વડોદરામાં બૂલેટ ટ્રેનના રૂટમાં આવતું ૪૩ વર્ષ જૂનું રામેશ્વર મંદિર તોડાશે
વડોદરા, વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત હવે એક વિશાળ મંદિરને તોડી પાડવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. શાસ્ત્રી બ્રિજની નીચેના ભાગમાં નાણાવટી ચાલની પાસે આવેલું અને રેલ્વેની સરહદમાં બનેલું આ મંદિર હાલમાં તેના આખરી દિવસો ગણી રહ્યું છે.
૪૩ વર્ષ જૂનું અને ૩૮ દેવી-દેવતાઓની મૂર્તિઓ ધરાવતું આ મંદિર નવાયાર્ડમાં ખસેડવા અને ત્યાં નવું મંદિર બનાવી આપવાની રેલવેએ ખાતરી આપી છે. રામેશ્વર-શનિમંદિર મંદિર તરીકે ઓળખાતું આ મંદિર ૧૯૭૧માં તત્કાલિન રેલવે સત્તાધીશો અને કર્મચારીઓની મદદથી ઊભું કરવામાં આવ્યું હતું.
આ મંદિરના ૮૦ વર્ષીય મહંત અને રેલવેની ક્રાઇમ બ્રાંચમાંથી જમાદાર તરીકે નિવૃત્ત થયેલા સુલતાનસિંહ (બાવાજી) કહે છે કે, ‘ આ મંદિર જુદા જુદા દેવી દેવતાઓમાં આસ્થા ધરાવતા રેલવેના સેંકડો કર્મચારીઓની આસ્થાને લીધે બનાવવામાં આવ્યું હતું.તેથી તેમાં બીજાસની દેવી, શીતળામાતા, બળિયાદેવ, ભદ્રકાલિ, વિષ્ણુ-લક્ષ્મીજી, કેલાદેવી, દૌલાગઢ વાલી દેવી, શનિ મહારાજ, રામ-સીતાજી અને હનુમાનજી, દશા મા , કાલભૈરવ, જલારામબાપા, બૈલોલ ભવાની સહિતની ૩૮ દેવી-દેવતાઓની મૂર્તિ છે.
વર્ષ દરમિયાન અહીં ભજન-કીર્તનના કાર્યક્રમો, ભંડારાની ઉજવણી થાય છે.’ રેલવે દ્વારા નવાયાર્ડમાં ડી માર્ટની પાછળના ભાગે નવું બનાવી આપવાની ખાતરી આપી છે.
આ સ્થળે અગાઉ ભગવાન શિવનું નાનકડું મંદિર હતું. ૧૯૭૯માં વડોદરા રેલવે આરપીએફના ૯ કર્મચારીઓ વડોદરાથી જીપમાં નીકળ્યા હતા. રાત્રે મિયાગામ નજીક એક ઊભેલા ટ્રકમાં આ જીપ ઘૂસી ગઇ હતી અને અકસ્માતને પગલે જીપમાં લાગેલી આગમાં ૯ કર્મચારીઓ ભડથું થઇ ગયા હતા.
આ જીપને હાલમાં મંદિર નજીકના સ્થળે લાવીને મૂકવામાં આવી હતી. ત્યારબાદ રાત્રે આ જગ્યાએ ફરજ બજાવતા જવાનોને વિચિત્ર અનુભવો થવા માંડ્યા. ત્યારે અહીં શાંતિપાઠ અને સુંદરકાંડ વગેરે કરાવ્યા હતા અને આ કાર્યક્રમો બાદ વિશાળ મંદિર વિકસાવવામાં આવ્યું હતું.HS