જીવ બચાવવા બીજા વિશ્વયુદ્ધના બંકરોમાં છુપાયા વિદ્યાર્થીઓ
વડોદરા, યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે આઠમો દિવસ છે. યુક્રેનમાં અભ્યાસ કરવા પહોંચેલા ઘણાં ગુજરાતી વિદ્યાર્થીઓ ત્યાં યુદ્ધની સ્થિતિમાં ફસાઈ ગયા છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બહાર નીકાળવામાં આવી રહ્યા છે.
ત્યારે યુક્રેનમાં ફસાયેલા વડોદરાના રિતિક રાજ નામના ગુજરાતી વિદ્યાર્થીનું કહેવું છે કે અમે અત્યારે બીજા વિશ્વયુદ્ધમાં બનાવાયેલા બંકરમાં રહીએ છીએ જે સુરક્ષિત છે. યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરતા વડોદરાના રિતિક નામના વિદ્યાર્થીએ કહ્યું કે રશિયાની બોર્ડરથી લગભગ ૫૦ માઈલના અંતરે આવેલા યુક્રેનના શહેરમાં અત્યારે યુદ્ધની સ્થિતિમાં હું ફસાઈ ગયો છું.
ગુજરાત સહિત ભારતના ઘણાં વિદ્યાર્થીઓ અત્યારે બંકરમાં છુપાઈ બેઠા છે કારણકે યુદ્ધમાં આ એકમાત્ર સુરક્ષિત જગ્યા છે. રિતિકના પિતાએ જણાવ્યું કે યુક્રેનમાં જ્યાં મારો દીકરો ફસાયો છે ત્યાં ગુજરાતના દાહોદ, બનાસકાંઠા અને સુરતના વિદ્યાર્થીઓ પણ ફસાયેલા છે.
તેઓ યુદ્ધની સ્થિતિમાં બંકરમાં છુપાયેલા છે. જ્યાં તેઓ સુરક્ષિત છે. પરંતુ, હાલ તેઓ માટે બસ અને ટ્રેનમાં બેસીને ટ્રાવેલિંગ કરવું સુરક્ષિત નથી. યુદ્ધની સ્થિતિમાં યુક્રેનમાં ફસાયેલા આ વિદ્યાર્થીઓ માટે એવી ગાઈડલાઈન જાહેર કરાઈ છે કે તેઓ હાલ હોસ્ટેલમાં રહે અને પોતાનું સ્થળ છોડે નહીં. ત્યાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીએ કહ્યું કે હવે માત્ર ૨થી ૩ દિવસ સુધી ચાલી શકે તેટલું જમવાનું બચ્યું છે.
ત્યાં ઈન્ટરનેટ નેટવર્કની પણ સમસ્યા છે માટે પરિજનોને મેસેજથી પોતાની વાત પહોંચાડી રહ્યો છે. યુક્રેનનું ખારકીવ શહેર કે જ્યાં ઘણાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા છે તે શહેર રશિયાની બોર્ડરથી બિલકુલ નજીક છે. હવે રશિયન સેના આ શહેરમાં ઘૂસી આવી છે.
હવે જાે કોઈ વિદ્યાર્થીને આ શહેરમાંથી બહાર નીકળી વતન પરત ફરવું હોય તો આખા યુક્રેન દેશને પાર કરીને રોમાનિયા, હંગેરી, સ્લોવાકિયા અથવા પોલેન્ડની સરહદ સુધી જવું પડશે. ત્યારબાદ તેઓ વતન પરત ફરી શકે તેવી સ્થિતિ છે.
અત્યારની યુદ્ધની સ્થિતિ જાેતાં યુક્રેનના નાગરિકો પણ બીજા યુરોપિયન દેશોમાં ભાગી રહ્યા છે. જેથી યુક્રેનની તમામ બોર્ડર પોસ્ટ પર લોકોની લાંબી-લાંબી લાઈનો લાગી છે. રશિયાએ યુક્રેન પર હુમલાને વધુ આક્રમક કર્યા છે અને તેના ઘણાં શહેરોમાં બોમ્બમારો કર્યો છે.
યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બચાવવા માટે નરેન્દ્ર મોદી સરકારે હવે ભારતીય વાયુસેનાને મિશન ગંગામાં જાેડાવા માટે કહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એરફોર્સ યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓને ઝડપથી બહાર કાઢી શકે છે.SSS