ભારતના ઓપરેશન ‘ગંગા’ની વિશ્વભરમાં પ્રશંસા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુબ જ સંયમતાથી શરૂ કરેલા ઓપરેશનમાં એરફોર્સની પણ મદદ લેવાઈ
અમેરિકા, ચીન, પાકિસ્તાન સહિતના દેશોએ તેમના નાગરિકોને યુક્રેનમાંથી પરત લાવવા માટે હાથ અધ્ધર કરી દીધા
રશિયાએ પાડોશી દેશ યુક્રેન ઉપર ભીષણ હુમલો કર્યો છે અને દિવસેને દિવસે તેની તીવ્રતામાં વધારો થઈ રહયો છે. યુક્રેનમાં અનેક દેશોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહયા છે
જેમાં ભારતના ૧૮ હજારથી પણ વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ભારતમાં શિક્ષણ મોંઘુ હોય તેવી છાપ ઉપસી રહી છે જેના પરિણામે વિદ્યાર્થીઓ મેડીકલ સહિતનું શિક્ષણ મેળવવા યુક્રેન જેવા દેશોમાં જઈ રહયા છે. રશિયાએ કરેલા હુમલામાં ભારતના વિદ્યાર્થીઓ અને નાગરિકો ફસાયા હતાં
ભારતીય એમ્બેસીએ યુધ્ધના ચાર દિવસ પહેલાં જ તમામ ભારતીયોને યુક્રેન છોડી દેવા એડવાઈઝરી જારી કરી હતી પરંતુ અભ્યાસ બગડે નહી તે માટે થઈ વિદ્યાર્થીઓએ આ એડવાઈઝરીની અવગણના કરી હતી પરિણામ એ આવ્યુ કે રશિયાએ આખરે યુક્રેન પર હુમલો કરી દેતા વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી.
અને આખરે ભારતીય વિદ્યાર્થીઓએ પોતાને બચાવી લેવા માટેના સંદેશાઓ મોકલતા કેન્દ્ર સરકાર સતર્ક બની હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશમાં ચુંટણી પ્રચાર વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતનું ભાવિ ગણાતા વિદ્યાર્થીઓને બચાવવાના કામને પ્રાધાન્ય આપી સંબંધિત વિભાગોના મંત્રીઓ અને અધિકારીઓ સાથે સંખ્યાબંધ બેઠકો યોજી તમામને સહી સલામત ભારત પરત લાવવાની ખાસ યોજના ઘડી કાઢી હતી
અને આ સમગ્ર ઓપરેશનનું નામ ‘ગંગા’ રાખવામાં આવ્યું છે અને હવે તો આ ઓપરેશનમાં એરફોર્સની પણ મદદ લેવામાં આવતા સ્થળાંતરની કામગીરીને વેગ મળ્યો છે મોટાભાગના ભારતીય નાગરિકોને યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વૈશ્વિક સ્તરે ફેલાયેલી ખ્યાતિના કારણે તથા ભુતકાળમાં ભારતે કરેલી મદદને ધ્યાનમાં રાખી યુક્રેનના પાડોશી દેશો પોલેન્ડ, રોમાનિયા સહીતના દેશોએ ભારતીય વિદ્યાર્થીઓને તેમના સરહદી વિસ્તારોમાં આશ્રય આપ્યો હતો અને ત્યાંથી એરલીફટ કરીને વિદ્યાર્થીઓને પરત લાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.
ભારતના ઓપરેશન ‘ગંગા’ની કામગીરીથી વિશ્વના મોટાભાગના દેશો આશ્ચર્યમાં મુકાઈ ગયા છે પરંતુ હકીકત એ છે કે વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટેની કામગીરી કરવામાં ભારત હંમેશા અગ્રેસર હોય છે અને તેનો વધુ એક દાખલો યુક્રેનમાં જાેવા મળ્યો છે.
ભારતમાં અનેક ખ્યાતનામ યુનિવર્સિટીઓ સ્થપાઈ રહી છે જેના પરિણામે વિદ્યાર્થીઓને વિદેશોમાં ભણવા જવા કરતા દેશમાં જ રહી ઉચ્ચ અભ્યાસ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ હકીકત એ છે કે ભારતમાંથી દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા જઈ રહયા છે
પરિણામ આવતા જ વિદેશી યુનિવર્સિટીના એજન્ટો સક્રિય બની જતા હોય છે અને તેઓ ઈચ્છુક વિદ્યાર્થીઓનો સંપર્ક સાંધી તેઓને વિદેશી યુનિવર્સિટીઓની સંપૂર્ણ હકીકતો જણાવતા હોય છે. વિદેશી યુનિવર્સિટીઓમાં ભારતની શૈક્ષણિક સંસ્થાઓ કરતા ઓછી ફી હોવાથી અને વિદેશમાં જવા મળતુ હોવાની લાલચથી મોટાભાગના વિદ્યાર્થીઓ વિદેશી યુનિવર્સિટીમાં ભણવા જવાનું પસંદ કરતા હોય છે.
જાેકે આ પ્રક્રિયામાં ભારતમાં શિક્ષણ મોંઘુ હોવાનો આક્ષેપ પણ થઈ રહયો છે સાથે સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓની થોડી લાલચ પણ જવાબદાર હોવાનું મનાઈ રહયું છે. આ ઉપરાંત ભારત કરતા પ્રવેશ માટે નિર્ધારિત ગાઈડલાઈન કરતા ઓછા માર્કસે વિદેશી યુનિવર્સિટીઓમાં પ્રવેશ મળતો હોવાથી અનેક વિદ્યાર્થીઓ વિદેશ જતા રહેતા હોય છે. આમ વિદ્યાર્થીઓને વિદેશ જતા રોકવા માટે ભારતમાં ફીનું પ્રમાણ ઘટાડવું જાેઈએ તેવો અનુરોધ શિક્ષણ શાસ્ત્રીઓ કરી રહયા છે.
