Western Times News

Gujarati News

પોલીસની માઉન્ટેડ શાખા દ્વારા આપવામાં આવતી ઘોડેસવારીની તાલીમ લોકપ્રિય

માઉન્ટેડ વડોદરા પોલીસની અશ્વશાળામાં ત્રણ બેચમાં ૯૨ લોકો ઘોડેસવારીનો કસબ શીખ્યા

વડોદરા, પોલીસ પ્રજાનો મિત્ર છે. જે કાયદાનું પાલન કરે છે તેને પોલીસનો કોઈ ખોટો ડર રાખવાની જરૂર નથી. પોલીસ તંત્ર તેમના માટે સંકટ સમયની સાંકળ સમાન છે. પોલીસ અને પ્રજાને એકમેકના પૂરક બનાવવા સુરક્ષા સેતુ હેઠળ વડોદરા શહેર પોલીસે મહિલાઓને આત્મ રક્ષણ અને રાયફલ ચાલન સહિત અનેકવિધ પ્રવૃત્તિઓ શરૂ કરી છે.આવી જ એક આગવી પ્રવૃત્તિ છે લોકોને ઘોડેસવારીની તાલીમ.

વડોદરા શહેર પોલીસ દળની માઉન્ટેડ શાખા દ્વારા શહેર પોલીસ કમિશનર ડો. શમશેરસિંહના પ્રોત્સાહનથી લોકોને અશ્વચાલનની તાલીમ આપવાનું શરૂ કરવામાં આવ્યું. જેને પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો છે. ખૂબ જ વાજબી ગણાય એવા દરે આ તાલીમ આપવામાં આવે છે. અત્રે થી તાલીમ લઈને કેટલાંક લોકોએ પોતાના ઘોડાં વસાવ્યા છે, જે આ પ્રવૃત્તિની સફળતાનો પુરાવો છે.

માઉન્ટેડ શાખાના પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી ઘનશ્યામસિંહ એન. જાડેજા કહે છે કે, પ્રતાપનગર સ્થિત પોલીસ વડા મથક ખાતે આ તાલીમ આપવામાં આવી રહી છે. આ શાખા માટે ૧૧ ઘોડાની કુમક મંજૂર કરવામાં આવી છે. તેની સામે હાલમાં ૬ ઘોડા ઉપલબ્ધ છે.

ઘોડો રોયલ પ્રાણી ગણાય છે. માનવ માટે પરિવહનના પ્રાથમિક સાધનોમાં તેનો સમાવેશ થાય છે. વડોદરાના ગાયકવાડી શાસકોના શાસન મંત્ર ‘જીન ઘર, જીન તખ્ત’માં ઘોડાનો આડકતરો સમાવેશ કરવામાં આવ્યો હતો.

તેનો અર્થ એવો કે જન કલ્યાણ માટે ઘોડાને પલાણવા મૂકવામાં આવતું જીન એ જ ઘર અને એ જ રાજ સિંહાસન. ભારતીય શૂરવીરતાના ઇતિહાસમાં મહારાણા પ્રતાપના ચેતક (જે ગુજરાતનો જ અશ્વ હતો)નું નામ, તો ધર્મ ઇતિહાસમાં સહજાનંદ સ્વામી મહારાજની અનુપમ ઘોડી માણકીનું નામ સોનાના અક્ષરોથી અંકિત છે.

આવા ઉમદા પ્રાણીનું આકર્ષણ સહુને હોય છે ત્યારે અશ્વ સવારીની આ તાલીમ જાણે કે જૂની ભવ્યતાને તરોતાજા કરે છે. અત્યાર સુધીમાં આ હોર્સ રાઇડિંગ સ્કૂલમાં ત્રણ બેચમાં કુલ ૯૨ લોકોએ તાલીમ લીધી છે. હાલમાં ચોથી બેચમાં ૩૫ અશ્વ ચાહકો તાલીમ લઈ રહ્યાં છે.

વડોદરા પોલીસના અશ્વ દળ પાસે હાલમાં કાઠિયાવાડી, મારવાડી અને થ્રો બ્રીડ એટલે કે મોટા કાન વાળા અરબી જાતવાન ઘોડા છે. આ તેજીલા તોખારોને જેસ, પૂજા, ડાયમન્ડ, શેરા, ચાંદની, સ્ટ્રોમ એવા નામો આપવામાં આવ્યા છે.

