સેંકડો ઈચ્છાઓથી બંધાયેલા અને ક્રોધથી દોરવાતા લોકો અનુચિત માર્ગે ધનનો સંગ્રહ કરવાનો પ્રયાસ કરે છે
લોકો પોતાના અંગત મોજશોખ પૂરા કરવા માટે સિસ્ટમમાંથી છટકબારીઓ શોધીને ટેક્ષ બચાવી લે છે, એ બાબત મનમાં ખૂંચનારી છે, તેના પરથી આપણી માનસિક્તાનો પરિચય મળે છે, ભગવદ્દ ગીતામાં કહ્યા અનુસાર આવા લોકો પાસે ધન પેઢીઓ સુધી રહેતુ નથી
લક્ષ્મી ચંચળ છે એવું આપણે વર્ષોથી કહેતા અને સાંભળતા આવ્યા છીએ. જાે કે મેં જ્યારે પણ આ વિશે વિચાર કર્યો છે ત્યારે મારા મનમાં એક જ પ્રશ્ન ઝબુક્યો છે કે લક્ષ્મી ચંચળ છે કે આપણે?? ફાયનાન્સીયલ પ્લાનર તરીકે મે લક્ષમી વિશે વધુને વધુ સમજ અને જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો છે.
જેથી આ વિશે માર્ગદર્શન આપતી વખતે તેનો લાભ ક્લાયન્ટસ સુધી પહોંચાડી શકાય. આથી મે વિવિધ શાસ્ત્રોનો,જ્ઞાની વિદ્વાનોના પ્રવચનો- પુસ્તકો તથા વિવિધ ધર્મગ્રંથોનો અભ્યાસ કરીને લક્ષ્મી વિશેના અવતરણો અને ઉલ્લેખો શોધવાનો નિર્ણય લીધો. લક્ષ્મી સ્થાયી કઈ રીતે થાય એ જાણવાનો આપણો પ્રયાસ છે.
મને આ શોધમાં વિશદ્દ જાણકારી પ્રાપ્ત થઈ છે. આગામી થોડા સપ્તાહોમાં આપણે તેના વિશે વાત કરીશુૃ. આ વખતે મારી એક વિશેષ વિનંતી છે કે આપના મંતવ્યો અને જ્ઞાનનો લાભ આપજાે મારૂ ઈ-મેઈલ એડ્રેસ અહીં આપેલુ છે.
આપેણેે ભગવદ્દ ગીતાથી પ્રારંભ કરીએ. તેના ૧૬માં અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણે આસુરી સંપદ (રાક્ષસી સ્વભાવ) ધરાવતા લોકોની વ્યાખ્યા કરી છે. આ વ્યાખ્યા અધ્યાય ૧૬ના છઠ્ઠા શ્લોકથી શરૂ થાય છે. અને બારમાં શ્લોેક સુધી જાય છે.
ભગવાન કહે છેઃ-
સેંકડો ઈચ્છાઓથી બંધાયેલા અને ક્રોધથી દોરવાતા લોકો અનુચિત માર્ગે ધનનો સંગ્રહ કરવાનો પ્રયાસ કરે છે. આ બધુ ઈન્દ્રીયોના ઉપભોગ માટે કરવામાં આવે છે.
કર ચુકવવાનું કેવી રીતે ટાળવુ એવું જ્યારે મને કોઈ પૂછે ત્યારે હંમેશા મારા મનમાં એક વિચાર આવે છે ? જેમની આવક કરપાત્ર હોય તેઓ જ કર બચાવવાની કે ટાળવાની વાત કરતા હોય છે.જેની આવક કરમુક્ત મર્યાદામાં આવે છે તેમણે એવો કોઈ વિચાર કરવો પડતો નથી.
અત્યારે ભારતમાં આવકની જે કરમુક્ત મર્યાદા રાખવામાં આવેલી છે તેમાં ખોરાક, કપડાં, રહેઠાણ, અને આરોગ્ય એ મૂળભૂત જરૂરીયાતો સંતોષી શકાય છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે જે આવકમાં મૂળભૂત જરૂરીયાતો પૂરી કરી શકીએ છીએ તે કરમુક્ત જ છે.
જાે આ વાત સાચી હોય તો લોકો કરવેરો ચુકવવાનું કેમ ટાળવા માંગે છે. એનું કારણ એ છે કે લોકો પોતાનીે એષ્ણાઓ-અપેક્ષાઓ લોભ અને અન્ય ઈન્દ્રીયસુખ સંતોષવા માટેે ધનનો ઉપયોગ કરવા માંગે છે.
એક દિવસ એક અગ્રણી આર્કીટેક્ટેે મને કહ્યુ હતુ કે તેઓ અને તેમના પત્ની વિશ્વમાં ક્યાંય પણ આર્કિટેકચરને લગતી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ શોધતા હોય છે. આ વાત સાંભળીને પહેલાં તો મન સારૂ લાગ્યુ કે આટલા અનુભવ પછી પણ આ વ્યક્તિ પોતાનું જ જ્ઞાન વધારવામાં ઉત્સુક છે.
પછીથી સમજાયુ કે તેઓ પરિષદમાં હાજરી આપવાના નામે વિદેશમાં વેકેશન ગાળી આવતા હોય છે. અને તેનો ખર્ચ બીજા નામે લખાવતા હતા. આ રીતે તેમને કરવેરામાં રાહત મળતી. તેમણે મને ગૌરવભૈર કહ્યુ હતુ કે દેશમાં વિદેશી ચલણની અછત હોય એવા સમયે પણ આ ખર્ચના નામે તેઓ રીઝર્વ બેક પાસેથી વિદેશી હુંડીયામણ મેળવી શક્યા છે.
એ વર્ષોમાં ભારતમાં વિદેશી હુંડીયામણ છુટથી વાપરી શકાતુ નહોતુ. કારણ કે રિઝર્વ બેકે અનેક મર્યાદાઓ રાખી હતી. લોકો પોતાના અંગત મોજશોખ પુરા કરવા માટેે સિસ્ટમમાંથી છટકબારીઓ શોધીને ટેક્ષ બચાવી લે છે અને એ બાબત મનમાં ખુંચનારી છે. એનેા પરથી આપણી માનસિક્તા નો પરિચય મળે છે.
અહીં એક ટ્રાવેલ એજન્ટનું ઉદાહરણ પણ ટાકવા જેવુ છે. તેઓ ઉનાળાની રજાઓમાં વિદેશ જનારા પર્યટકોને ટીકીટ હોટેલ બુકીંગ, વિદેશી હુૃડીયામણ, વગેરે બાબતે વ્યવસાયી સેવાઓ આપતા. તેઓ વિઝા મેળવી આપવામાં પણ મદદરૂંપ થતા હતા. જાે કે તેઓ વિઝા સાથેના પાસપોર્ટ છેલ્લા દિવસ સુધી પોતાની પાસે જ રાખતા હતા.
લોકોએ ફરવા જવા માટે બધી તૈયારી કરી લીધી હોય એવા સમયે તેઓ કહેતા કે વિઝા અને બીજુ બધુ તૈયાર છે. પરંતુ વિઝાની કચેરીનો કારકૂન લાંચ માંગે છે. કારકૂનના નામે તેઓ પોતે જ ગ્રાહકો પાસેથી ઉપરની આવક મેળવી લેતા. ભગવદ્દ ગીતામાં કહ્યુા અનુસાર આવી માનસિક્તા ધરાવતા લોકો અસુર છે. આવા લોકો પાસે ધન પેઢીઓ સુધી રહેતુ નથી.