Western Times News

Gujarati News

ઘરેલુ હિંસા મામલે વહુને સંયુક્ત ઘરમાં રહેવાનો કોઇ હક નથી: દિલ્હી હાઇકોર્ટ

નવીદિલ્હી, પતિ-પત્નીના ઝઘડાની પોતાના જીવનના અંતિમ પડાવ વખતે કોઇ અસર ન થાય અને તેઓ શાંતિથી બાકીનું જીવન જીવે એ માટે સસરાએ પત્નીને પોતાના ઘરમાં ન રહેવા માટે કરેલી અરજી પર દિલ્હી હાઇકોર્ટે કહ્યું છે કે ઘરેલુ હિંસા અધિનિયમ અંતર્ગત કોઇ વહુને સંયુક્ત ઘરમાં રહેવાનો અધિકાર નથી અને તેને સાસુ-સસરા તરફથી બેદખલ કરી શકાય છે જે શાંતિપૂર્વ જીવન જીવવાના હકદાર છે.

ન્યાયમૂર્તિ યોગેશ ખન્ના એક વહુ દ્વારા નીચલી અદાલતના આદેશ વિરૂદ્‌ઘ દાખલ કરવામાં આવેલી અપીલ પર સુનાવણી કરી રહ્યા હતાં જે અંતર્ગત તેને સાસરીમાં રહેવાનો અધિકાર આપવામાં આવ્યો ન હતો. તેમણે કહ્યું કે એક સંયુક્ત ઘરના મામલે સંબંધિત સંપત્તિના માલિક પર પોતાની વહુને બેદખલ કરવાને લઇને કોઇ પ્રતિબંધ નથી. તેમણે કહ્યું કે વર્તમાન કેસમાં એ ઉચિત લેખાશે કે અરજદારને તેના લગ્ન જારી રહેવા સુધી કોઇ વૈકલ્પિક આવાસ પ્રદાન કરી દેવામાં આવે.

જસ્ટિસ ખન્નાએ કહ્યું કે વર્તમાન ગેસમાં બન્ને સાસરીવાળા વરિષ્ઠ નાગરિકો છે અને તેઓ શાંતિપૂર્ણ જીવન જીવવા તથા દીકરા-વહુની વચ્ચે થતા ઝઘડાથી પ્રભાવિત ન થવાના હકદાર છે. ન્યાયાધીશે પોતાના તાજેતરના આદેશમાં કહ્યું કે મારૂ માનવું છે કે બન્ને પક્ષો વચ્ચે તણાવપૂર્ણ સંબંધ છે, એવામાં જીવનના અંતિમ પડાવ પર વૃદ્‌ઘ સાસુ-સસરા માટે અરજદાર સાથે રહેવું ઉચિત નહીં લેખાય અને તેથી એ ઉચિત લેખાશે કે અરજદારને ઘરેલુ હિંસાથી મહિલાઓના સંરક્ષણ અધિનિયમની કલમ ૧૯ (૧) (એએફ) અંતર્ગત કોઇ વૈકલ્પિક આવાસ ઉપલબ્ધ કરાવવામાં આવે. અદાલતે કહ્યું કે પતિ દ્વારા પણ પત્ની વિરૂદ્‌ઘ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ભાડાના ઘરમાં અલગ રહે છે તથા તેણે સંબંધિત સંપત્તિ પર કોઇ પણ પ્રકારનો દાવો કર્યો નથી.

હાઇકોર્ટે કહ્યું કે ઘરેલુ હિંસા અધિનિયમની કલમ ૧૯ અંતર્ગત આવાસનો અધિકાર સંયુક્ત ઘરમાં રહેવાનો એક અપરિહાર્ય અધિકાર નથી, ખાસ કરીને એ કેસોમાં જ્યાં વહુ પોતાના વૃદ્‌ઘ સાસુ-સસરા વિરૂદ્‌ઘ ઉભી હોય.

અદાલતે કહ્યું કે વર્તમાન કેસમાં સાસુ-સસરા લગભગ ૭૪ અને ૬૯ વર્ષના વરિષ્ઠ નાગરિક છે તથા તેઓ પોતાના જીવનના અંતિમ પડાવ પર હોવાના કારણે દીકરા-વહુ વચ્ચેના ઝઘડાથી ગ્રસ્ત થયા વિના શાંતિથી જીવવા હકદાર છે.

હાઇકોર્ટે અરજદારની અપીલને ફગાવતી અને સાથે જ પ્રતિવાદી સસરાના સોગંદનામાને સ્વીકારી લીધું કે તે પોતાના દીકરા સાથે વહુના લગ્ન સંબંધ જ્યાં સુધી ટકેલા રહેશે ત્યાં સુધી અરજદારને વૈકલ્પિક ઘર ઉપલબ્ધ કરાવશે. પ્રતિવાદી સસરાએ ૨૦૧૬માં નિચલી અદાલત સમક્ષ એ આધારે કબજા માટે એક કેસ દાખલ કર્યો હતો કે તે સંપત્તિના પૂર્ણ માલિક છે અને અરજદારના પતિ એટલે કે તેમનો દીકરો કોઇ અન્ય જગ્યાએ રહેવા જતો રહ્યો છે તથા તે પોતાની પત્ની સાથે રહેવા ઇચ્છુક નથી.

બીજી તરફ બે દીકરીઓની માતાએ તર્ક આપ્યો હતો કે સંપત્તિ પરિવારની સંયુક્ત મૂડી ઉપરાંત પૈતૃક સંપત્તિના વેચાણથી થયેલી આવકથી ખરીદવામાં આવી હતી તેથી તેને પણ ત્યાં રહેવાનો અધિકાર છે. નિચલી અદાલતે પ્રતિવાદીના પક્ષમાં કબજાનો આદેશ પસાર કર્યો હતો અને માન્યું હતું કે સંપત્તિ પ્રતિવાદીની પોતાની અર્જિત સંપત્તિ હતી તથા અરજદારને ત્યાં રહેવાનો કોઇ અધિકાર નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.