચારીઓના પગાર ચુકવાય છે પરંતુ તેઓ મનપામાં ફરજ બજાવી રહયા છે. ચોંકાવનારી બાબત એ છે કે કંડકટર તરીકે ભરતી કરવામાં આવેલા કર્મચારીઓને સ્મશાનમાં ફરજ સોંપવામાં આવી રહી છે. મ્યુનિ. ટ્રાન્સપોર્ટ સર્વિસના અધિકારીઓનો ગેરવહીવટ અને શાસકોની નિષ્ક્રિયતાના પરીણામે જ સંસ્થાનું દેવું વધી રહયુ છે.