પાણીના પ્રેશરની સમસ્યા દૂર કરવા વર્ષો જૂના પમ્પ બદલવામાં આવશે
(પ્રતિનિધિ) અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં પાણી નેટવર્ક હોવા છતાં પાણી સપ્લાય ન થવા કે અપૂરતા પ્રેશરથી પાણી સપ્લાય થવાની સમસ્યા લગભગ કાયમી બની છે. જેના માટે “મોટરીંગ”ની માફક વર્ષો જુના પંપ પણ જવાબદાર હોવાનું માનવામાં આળે છે.
શહેરમાં સાત દાયકા જુના વો.ડી.સ્ટેશન છે તેમજ નેટવર્ક અને પંપ પણ જુના છે. તેથી પાણીની સમસ્યાનો ઉકેલ આવતો નથી. સદ્દર મુશ્કેલીના નિવારણ માટે વો.ડી.સ્ટેશનના પંપની કેપેસીટી તથા આયુષ્ય અંગે ખાસ સર્વે શરૂ કરવામાં આવ્યો છે.
મ્યુનિ. વોટર સપ્લાય કમીટી ચેરમેન જતીનભાઈ પટેલના જણાવ્યા મુજબ શહેરમાં હયાત વો.ડી.સ્ટેશન પૈકી લગભગ ૭૦ ટકા વો.ડી. છેલ્લા દોઢ દાયકામાં તૈયાર થયા છે. જ્યારે ૨૦ થી ૩૦ ટકા વો.ડી. સ્ટેશન ચાર થી સાત દાયકા જુના છે. આ તમામ પમ્પીંગ સ્ટેશનોમાં વર્ષો અગાઉ ઇન્સ્ટોલ કરવામાં આવેલા પંપની યોગ્ય કાળજી લેવામાં આવી છે કે કેમ ?
તેમજ પમ્પ ચલાવવા યોગ્ય છે કે કેમ ? તેની માહિતી લેવી જરૂરી છે. જેના આધારે જે તે પમ્પીંગ સ્ટેશનના પંપ અને નેટવર્કને અપગ્રેડ કરવાની કામગીરી થઈ શખશે. ઉનાળામાં પાણીની સમસ્યા વિકટ બને તે અગાઉ આ કામ કરવા જરૂરી છે. તેથી વોટર ઓપરેશન વિભાગ અને ઝોન એડીશનલને ૧૫ દિવસમાં સર્વે પૂર્ણ કરી પંપની કાર્યવાહી કરવા તાકીદ કરવામાં આવી છે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પ્રાયોગિક ધોરણે સરસપુર ગામ ના પમ્પીંગ સ્ટેશનના પંપ બદલવામાં આવ્યા છે. જેના કારણે પૂરતા પ્રેશરથી પાણી સપ્લાય થઈ રહ્યુ છે. કમીટી બેન્કમાં પી.જી.ચાલતા હોય તેવા સ્થળોએ કનેકશન અને મોટરીંગની તપાસ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. જે સ્થલે પી.જી.ચાલી રહ્યા છે તે બિલ્ડીંગમાં ત્રણથી ચાર ગણો પાણી વપરાશ થાય છે તેથી યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે.
ફેબ્રુઆરી મહીનાના અંતિમ સપ્તાહમાં મળેલી કમીટી બેઠકમાં નરોડા રેલવે પુશીંગ સહીત કેટલાંક મુદ્દે સભ્યો દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યા હતા. જવાબદાર અધિકારીએ માહિતી આપતા જણાવ્યુ છે કે નરોડા રેલવે પુશીંગ કામનું ટેન્ડર મંજુર થઈ ગયુ છે
રેલવે લાઈન ક્રોસીંગ કરવા હાલ પાઈપો બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે, તેવી જ રીતે ગુરુજી બ્રીજ નીચે સમ્પ કેપેસીટી વધારવા માટે થયેલ રજૂઆત સંદર્ભે અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી છે. જ્યારે ઈન્દ્રપુરીમાં પંપ બનાવવા રજુઆત થઈ હતી. પરંતુ પૂરતા પ્રમાણમાં દબાણો દૂર થયા ન હોવાથી પમ્પ બનાવવા મુશ્કેલ હોવાનું વિભાગે જવાબ આપ્યો હતો.