બોરીયાવી ગામ પાસે પરવાના વગર મહૂડાના લાકડા ભરેલો ટેમ્પો વનવિભાગે ઝડપ્યો

(પ્રતિનિધિ) શહેરા, પંચમહાલ જીલ્લાના શહેરા પંથકમા પરવાના વગર ગેરકાયદેસર લાકડાની હેરાફેરી કરનારાઓ બેફામ બન્યા છે.વનવિભાગની ટીમે બોરીયાવી રોડ પરથી પરવાના વગર મહૂડાના લાકડા સાથે ભરેલા ટેમ્પાને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વનવિભાગ દ્વારા કાર્યવાહી કરવામા આવતા ગેરકાયદેસર રીતે હેરાફેરી કરનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
શહેરા વનવિભાગના આરએફઓ રોહિતકૂમાર પટેલ દ્વારા ગેરકાયદેસર રીતે લાકડાકાપીને હેરાફેરી કરનારાઓ સામે બાજ નજર રાખવામા આવી રહી છે.વનવિભાગની ટીમના એમ.જી.ડામોર બીટગાર્ડ એન.જી.સોલંકી સહિતના કર્મચારીઓની ટીમ તાલૂકાના બોરીયાવી ગામે પેટ્રોલીંગમાં હતા.
તે સમયે એક લાકડા ભરેલો ટેમ્પો પસાર થઇ રહ્યો હતો.વનવિભાગની ટીમ દ્વારા ટેમ્પાને રોકવામા આવ્યો હતો.જેમા તપાસ કરતા તાજા મહુડાના કાપેલા લાકડા હતા.આથી ચાલક પાસે આ લાકડાનો પરવાનો માંગતા મળી આવ્યો ન હતો.
આથી ટેમ્પાને વનવિભાગની કચેરીએ લાવીને ટેમ્પા સહિત બે લાખનો મૂદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.નોંધનીય છે કે શહેરા વનવિભાગ દ્વારા અગાઉના મહિનાઓમાં પણ લાખો રૂપિયાની કિમંતના પરવાના વગર લાકડાઓની હેરાફેરી કાયદેસરની સામે કાર્યવાહી કરવામા આવી છે.