ભણસાલીએ આલિયા ભટ્ટ અને દીપિકાની તુલનાનો ઈનકાર કર્યો
મુંબઈ, ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીને ઓળખની કોઈ જરૂર નથી. બાજીરાવ મસ્તાની, ગોલિયોં કી રાસલીલાઃ રામલીલા, બ્લેક જેવી શાનદાર ફિલ્મો બનાવનારા સંજય લીલા ભણસાલી હાલ ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીને લઈને ચર્ચામાં છે. આલિયા ભટ્ટના લીડ રોલવાળી આ ફિલ્મ હિટ નીવડી છે ત્યારે ભણસાલી આ સફળતાને માણી રહ્યા છે.
ભણસાલીએ બોલિવુડની ટોચની અભિનેત્રીઓ દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટ બંને સાથે કામ કર્યું છે. બંનેમાંથી શ્રેષ્ઠ કોણ છે? તેવો સવાલ પૂછવામાં આવતાં ભણસાલીએ આલિયા-દીપિકા વિશે આપ્યો અભિપ્રાય.છે. આ માટેના કારણો પણ તેમણે આપ્યા છે.
સંજય લીલા ભણસાલીએ જણાવ્યું કે તેમના મત અનુસાર દીપિકા અને આલિયા પર્ફોર્મ તરીકે કઈ રીતે અલગ પડે છે. તેમણે કહ્યું, “તેઓ બંને અલગ વ્યક્તિઓ છે. તેમના દ્રષ્ટિકોણ અલગ છે. તેમની હાઈટ, અવાજ, બોડી લેંગ્વેજ અલગ છે. સિનેમા પ્રત્યેનો તેમનો અપ્રોચ પણ ભિન્ન છે. એકંદરે કહું તો દીપિકા સુંદર છોકરી અને અદ્ભૂત અભિનેત્રી છે. મારા માટે આલિયા અતિ સુંદર છોકરી અને દમદાર એક્ટ્રેસ છે.
પરંતુ જાે મારે ‘બાજીરાવ મસ્તાની’ બનાવી હોય તો મારે દીપિકા જ જાેઈએ અને ગંગુબાઈ કાઠિયાવાડી બનાવતો હોઉં તો આલિયાની જરૂર પડે. બંનેની અલગ શક્તિઓ છે અને તેઓ તેમને બંધબેસતા પાત્રોમાં તેને ઉતારે છે. તમે ખોટો રોલ ખોટા એક્ટરને ના આપી શકો.”
સંજય લીલા ભણસાલીએ આગળ કહ્યું કે, તેમણે જે રોલ આલિયા અને દીપિકા માટે પસંદ કર્યા છે તે ‘સાચા કાસ્ટિંગ’ને ધ્યાને રાખીને કર્યા છે અને એવું નહોતું વિચાર્યું કે કોણ જે-તે પાત્ર સારી રીતે ભજવી શકશે. “હું એવું નથી કહેતો કે આલિયા મસ્તીનાનો રોલ ના કરી શકી હોત કે દીપિકા ગંગુના પાત્રને ન્યાય ના આપી શકી હોત. પરંતુ મને લાગે છે તેમની વિશેષતા ધ્યાનમાં રાખીને સાચું કાસ્ટિંગ કરવામાં આવ્યું છે.
આ રોલ માટે આલિયાએ જે કર્યું છે તે એ જ કરી શકી હોત અને દીપિકાએ તેણે ભજવેલા પાત્રોમાં જે આપ્યું છે તે એ જ આપી શકી હોત.” જણાવી દઈએ કે, ભણસાલીએ દીપિકા સાથે ત્રણ ફિલ્મોમાં કામ કર્યું છે. ‘બાજીરાવ મસ્તાની’, ‘ગોલિયોં કી રાસલીલાઃ રામલીલા’ અને ‘પદ્માવત’ આ ત્રણેય ફિલ્મોમાં દીપિકાની સાથે રણવીર સિંહ હતો. જ્યારે આલિયાએ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ દ્વારા પહેલીવાર ભણસાલીના નિર્દેશનમાં કામ કર્યું છે. આ ફિલ્મ ૨૫ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ હતી અને બોક્સઓફિસ પર સારી કમાણી કરી રહી છે.SSS