Western Times News

Gujarati News

નવા કોઇ કેસ ન થાય એ ધ્યાને રાખી ફરી આંદોલન કરીશું

અમદાવાદ, ચૂંટણી વર્ષમાં ફરીવાર પાસ ગુજરાત સરકાર સામે મોરચો માંડશે. આંદોલન સમયે પાટીદારો સામે થયેલા કેસ પાછા ખેંચવા ફરીથી માંગ ઉગ્ર બની રહી છે. સાણંદ ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિની બેઠક મળી હતી. જેમાં ‘સંઘર્ષના સાથીઓનું સ્નેહ મિલન’ શીર્ષક હેઠળ બેઠક યોજાઈ હતી. ત્રણ મહિના પૂર્ણ થતાં ફરી એકવાર સરકાર પર દબાણ લાવવા બેઠક યોજાઈ હતી.

ચૂંટણીના વર્ષમાં પાસ ફરીવાર દબાણની રાજનીતિ શરૂ કરશે. પાટીદાર આંદોલન દરમ્યાન થયેલા કેસ પરત ખેંચવા અને શહિદોના પરિવારના એક સભ્યને નોકરી આપવા માંગ કરી રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કેસ પરત ખેંચવા ત્રણ મહિનાનું આશ્વાસન આપ્યું હતું. પરંતુ તેમ છતાં કેસ પાછા ન ખેંચાતા ફરીથી આંદોલનથી સરકારને ભીંસમાં લેવા પાસના નેતાઓ ભેગા થયા હતા.

આ વિશે જાણવા મળી રહ્યું છે કે, રાજ્યમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે, ત્યારે ફરી  PASSના નેતાઓ સક્રિય થયા છે. અલ્પેશ કથીરિયાના નેતૃત્વમાં ફરી આંદોલન થવા જઈ રહ્યું છે. જેમાં ‘સંઘર્ષના સાથી’ નામથી ગ્રૂપ સંમેલન કરવામાં આવશે અને આગામી ૨૩ માર્ચ બાદ આંદોલનની નવી રૂપરેખા તૈયાર થશે. આ વખતે પાસના નેતાઓ કોઇ નવા કેસ ન થાય એનું ધ્યાન રાખીને એક આંદોલન કરશે.

આ આંદોલનનો હેતુ આંદોલન સમયે પાટીદારો સામે થયેલા કેસ પાછા ખેંચવા તે છે. અલ્પેશ કથિરીયાએ આ વિશે જણાવ્યું હતું કે, આ સમાચાર સાંભળીને નરેશ પટેલને ફોન કર્યો હતો. નરેશ પટેલ પાસે વધુ એક સપ્તાહનો સમય માંગ્યો છે. નરેશ ભાઇના માન ખાતર અમે આંદોલન ૨૩મી માર્ચ પછી શરૂ કરીશું. તેમણે ઉમેર્યું હતું કે, સંવેદનશીલતા બતાવવા સરકાર ખોટું બોલે છે.

જ્યારે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, આંદોલનને મારૂં સંપૂર્ણ સમર્થન છે. નવા કોઇ કેસ ન થાય એ ધ્યાને રાખી આપણે ફરી આંદોલન કરીશું. હું હંમેશા નીડરતાથી લડ્યો છું, જેમાં મને સફળતા પણ મળી છે. મારા પેટમાં કોઈ પાપ નથી. તેમણે ઉમેર્યું હતું કે, સત્યની લડાઈમાં હંમેશાં અસત્ય બનાવનાર લોકો વધુ હોય છે, પરંતુ હંમેશા સત્યની જીત થાય છે. અમારા આંદોલનને પણ લોકો ખોટું કહેતા હતા, પરંતુ વિજય તો આંદોલનનો જ થયો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.