આ સ્થળે ચાલી રહ્યું હતું, બોગસ આધારકાર્ડ, RC બુક, RTO દંડની બોગસ રસીદ બનાવવાનું કૌભાંડ
પોલીસે ૩૦૦થી વધુ કોરા કાર્ડ સહિત અન્ય ચીજ-વસ્તુ મળી ૩.૨૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યાે-બોગસ આધારકાર્ડ, ચૂંટણીકાર્ડના આધારે લોન પર બાઈક લઈ ભરપાઈ ન કરી બાઈક સગેવગે કરતા હતા
સુરત, ડિંડોલીના ભેસ્તાન ખાતે માધવ રેસીડેન્સી પાસે આવેલ આંગણ રેસીડેન્સીમાં રહેતો વિશ્વનાથ કાશીનાથ ઘરે જ કોમ્પ્યુટર પર પ્રોગ્રામના આધારે બોગસ આધાર-ચૂંટણી કાર્ડ બનાવતો હોવાની બાતમી પોલીસને મળી હતી. જે આધારે પોલીસે રેઈડ કરી હતી. વિશ્વનાથ ઝડપાઈ જતા તેને ઘણી જ ચોંકાવનારી વાતો કરી હતી.
તેના ઘરમાંથી પોલીસે અલગ-અલગ નામના ઓરીજનલ અને બોગસ આધારકાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ મળ્યા હતા. ઉપરાંત ઈન્સ્યુરન્સ કંપનીનાં નોકરી કરતા હોય તેવા આઈકાર્ડ, અલગ-અલગ અધિકારી-કર્મચારીઓના નામના બોગસ સિક્કા, સહિત ૪૦થી વધુ કાર્ડ અને વસ્તુ જપ્ત કરી હતી.
તેની પાસેથી ચૂંટણીના આધારકાર્ડ માટેના કોરા સ્માર્ટ કાર્ડ મળી આવ્યા છે આવા ૩૦૦થી વધુ કોરાડ કાર્ડ મળ્યા છે. પોલીસે આરોપી પાસેથી કોમ્પ્યુટર, ફોન, પેન ડ્રાઈવ સ્ક્રીન, રોકડ સહિત ૩.૨૬ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યાે છે. આરોપી વિશ્વનાથ આરટીઓ દંડની બોગસ રસીદો પણ બનાવી આપતો હતો. તે માટે ૧ હજારથી બે હજાર રૂપિયા લેતો હતો.
પોલીસે આરોપી વિશ્વનાથ ઉપરાંત મોહમંદ આરીફ ઉર્ફે શાહરૂખ મહેબુબ શાહ (રહે.મારૂતિનગર, લિંબાયત), અકબર હામીદ શેખ (રહે.મારૂતિ નગર, લિંબાયત), સમીર બશીર શેખ (રહે. શાહપુરા, લિંબાયત) અને સુનીલ પંચાલ (રહે.કતારગામ) વિરૂદ્ધ ગુનો દાખલ કર્યાે છએ.
આરોપી વિશ્વનાથ, મોહમંદ આરીફ અને અકબર હમીદ શેખની ધરપકડ કરી છે. બાકીના આરોપીઓને પોલીસ શોધી રહી છે.