પરિવાર પત્નીને પતિને મળતા રોકી શકે નહીં: ગુજરાત હાઈકોર્ટ
અમદાવાદ, સાબરકાંઠાના ઈડર તાલુકાના એક પતિ દ્વારા તેની પત્નીને પરત મેળવવા માટે કરાયેલી હેબિયસ કોર્પસની અરજીમાં હાઈકોર્ટે તેના આદેશમાં નોંધ્યું છે કે, રાજ્યમાં સેક્સ રેશિયો ( વિવિધ વય જૂથમાં દર ૧૦૦૦ છોકરાએ છોકરીઓની સંખ્યા)ની સંખ્યા ઘટી રહી છે, જેના પરિણામ સ્વરૂપે સાટા પદ્ધતિથી લગ્નનુ પ્રમાણ જાેવા મળી રહ્યું છે.
આ કેસમાં પત્નીના પિયર પક્ષ દ્વારા તેણીને તેના પતિથી છૂટાછેડા લેવા માટે દબાણ કરી રહ્યા હતા, કારણ કે યુવતીને કોઈ નણંદ ( પતિની બહેન) નથી, જેના લીધે સાટા પદ્ધતિથી યુવતીના ભાઈના લગ્ન થઈ શકે તેમ નથી. આ સ્થિતિ વચ્ચે હાઈકોર્ટે આ દંપતિને એક કર્યા છે.
હાઈકોર્ટનુ અવલોકન છે કે, રાજ્યમાં સેક્સ રેશિયોની અસમાનતાના લીધે આ પ્રકારના કેસ કોર્ટમાં આવી રહ્યા છે. એક તરફ બાળકીઓના જન્મને સ્વીકાર્યતા અપાતી નથી, બીજી તરફ જન્મદરનુ પ્રમાણ ઘટવાથી સાટા પદ્ધતિથી લગ્નની ઈચ્છા રખાય છે. જેમાં, યુવતીની ઈચ્છા, લાગણી કે ઉંમરને ધ્યાને લેવાતી નથી.
આ દંપતિ સાબરકાંઠાના ઈડર તાલુકાનુ વતની છે. બંને એકબીજાના પરિચયમાં આવેલા અને પછી લગ્ન કરેલા અને તેની નોંધણી ૨૮ ડિસેમ્બર-૨૦૨૧ના રોજ કરાવેલી. યુવતીના પરિવારજનને જ્યારે આ વાતની ખબર પડી કે તરત જ તેમણે આ યુવતીને તેના પતિને મળવાથી રોકવામાં આવેલી.
પત્નીને પરત મેળવવા માટે પતિએ હિંમતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી. આ પછી, તેણે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસની અરજી ફાઈલ કરેલી. પત્નીને તેના માતા-પિતાએ ગોંધી રાખી છે અને તેને સાસરિયામાં આવવા દેતા નથી. પત્નીના પરિવારજનનુ કહેવું છે કે, તેણીને એક ભાઈ છે અને પતિને પણ ભાઈ છે અને કોઈ બહેન નથી. જેથી, તેણીના ભાઈના સાટા પદ્ધતિથી લગ્ન થઈ શકશે નહીં. જેથી, તેણી છૂટાછેડા લઈ લે.
કોવિડ-૧૯ના સમયમાં આ યુવતીને તેના પિતાએ રોકેલા વકીલની ઓફિસમાંથી હાઈકોર્ટ સમક્ષ ઓનલાઈન રજૂ કરાયેલી. ત્યારે, તેણીએ પતિ સાથે જવાની ના પાડેલી.
જાે કે, હાઈકોર્ટને સંતોષ ન થતાં તેણીને સંબંધિત સિટી સિવિલ કોર્ટમાંથી ઓન લાઈન રજૂ કરવા આદેશ કરેલો. આ સમયે, યુવતીએ હાઈકોર્ટને નિવેદન આપેલુ કે, તેણી પતિ સાથે રહેવા માગે છે. આ સમયે, તેણીનો પતિ પણ સિટી-સિવિલ કોર્ટમાં હાજર હતો. પતિ-પત્નિને પોલીસ સુરક્ષા આપવા કોર્ટે હુકમ કર્યો છે.HS