પ્રતિબંધો વચ્ચે પણ નહીં અટકે એસ-૪૦૦ મિસાઈલોની સપ્લાય
નવી દિલ્હી, સાત દિવસ દરમિયાન ૨૦૦૦ નાગરિકોના મોત નિપજ્યા હોવાનો દાવો યુક્રેન દ્વારા કરવામાં આવ્યો છે. યુક્રેન પર આક્રમણને કારણે અમેરિકા સહિત દુનિયાના અનેક દેશોએ રશિયા પર અનેક પ્રકારનાં પ્રતિબંધો લગાવી દીધા છે. રશિયાની બેંકો, એવિયેશન, પેટ્રોલિયમ સહિત એકપણ સેક્ટર એવું બાકી રહ્યું નથી કે જેના પર પ્રતિબંધો લાદવામાં આવ્યા ન હોય.
આ તમામ પ્રતિબંધોને પગલે ભારત માટે એક મોટી ચિંતા ઉભી થઈ ગઈ હતી. એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી કે આ પ્રતિબંધોને કારણે ભારત અને રશિયા વચ્ચેની ડિફેન્સ ડીલ અને અન્ય સૈન્ય ઉપકરણોની ખરીદી પર બ્રેક વાગી જશે.
જાે કે દિલ્હી સ્થિતિ રશિયાના રાજદૂત ડેનીસ અલીપોવે ભરોસો આપ્યો છે કે, ભારતને પશ્ચિમી પ્રતિબંધોની વચ્ચે પણ એસ-૪૦૦ મિસાઈલ સિસ્ટમ અને બીજા અન્ય મિલિટ્રી સ્પેરપાર્ટ્સની સપ્લાય ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે ભારતના ૭૦ ટકા સૈન્ય હાર્ડવેર રશિયામાં બનેલાં છે. અને તેના રિપેરીંગ કામ માટે ભારત દ્વારા રશિયા પાસેથી સ્પેરપાર્ટ્સ ખરીદવામાં આવે છે.
નીલ એલીપોવે જણાવ્યું કે, ભારત માટે સૈન્ય હાર્ડવેર અને સ્પેરપાર્ટ્સ સંબંધિત કોઈપણ લેવડ-દેવડ ઉપર પશ્ચિમી પ્રતિબંધોની અસર થશે નહીં. બંને દેશો વચ્ચે નાણાકીય તંત્ર ઉપસ્થિત છે. જેના કારણે કોઈપણ અડચણ વગર ડીલ ચાલુ રહેશે. આ ઉપરાંત અલીપોવે કહ્યું કે, રશિયા હંમેશા રાખથી બેઠું થયું છે, અને તે ફરીથી બેઠું થશે.
અમે પોતાને સુરક્ષિત રાખવા માટે આ પગલું ભર્યું છે. અમારી અર્થવ્યવસ્થા સ્થિર છે અને વર્તમાન તેમજ ભવિષ્યના દબાણો વચ્ચે પણ તે ઉભી જ રહેશે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું કે, રશિયા અને ભારત વચ્ચે પ્રતિબંધો ટાળવા માટે પશ્ચિમી દેશોના સાધનો ઉપરાંત પણ તંત્ર ઉપસ્થિત છે. અમને તેના અંગે ચિંતા નથી. આ વર્તમાન અને ભવિષ્યની સ્થિતિને એડજસ્ટ કરવાનો સવાલ છે.
આમ કરવું એકદમ સરળ છે. સરકારી આંકડાઓ અનુસાર રશિયાનો ભારત સાથેનો વાર્ષિક એક્સપોર્ટ લગભગ ૩ બિલિયન ડોલર છે. તો ભારત દર વર્ષે રશિયા પાસેથી ૭ બિલિયન ડોલરથી વધારેનો સામાન ઈમ્પોર્ટ કરે છે. અને તેમાં મોટો હિસ્સો હથિયારોનો છે.
ભારત અને રશિયા વચ્ચે વર્ષ ૨૦૧૬માં એસ-૪૦૦ મિસાઈલ સિસ્ટમની ડીલ થઈ હતી. ૫.૪૩ બિલિયન ડોલરની આ ડીલને લઈને અમેરિકાએ અનેક વખત પ્રતિબંધોની ચેતવણી આપી હતી. તેમ છતાં ભારત આ ડીલ પર અડગ રહ્યું હતું અને ગત વર્ષે રશિયા દ્વારા એસ-૪૦૦ મિસાઈલોની ડિલિવરી પણ શરૂ કરી દેવામાં આવી છે.SSS