મહિલા પર એસિડ એટેકની ધમકી આપનાર ૩ આરોપીને ૩ વર્ષની સજા
(એજન્સી)અમદાવાદ, બોપલ વિસ્તારમાં શાકભાજી લેવા નીકળેલી મહિલાનો દુપટ્ટો ગળામાંથી ખેચીને એસીડ નાંખવાની ધમકી આપનાર વિક્રમજી શકરાજી વાઘેલા હિમાંશુ ગણેશભાઈ ઠાકોર અને કિરણ ઉર્ફે સચીન ભરતભાઈ ઠાકોરને ગુનેગાર ઠરાવીને ગ્રામ્ય કોર્ટના બીજા એડી.જયુ મેજીસ્ટ્રટ તૃપ્તિબેન અમૃતલાલ ભાડજાએ ગુનેગાર ઠરાવીને ત્રણ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. અને દરેકને રૂપિયા ર હજારનો દંડ ફટકાર્યો છે.
આ કેસની વિગત એવી છે કે, ગત તા.૩૧-પ-ર૦૧૭ના રોજ બોપલ પુરુષોત્તમ સોસાયટી પાસેથી મહીલા પોતાના વ્હીકલ ઉપર જતી હતી. ત્યારે વિક્રમજી શકરાજી વાઘેલા, હિમાંશુ ગણેશભાઈ ઠાકોર અને કિરણ ઉર્ફે સચીન ભરતભાઈ ઠાકોરએ ગળામાંથી દુપટ્ટો ખેચ્યો હતો. આ વખતે મહીલાએ તેમનો વિરોધ કરતા એસીડ નાંખવાની ધમકી આપી હતી. જે અંગે બોપલ પોલીસ મથકમાં ફરીયાદ કરતા પોલીસે ત્રણેય આરોપી સામે ગુનો નોંધીને ધરપકડ કરી હતી.
દરમ્યાનમાં ત્રણેય આરોપી સામે કેસ ચાલતા સરકારી વકીલ ધુરુ ડી. પરમારે કોર્ટને જણાવ્યું હતું કે, ગુનો પુરવાર થયો છે. ત્યારે આવા ગુનાને હળવાશથી લેવો જાેઈએ નહી. મહીલાને જાહેરમાં છેડતી કરવાનો પ્રયાસ કર્યો છે. સમાજમાં દાખલો બેસાડવા માટે આરોપીઓને કડકમાં કડક સજા ફટકારાવી ન્યાયહિતમાં જરૂરી છે.