ખાનગી હોર્સ રાઇડિંગ સંસ્થાઓમાં આવી તાલીમનો ઊંચો દર ચૂકવવો પડે. પરંતુ સુરક્ષા સેતુ એ તો પ્રજા સાથે મૈત્રી કેળવવાનો મંચ છે. એટલે અહીં ત્રણ મહિનાની બેઝિક તાલીમ સરકારી કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માત્ર રૂ. ૨૨૫૦નો અને અન્ય લોકો રૂ. ૪૫૦૦ નો દર ચૂકવીને લઈ શકે છે. વિદ્યાર્થીઓ અને દીકરીઓ પણ રસપૂર્વક આ તાલીમમાં જાેડાય છે.

ઘોડાની ચાલ વિશે પણ જાણવા જેવું છે. ઘોડો સાવ ધીમી ગતિએ, નાના ડગલે ડાબલા વગાડતો ચાલે, તેને રવાલ ચાલ છે. અશ્વના સામાન્ય ચાહકોમાં આ ચાલ પ્રિય છે. પણ, પેગિંગમાં રવાલ ચાલના ઘોડા ચાલતા નથી. પોલીસ પાસે અશ્વ તાલીમમાં આવે એટલું સૌથી પહેલું કામ તેને રવાલ ભૂલવાડવાનું હોય છે. માઉન્ટેડ પોલીસના ઘોડા લાંબા ડગલાની દુડકી ચાલથી ચાલે છે. જેને ટ્રોટ પણ કહેવામાં આવે છે. એ બાદ મધ્યમ ગતિને કેન્ટર ચાલ અને તેજ ગતિને ગેલેપ કહે છે.

પોલીસ દ્વારા અશ્વ ખરીદીની એક પ્રક્રીયા હોય છે. આ માટે વરિષ્ઠ પોલીસ અધિકારીની અધ્યક્ષતામાં જાહેરાત આપી નિયત જગાએ કેમ્પ કરે છે. જેમાં પશુ ચિકિત્સકો ઉપર અશ્વના જાણતલ પણ હોય છે. ઘોડાની લંબાઇ, પગ, તેના ડાબલા, આરોગ્યને ધ્યાને રાખી ત્રણથી સાત વર્ષની ઉંમરના જ અશ્વોની પોલીસ ખરીદી ભાવતાલ કરીને કરે છે.

ખરીદી કરવાના સાથે ઘોડાની હિસ્ટ્રીશીટ શરૂ થાય છે. જેમાં ઘોડાની તમામ વિગતો રાખવામાં આવે છે. સમયાંતરે થતી બિમારી, તેની સારવારની પણ નોંધ કરવામાં આવે છે. સરકારી પરિભાષામાં તેને લાઇવસ્ટોકની નિભાવણી કહે છે.

સામાન્ય રીતે સરકારી દફતરે રહેલી કિંમતી વસ્તુ કામની ના રહે એટલે તેને કન્ડમ કરવાના નિયમો હોય છે. પણ, અશ્વોને કન્ડમ કરવાની વિશેષ પ્રક્રીયા છે. કોઇ કારણોસર ઘોડો કામનો ના રહે એટલે પશુતબીબો સહિતની પોલીસ અધિકારીઓની કમિટિ તેની બિમારી, ઇજાની તપાસ કરે છે. બાદમાં તેના આધારે અશ્વને કન્ડમ કરવામાં આવે. તે બાદ પણ પોલીસ દ્વારા અશ્વની સંભાળ રાખવામાં આવે છે. પણ, તેની પાસેથી કામ લેવાતું નથી.

શ્રી ઘનશ્યામસિંહ કહે છે કે અમારી આ પ્રાથમિક તાલીમમાં ઘોડા પર બેસવું, ઉતરવું, ઘોડાને નિયંત્રણમાં રાખવો, વિવિધ પ્રકારની ચાલથી ઘોડાને દોડાવવો, તેની સારસંભાળ કેવી રીતે લેવી, તેને સ્નાન કરાવવું, ઘોડાને કેવા પ્રકારનો ખોરાક આપવો જેવી બાબતોનો સમાવેશ થાય છે. સુરક્ષા સેતુની આ પહેલ લોકોને ગમી છે.

માઉન્ડ પોલીસના ૧૦ અશ્વસવારો આ તાલીમાર્થીઓને ઘોડા સવારીના વિવિધ પાસાઓની સારી રીતે તાલીમ આપે છે. તેના થી પોલીસ તંત્ર અને પ્રજા વચ્ચે સંપર્ક સેતુ ને એક નવો આયામ મળ્યો છે. આ સોશ્યલ પોલિસિંગ બંને પક્ષો માટે લાભદાયક બની રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.