ડુંગળી બાદ ટામેટાની કિંમતો હવે આસમાનેઃ લોકો ચિંતિત
ભારે વરસાદના પરિણામે ટામેટાના પાકને નુકસાન થતા સપ્લાયમાં ઘટાડોઃ સપ્લાય ઘટતા કિંમતામાં વધારો થયો |
નવી દિલ્હી, ડુંગળી બાદ હવે ટામેટાની કિંમતો આસમાને પહોંચી જતા શાકભાજીના સ્વાદ પર તેની માઠી અસર જાવા મળી રહી છે. રાષ્ટ્રીય પાટનગર દિલ્હી સહિત દેશના જુદા જુદા ભાગોમાં સ્થાનિક બજારોમાં ટામેટાની કિંમતો ૮૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઇ છે. દિલ્હીના આઝાદપુર મંડીના શાકભાજીના કારોબારી કહે છે કે કર્ણાટક ઉપરાંત દેશના કેટલાક રાજ્યોમાં હાલમાં ભારે વરસાદના કારણે ટામેટાના પાકને પ્રતિકુળ અસર થઇ રહી છે. જેથી પુરવઠો ઓછો થઇ રહ્યો છે. આ જ કારણસર ટામેટાની કિંમતોમાં સતત વધારો થઇ રહ્યોછે. બીજી બાજુ ડુંગળીની કિંમતમાં આંશિક રીતે નરમી આવી છે. છેલ્લા સપ્તાહની તુલનામાં ડુંગળીની કિંમત આંશિક ઘટાડો થઇ ચુક્યો છે. ડુંગળીની કિંમત હવે ૬૦ રૂપિયા પ્રતિ કિલોની આસપાસ પહોંચી ગઇ છે.
બીજી બાજુ મધર ડેરીના સપળ આઉટલેટ્સ પર ટામેટાની કિંમત ૫૮ રૂપિયા પ્રતિ કિલો રહી છે. આઝાદપુર મંડીના ટામેટા હોલસેલ કારોબારી લોકોનુ કહેવુ છે કે કેટલાક રાજ્યોમાં સતત ભારે વરસાદ થઇ રહ્યો છે. જેના કારણે ટામેટાના પુરવઠોને માઠી અસર થઇ રહી છે. માંગ વધારે રહેવા અને આવક ઓછી રહેવાના કારણે ટામેટાના રેટ આસમાને પહોંચી ગયા છે. કર્ણાટક અને તેલંગણા ઉપરાંત કેટલાક પહાડી વિસ્તારોમાં હજુ વરસાદ થઇ રહ્યો છે. જેના કારણે ટામેટાના પાકને નુકસાન થયુ છે. જેના કારણે પુરવઠા પર સીધી અસર થઇ રહી છે.
ટામેટાની કિમત વધવાની સાથે જ સફળ આઉટલેટ્સ પર લોકોની ભારે ભીડ જામી રહી છે. અહીં લોકો લાઇનમાં ઉભા રહીને ટામેટાની ખરીદી કરી રહ્યા છે. દિલ્હીમાં કેટલાક વિસ્તારોમાં સરકાર તરફથી ડુંગળીનુ વેચાણ કરવામાં આવી રહ્યુ છે. લોકોનુ કહેવુ છે કે ડુંગળી અને ટામેટાની વધતી કિંમતોના કારણે શાકભાજીના સ્વાદ પર તેની અસર થઇ રહી છે. ટામેટા અને ડુંગળીના કારણે લોકોના બજેટ બગડી ગયા છે. જા કે કિંમતો ટુંકમાં સ્થિર બની શકે છે. ટામેટાના સપ્લાયને અસર કેમ થઇ રહી છે તેવા પ્રશ્નના જવાબમાં નિષ્ણાતો અને બજાર સાથે જાડાયેલા લોકોનું કહેવું છે કે, કર્ણાટક અને તેલંગાણા ઉપરાંત અન્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ટામેટાના પાકને નુકસાન થયું છે.
સહકારી સમિતિઓ ૨૩ રૂપિયાના ભાવે સસ્તા દરે ડુંગળીનું વેચાણ કરે છે. કેન્દ્ર સરકારના બફર સ્ટોકમાંથી જથ્થો લેવામાં આવી રહ્યો છે. આશરે ૧૮૦૦૦ ટન ડુંગળી દિલ્હી સહિત કેટલાક બજારોમાં ઉતારવામાં આવી ચુકી છે જેથી લોકોને રાહત મળશે. બીજી બાજુ કારોબારીઓના કહેવા મુજબ ડુંગળીના તથા ટામેટાના વધતા જતા ભાવને લઇને સામાન્ય પરિવારો પરેશાન થયેલા છે.