Western Times News

Gujarati News

ઈ-ચલણનો ૫૦૦ કરોડ રૂપિયાનો દંડ ભરવાનો બાકી

રાજકોટ, આજથી લગભગ ૫ વર્ષ પહેલા ગુજરાતનો મહત્વાકાંક્ષી ઈ-ચલણ પ્રોજેક્ટ લૉન્ચ કરાયો હતો. પરંતુ, રાજ્યના મોટાભાગના શહેરોના ૮૫થી ૯૦% લોકોએ ટ્રાફિકના નિયમનો ભંગ કરવા બદલ દંડ રૂપે અપાયેલા ઈ-ચલણના પૈસા ભર્યા નહીં હોવાનું એક નવા ડેટામાં સામે આવ્યું છે. ઈ-ચલણની નહીં ભરાયેલી રકમનો આંકડો રૂપિયા ૫૦૦ કરોડ કરતા પણ વધુ હોવાનું સામે આવ્યું છે.

જાે રાજકોટ શહેરની વાત કરીએ તો વર્ષ ૨૦૧૭માં અહીં ટ્રાફિકનો ઈ-મેમો આપવાની શરૂઆત કરાઈ હતી. જ્યાં અત્યાર સુધીમાં ટ્રાફિક પોલીસ દ્વારા કુલ ૨૩.૨૭ લાખ ઈ-મેમો ઈશ્યુ કરાયા છે. જેમાં દંડપેટે રૂપિયા ૨૬ કરોડની રકમ વસૂલાઈ છે જ્યારે રૂપિયા ૧૪૭.૫૮ કરોડની ટ્રાફિક દંડની રકમ હજુ પણ વાહનચાલકો દ્વારા ભરવાની બાકી છે.

આ વિશે વાત કરતા ઉચ્ચ ટ્રાફિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અમારી પાસે એટલો પણ પૂરતો સ્ટાફ નથી જે ઘરે-ઘરે જઈને ટ્રાફિકના ઈ-ચલણનો બાકી રહેલો દંડ વસૂલે. અહીં નોંધનીય છે કે રાજકોટના જાહેર રસ્તાઓ પર ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર પર નજર રાખવા માટે લગભગ ૫૦૦ કેમેરા ફિટ કરવામાં આવ્યા છે.

જાે સુરત શહેરની વાત કરીએ તો અત્યાર સુધીમાં રૂપિયા ૧૩૯ કરોડના ઈ-ચલણ ટ્રાફિક મેમો ઈશ્યુ કરાયા છે જે પૈકી માત્ર રૂપિયા ૨૦ કરોડનો દંડ વસૂલ કરી શકાયો છે. ત્યાંના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ટ્રાફિક)એ જણાવ્યું કે, સ્પીડ પોસ્ટથી ઈ-ચલણ મોકલવામાં આવે છે.

ઘણાં કેસોમાં એવું જાણવા મળ્યું છે કે એક વાહન ૩થી ૪ લોકો ચલાવતા હોવાથી જે વાહનચાલકને ઈ-ચલણ મળે છે તેને ધ્યાનમાં નથી લેતો. પોલીસનું કહેવું છે કે ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર વાહનચાલકનો મોબાઈલ નંબર મળે તે પણ જરૂરી છે કારણકે જ્યારે ઈ-મેમો ઈશ્યુ થાય ત્યારે તેઓને મેસેજ કરીને જાણ કરી શકાય. તેમજ તેઓનો સંપર્ક કરીને દંડ ભરવા બાબતે જણાવી શકાય.

સૂત્રોના જણાવ્યા મુજબ, જ્યારે ટ્રાફિક પોલીસ ચેકિંગ દરમિયાન રસ્તામાં વાહનચાલકને ઊભા રાખી ઈ-ચલણની બાકી રકમ ભરવાનું જણાવે ત્યારે મોટાભાગના વાહનચાલકો પૈસા ભરવા બાબતે સહમત થતા નથી. જાે અમદાવાદ શહેરની વાત કરીએ તો અહીં વર્ષ ૨૦૧૫થી ટ્રાફિકના નિયમનો ભંગ કરનારને ઈ-ચલણ ઈશ્યુ કરવામાં આવી રહ્યા છે.

જેમાં અત્યાર સુધીમાં ૭૨.૫૪ લાખ ટ્રાફિક ઈ-ચલણ ઈશ્યુ કરવામાં આવ્યા છે. જેની કુલ રકમ ૨૫૩ કરોડ જેટલી થાય છે. જેમાં અત્યાર સુધીમાં રૂપિયા ૧૯૮ કરોડની ટ્રાફિક દંડની રકમ વસૂલવાની બાકી છે. માટે ટ્રાફિક ડ્રાઈવ યોજીને વાહનચાલકો પાસેથી બાકી દંડની રકમ વસૂલવામાં આવે છે. ટ્રાફિક વિભાગનું કહેવું છે કે રેડ લાઈટ સિગ્નલનો ભંગ કરનાર અને સ્ટોપ લાઈન ઓળંગનારને ઈ-ચલણ ઈશ્યુ કરવામાં આવે છે. વડોદરા શહેરમાં ટ્રાફિકના દંડપેટે રૂપિયા ૧૦૪ કરોડની રકમ વસૂલવાની બાકી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.