Western Times News

Gujarati News

સાબરમતીના બે કાંઠાને જોડતો ફૂટ ઓવરબ્રિજ પૂર્ણતાના આરે

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીના બંને કાંઠે મ્યુનિ. સત્તાવાળાો દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ભવ્ય રિવરફ્રન્ટ બનાવાયોછે. આ રિવરફ્રન્ટની નયનરમ્યતામાં વૃદ્ધિ કરતા તંત્રે નદીના પશ્ચિમ કાંઠાને પૂર્વ કાંઠા સાથે જાેડતો આકર્ષક ફૂટ ઓવરબ્રિજ તૈયાર કરવા લીધો છે.

હરવા-ફરવાના શોખીન અમદાવાદીઓને ઘરઆંગણે સાબરમતી નદીના વહેતા પાણીને આકર્ષક ફૂટ ઓવરબ્રિજ પરથી લટાર મારતા નિહાળવાનો સરસ મજાનો લહાવો સત્તાવાળાઓ આપવા જઇ રહ્યા છે. રાજ્યના એક પણ શહેરમાં નદી પર આવો કોઇ ફૂટ ઓવરબ્રિજ તો બનાવાયો નથી, પરંતુ દેશમા પણ આ બ્રિજ અનોખો બનવાનો છે. તેને લોકોપયોગી બનાવવા માટે સત્તાધીશોએ શુદ્ધ સ્તરે તૈયારીઓ આરંભી હોઇ તે લગભગ પૂર્ણતાના આરે પહોંચી હોવાનું જાણવા મળ્યુ છે.

સાબરમતી નદીના બંને કાંઠાને વિકસિત કરવા મ્યુનિ. તંત્ર દ્વારા ગઠિત કરાયેલા સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ લિમિટેડ (એસઆરડીસીએલ)ના સત્તાવાળાઓ દ્વારા ફૂટ ઓવરબ્રિજનું નિર્માણ કરાઇ રહ્યું છે. આ માટે રૂા.૭૪,૨૯,૭૮,૪૦૬ ખર્ચાશે. એલિસબ્રિજ અને સરદારબ્રિજ વચ્ચે નિર્માણ પામનારા આ બ્રિજની લંબાઇ ૩૦૦ મીટરની છે. વચ્ચેનો સ્પાના ૧૦૦ મીટરનો છે, જ્યારે પહોળાઇ બ્રિજના વચ્ચેના ભાગે ૧૦ મીટરથી ૧૪ મિટરની છે.

અમદાવાદીઓ સપરિવાર ટ્રાફિકના ઘોંઘાટ વગર અને શાંતિથી સાબરમતી નદી અને રિવરફ્રન્ટની સુંદરતાને માણી શકશે તેવો સત્તાવાળાઓનો દાવો છે. હાલમાં ફૂટ ઓવરબ્રિજની તૈયારીને અંતિમ ઓપ અપાઇ રહ્યો છે, જેમાં રિવરફ્રન્ટના બંને કાંઠાના લોઅર પ્રોમિનોડથી બ્રિજ સુધી પ્રવેશ કરવા માટેની સીડીનું નિર્માણ યુદ્ધ સ્તરે ચાલી રહ્યુ છે. આ ઉપરાંત બ્રિજના ફ્લોરિંગનું કામ ઝડપભેર હાથ ધરાયુ છે.

સાબરમતી નદીના સરદારબ્રિજ અને એલસબ્રિજ પરથી પગપાળા કે વાહન લઇને પસાર થતી વખતે નાગરિકોને દૂરથી જ છટાદાર દેખાતા ફૂટ ઓવરબ્રિજની ઉપરની છતને રંગીન બનાવાઇ રહી છે. લાલ, પીળા, કેસરી અને લીલા જેવા આંખને ગમે તેવા રંગો ધરાવતી ફેબ્રિક છત લોકોને મંત્રમુગ્ધ કરી દેશે.

સત્તાવાળાઓ દ્વારા ફૂટ ઓવરબ્રિજને અપાઇ રહેલા આખરી ઓપ હેઠળ રેલિંગ તેમજ કાચ લગાવાઇ રહ્યા છે. આમ, સમગ્ર ફૂટ ઓવરબ્રિજનો પ્રોજેક્ટ યુદ્ધ સ્તરે આટોપી લેવાની દિશામાં ચક્રો ગતિમાન થઇ ચૂક્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.૧૧ અને ૧૨ માર્ચે ગુજરાતમાં છે. તા.૧૨ માર્ચે નવરંગપુરાના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભનો આરંભ કરાવશે તે વખતે તેઓ ફૂટ ઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ કરે તેવી શક્યતા છે. કોરોનાના કારણે ફૂટ ઓવરબ્રિજ લગભગ સવા વર્ષ વિલંબમાં મુકાયો છે.

આ ઉપરાંત વડાપ્રધાન મોદીના હસ્તે મહિનાઓથી ધૂળ ખાતા રિવફ્રન્ટના બંને સ્પોટ્‌ર્સ કોમ્પ્લેક્ષનું પણ ઇ-લોકાર્પણ કરાવવાની વકી છે. આ બંને સ્પોટ્‌ર્સ કોમ્પ્લેક્ષનું વડા પ્રધાનના હસ્તે લોકાર્પણ કરાવીને શહેરના ભાજપ શાસકો યુવાઓમાં ફેલાયેલી તીવ્ર નારાજગી દૂર કરવા માગે છે એટલે પ્રવેશ ફી નિર્ધારિત કરીને પણ સ્પોટ્‌ર્સ કોમ્પ્લેક્સનો લાભ યુવાઓ મે વેકેશન પહેલા લઇ શકે તે દિશામાં શાસકો ગંભીર બન્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.