એ.સી.ની ઠંડી હવા મોંઘી પડશે: સર્વિસ ચાર્જમાં રૂ.૧૦૦નો વધારો
(પ્રતિનિધિ) અમદાવાદ, શિયાળાની કડકડતી ઠંડીએ વિદાય લેતા જ ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ હોવાનો અહેસાસ લોકોને થઈ રહયો છે પંખા તો કયારનાય શરૂ થઈ ગયા છે હવે ઘરો-ઓફિસોમાં એરકન્ડીશન શરૂ કરવા પડે તેવી આકરી ગરમીની શરૂઆત થનાર છે.
શિયાળામાં આ વખતે કાતિલ ઠંડી પડી એટલે ઉનાળો ધમધોખતો રહેશે તે નકકી છે જાેકે હજુ એ.સી. શરૂ કરવા પડે તેવુ વાતાવરણ હોળી પછી જાેવા મળશે. પણ આ વખતે મોંઘવારીના કારણે એ.સી. સર્વિસ મોંઘી પડશે સામાન્ય રીતે ગરમીની શરૂઆત પહેલા લોકો એ.સી.ની સર્વિસ કરાવતા હોય છે.
ઘણા લોકો તો હવે જાતે જ એ.સી.ની. સર્વિસ કરતા થઈ ગયા છે તેમ છતાં જેઓ એ.સી. સર્વિસ કરાવે છે તેમના ખિસ્સા પર બોજાે વધવાનો છે જાણવામાં આવ્યા પ્રમાણે એ.સી. સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ અને ખાનગી દુકાનદારોએ તેમની સર્વિસના ચાર્જમાં રૂ.૧૦૦નો વધારો કરી દીધો છે.
ખાનગી દુકાનદારો કે જે એ.સી. સર્વિસનું કામ કરે છે તેમણે તેમની સર્વિસનો ચાર્જ રૂ.૩૦૦ હતો તેમાં વધારો કરીને રૂ.૪૦૦ કરી દીધો છે. જાેકે અમુક દુકાનદારોએ જૂના ગ્રાહકો માટે તેમનો જૂનો ભાવ જાળવી રાખ્યો છે તો કંપનીઓએ પણ અંદાજે રૂા.૧૦૦નો વધારો કર્યો છે. દરમિયાનમાં ચીન સાથે ભારતના સંબંધો તણાવપૂર્ણ રહેતા અને આયાત લગભગ બંધ થઈ જતા એ.સી.ને લગતી સરકીટ, કોપર, સ્ટેન્ડ, સહિતના ભાવમાં વધારો થયો છે. ભારતીય કંપનીઓ પણ આ ચીજવસ્તુઓ બજારમાં વેચે છે પણ તેના ભાવ ઉંચા હોય છે તેમ વહેપારીઓ જણાવી રહયા છે.