કિશોરોના સેકન્ડ ડોઝના વેક્સિનેશનમાં ‘કાચબા’ ગતિ ક્યાંક ભારે ન પડી જાય
અમદાવાદ, કાળમુખા કોરોનાની થર્ડ વેવ અમદાવાદ સહિત રાજ્યભરમાંથી લગભગ વિદાય લઇ લીધી છે. રાજ્ય સરકારે પણ જાહેર સ્થળોએ માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવુ તેમજ થુંકવુ નહીં જેવી બાબતો પર ભાર મુકીને કોરોનાને લગતા તમામ નિયંત્રણો હટાવી લીધા છે, જેના કારણે તાજેતરમાં લોકોએ દેવાધિદેવ મહાદેવના મહાશિવરાત્રિના પાવન પર્વને ધામધૂમથી ઊજવ્યુ હતું.
અમદાવાદ અને સોમનાથ સહિત રાજ્યભરના શિવ મંદિરો આખો દિવસ હર હર મહાદેવના જયકારથી ગુંજી ઊઠ્યા હતા હવે હોળી-ધુળેટીના રંગોત્સવના તહેવારને પણ રંગભેર ઊજવવાનો થનગનાટ અત્યારથી લોકોમાં જાેવા મળ્યો છે. બે વર્ષના કોરોનાકાળ બાદ ઉત્સવ અને અર્ધપ્રેમી આપણી પ્રજા તમામ તહેવાર હરખભેર ઊજવવા આતૂર બની હોય તે બાબત સમજી શકાય છે, પરંતુ કોરોનાને હંફાવવામાં એકમાત્ર અસરકારક ઊપાય પુરવાર થયેલા વેક્સિનેશન પ્રત્યેની ગંભીરતા જાે ઘટી જાય તો તે બાબત ચિંતાજનક છે.
૧૫ વર્ષથી ૬૦ વર્ષ સુધીના લોકો ઉપરાંત શાળાએ જતા અને ન જનારા ૧૫થી ૧૮ વર્ષના કિશોરોના વેક્સિનેશનમા ખાસ કરીને સેકન્ડ ડોઝ સમયસર લેવામાં નોંધાઇ રહેલી કાચબાછાપ ગતિ ચોક્કસ વખાણવાલાયક નથી.
તંત્રના વેક્સિનેશનના મહાઅભિયાન હેઠળ ૧૫થી ૬૦ વર્ષની ઉંમરના અમદાવાદીઓએ તેમનો ફર્સ્ટ ડોઝ તો જાણે કે કઇ લીધો છે, પરંતુ કોરોનાના વળતા પાણી થવાથી આ વયજૂથના અમદાવાદીઓ તેમનો સેકન્ડ ડોઝ લેવામાં ઉદાસીન બન્યા છે. આમ તો તંત્રના ૮૦ અર્બન હેલ્થ સેન્ટર ઉપરાંતના સ્થળોએ વેક્સિનેશન ચાલી રહ્યુ છે, પરંતુ લોકો સેકન્ડ ડોઝ લેવા ઉત્સાહભેર આવતા નથી એટલે જ તા.૨૬ ફેબ્રુઆરી સુધીમાંમાત્ર ૮૬.૫૩ ટકા લોકોએ જ તેમનો સેકન્ડ ડોઝ લીધો છે.
ઘર સેવા યોજના હેઠળ તંત્રની ટીમને લોકો આજે લઇશ, કાલે લઇશ તેવા બહાના કાઢીને પછી મોકલી રહ્યા છે એટલે હવે સત્તાવાળાઓએ ઘર સેવા યોજના હેઠળ વેક્સિનેટેડ થયેલા લોકોના આંકડા જ આપવાના બંધ કર્યા છે. તંત્ર વેક્સિનેશન માટે તૈયાર છે, પણ લોકોએ કોરોના ગયો તેમ માનીને આશ્ચર્યજનક રીતે રસ ગુમાવી દીધો છે.
ગત તા.૩ જાન્યુઆરીથી શાળાએ જતા અને શાળાએ ન જનારા ૧૫થી ૧૮ વર્ષના કિશોરોને કોરોનાના સંક્રમણ સામે સલામતી આપવા તંત્રે વેક્સિનેશન હાથ ધર્યું હતું. તે દિવસે ચાંદખેડા વોર્ડમાં આવેલી એક ખાનગી શાળાથી તેનો પ્રારંભ કરાયો હતો.
શહેરના તમામ ૧૫થી ૧૮ વયજૂથના કિશોરોનું સરળતાથી વેક્સિનેશન કરવા માટે તમામ ૮૦ અર્બન હેલ્થ સેન્ટર ઉપરાંત ૮૦ જેટલી ખાનગી શાળા કાતે વ્યવસ્થા ઊભી કરાઇ હતી. ૧૫થી ૧૮ વર્ષના કિશોરોને વેક્સિનેશન સેન્ટર ખાતે કોવેક્સિન અપાઇ રહી છે અને આ વેક્સિનનો ફર્સ્ટ ડોઝ લીધા બાદ ૨૮ દિવસે તેનો સેકન્ડ ડોઝ લેવાનો થાય છે.
પહેલા દિવસે તો ૧૫થી ૧૮ વર્ષના કુલ ૩૬,૮૬૧ કિશોરોએ તેમની વેક્સિનનો ફર્સ્ટ ડોઝ લીધો હતો, જેમાં પૂર્વ ઝોનમાં સૌથી વધુ ૮૧૦૪ અને સાક્ષર ગણાતા દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછા ૨૫૧૦ કિશોર નોંધાયા હતા. ૪ જાન્યુઆરીએ તો ૫૦ હજારથી વધુ કિશોરો એટલે કે ૫૦,૧૬૪ કિશોરો વેક્સિનેટ થયા હતા. તા.૫ જાન્યુઆરીએ ૪૦,૧૬૪ કિશોર, ૬ જાન્યુઆરીએ ૩૫,૫૨૬ કિશોર- તેમ પ્રારંભના દિવસોમાં વેક્સિનેશન પુરજાેશમાં ચાલ્યુ હતું.
ત્યારબાદ વચ્ચે કોવેક્સિનનો પૂરતો જથ્થો ન મળ્યાની બૂમો ઊઠી હતી. તેમ છતાં ગત તા.૨૮ ફેબ્રુઆરી સુધીમાં ૨,૬૭,૯૫૫ કિશોરો પૈકી ૨,૧૧,૦૩૧ કિશોરોએ તેમનો ફર્સ્ટ ડોઝ લઇ લીધો છે, જે આશરે ૭૯.૨૦ ટકા થાય છે એટલે તેમાં હજુ ૧૦૦ ટકા વેક્સિનેશન થયુ નથી, જાેકે તંત્રનો દાવો છે કે તેમાં શાળાએ ન જતાં બાળકોનું જ પ્રમાણ સૌથી વધુ છે, જ્યારે ૧,૩૧,૯૧૬ કિશોરો એટલે કે માત્રને માત્ર ૬૩.૦૩ ટકા કિશોરોએ તેમનો સેકન્ડ ડોઝ લીધો છે. આ બાબત ચોક્કસ ચિંતા ઉપજાવે તેવી છે, જેમ કે ૨૦ જૂનથી કોરોનાની ફોર્થ વેવની આગાહી તો તજજ્ઞ દ્વારા કરાઇ જ છે.