ભારતના અનેક વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા, જર્મની, ચીન, યુક્રેન સહિતના દેશોમાં અભ્યાસ કરી રહયા છે પરંતુ તેઓની સંપુર્ણ વિગતો ભારત સરકાર પાસે નથી આ માટે ભારતે ખાસ વિભાગ શરૂ કરવો જાેઈએ જેથી વિદેશમાં ભણતા વિદ્યાર્થીઓની સંપુર્ણ હકીકત સરળતાથી પ્રાપ્ત થઈ શકે અને જરૂર પડે તેનો ઉપયોગ પણ કરી શકાય.
છેલ્લા એક સપ્તાહથી રશિયાએ યુક્રેન પર કરેલા યુધ્ધમાં આ તમામ પરિસ્થિતિમાંથી બોધપાઠ લેવો પડે તેવુ લાગી રહયુ છે. રશિયાએ યુક્રેન ઉપર હુમલો કરતાં ૧૮ હજાર જેટલા ભારતીય વિદ્યાર્થીઓ તથા નાગરિકો ફસાયાની વિગતો બહાર આવતા જ કેન્દ્ર સરકાર સફાળી જાગી હતી
વિદ્યાર્થીઓએ પોતાના વાલીઓને ટેલીફોનીક સંપર્ક સાંધી તેઓને બચાવી લેવા માટે વિનંતી કરતા હતાં. વાલીઓએ પણ આ અંગે રાજય સરકારો અને કેન્દ્ર સરકાર સમક્ષ રજુઆતો કરવાની શરૂ કરી હતી જાેકે તે પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી હાઈ લેવલની બેઠકોનો દોર શરૂ કરી દીધો હતો.
એક પણ વિદ્યાર્થી યુક્રેનમાં ફસાયેલો ન રહે તે માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા ઓપરેશન ગંગા એ વિશ્વભરમાં ચર્ચા જગાવી છે. અનેક દેશોએ તેમના નાગરિકોને યુક્રેનમાં રામભરોસે છોડી મુકયા છે ત્યારે ભારતે ઓપરેશન ‘ગંગા’ શરૂ કરી સ્થળાંતરની કામગીરી શરૂ કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ માટે યુક્રેનના પાડોશી દેશોનો સૌ પહેલા સંપર્ક સાધ્યો હતો અને પોલેન્ડ સહીતના દેશોએ ભારતની આ કામગીરીમાં તમામ પ્રકારની મદદ કરવાની ખાતરી આપી હતી પરિણામ સ્વરૂપે સૌ પ્રથમ યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને યુક્રેનની સરહદેથી બહાર કાઢી પાડોશી દેશોમાં મોકલી આપવાની કામગીરી શરૂ કરાઈ છે
અને એક પછી એક તમામ વિદ્યાર્થીઓ યુક્રેનમાંથી બહાર આવે તે માટે કેન્દ્ર સરકારે ચાર મંત્રીઓને જવાબદારી સોંપી દીધી છે આ ચારેય મંત્રીઓ અત્યારે યુક્રેનના પાડોશી દેશોમાં પહોંચી ગયા છે અને સમગ્ર ઓપરેશન પર નજર રાખી રહયા છે.
ભારતીય વિદ્યાર્થીઓને સહી સલામત પરત લાવવાની કામગીરીથી અન્ય દેશના વિદ્યાર્થીઓ પણ ભારે બળાપો કાઢતા જાેવા મળી રહયા છે. ભારતની કામગીરી ખુબ જ અસરકારક હોવાથી તેમના દેશો આવી કોઈ જ કામગીરી નહી કરતા હોવાનો જે તે દેશના વિદ્યાર્થીઓએ ખુલ્લેઆમ આક્ષેપ કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેન અને રશિયા સાથે પણ સંવાદ કરી ભારતીયોને બહાર કાઢવા માટે સમગ્ર કામગીરી આરંભી છે. મોટામાં મોટી વાત એ છે કે રશિયાની સરહદ ઉપરથી પણ વિદ્યાર્થીઓને પરત લાવવાની કામગીરી કરવામાં આવી રહી છે જે ખુબજ અશ્યક બાબત છે. ભારતે સ્પષ્ટપણે જણાવ્યું છે કે એક પણ વિદ્યાર્થી યુક્રેનમાં ફસાયેલો ન રહે ત્યાં સુધી આ ઓપરેશન ચાલુ રાખવામાં આવશે.
યુક્રેન ઉપરાંત ભુતકાળમાં અફઘાનિસ્તાન, કુવૈત, સહિતના દેશોમાંથી મોટી સંખ્યામાં ભારતીયોને સહી સલામત બહાર કાઢી ભારત પરત લાવવાની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. આમ ભારતીય નાગરિક કોઈપણ દેશમાં વસતો હોય પરંતુ તેની સુરક્ષાની બાબત આવે છે ત્યારે ભારત હંમેશા તેની પડખે ઉભો રહે છે.
યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓને સરહદ સુધી લાવવા માટે યુક્રેનમાં જ ખાસ ટ્રેનો દોડાવવા ઉપરાંતની સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી જે મોદીની કુટનીતિનું પરિણામ છે. પરત આવેલા વિદ્યાર્થીઓ અને યુક્રેનમાંથી સહી સલામત બહાર નીકળેલા વિદ્યાર્થીઓ સરકારની આ કામગીરીની ખુબજ પ્રશંસા કરી રહયા છે.