જિલ્લા પંચાયત ખાતે ‘વર્લ્ડ બર્થ ડિફેક્ટ ડે અને ‘વર્લ્ડ હિયરીંગ ડેની ઉજવણી કરવામાં આવી

(માહિતી બ્યુરો) પાટણ, જિલ્લા પંચાયત ભવનના સ્વર્ણિમ હૉલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણાના અધ્યક્ષસ્થાને ‘વર્લ્ડ બર્થ ડિફેક્ટ ડે અને ‘વર્લ્ડ હિયરીંગ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાની વિશેષ ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઉત્તમ કામગીરી કરનાર મેડિકલ ઓફિસરોને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન મકવાણાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા નવજાત શિશુથી લઈ કિશોરવયના બાળકો સુધી તમામના આરોગ્યની ચિંતા કરી શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. જન્મથી ખોડ-ખાંપણ ધરાવતા બાળકોની ઝડપી ઓળખ અને તેમને ત્વરિત સારવાર મળે તે માટે વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે. આ તમામ કામગીરી સાથે જાેડાયેલા રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમના આરોગ્યકર્મીઓને આ તકે અભિનંદન પાઠવું છું.
જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા શાળા આરોગ્ય ચકાસણી અને રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઉત્તમ કામગીરી કરવામાં આવી રહી છે. બાળકોની આરોગ્યની તપાસ અને સારવાર માટે જિલ્લામાં ૨૭ જેટલી આર.બી.એસ.કે. વાન કાર્યરત છે. કોવિડ મહામારી જેવા પ્રતિકુળ સંજાેગોમાં પણ આ ટીમોએ નિષ્ઠાથી ફરજ બજાવી છે, જે અભિનંદનને પાત્ર છે.