સમાન કામ સમાન વેતનની માંગ સાથે હજારો મહિલાઓએ ભરૂચ કલેક્ટર કચેરી ગજવી

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) સમગ્ર ભરૂચ જિલ્લામાં એકબાજુ વિશ્વ મહિલા દિવસની ઉજવણી ધૂમધામપૂર્વક કરવામાં આવી રહી અને તો બીજી તરફ ભરૂચ જિલ્લામાં મહિલાઓનું શોષણ થતું હોવાના આક્ષેપ સાથે મહિલા શક્તિ સેના સવારથી જ મોટી માત્રામાં ભરૂચ કલેકટર કચેરી ખાતે આવી પહોંચી કાળી પટ્ટી ધારણ કરી સમાન કામ સમાન વેતન માંગ સાથે પડતર માંગણીઓ મુદ્દે ભરૂચ કલેકટર કચેરી ગજવી મૂકી હતી.
ભરૂચ જિલ્લામાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી સેવાભાવી સંસ્થાઓ થી લઈ સરકારી તંત્ર પણ કરી રહ્યું છે.પરંતુ સાચા અર્થમાં મહિલાઓનું શોષણ થતું હોવાના આક્ષેપ સાથે ઘણી વખત મહિલાઓ આંદોલન કરતી હોય છે.પરંતુ મહિલાઓ નો અવાજ દબાવી દેવામાં આવતો હોવાનો આક્ષેપ થતો હોય છે
પરંતુ આજે વિશ્વ મહિલા દિવસે મહિલા શક્તિ સેના મેદાનમાં ઉતરી છે અને નારી શક્તિઓએ પોતાની શક્તિનું પ્રદર્શન જાણે કર્યું હોય તેમ ભરૂચ કલેકટર કચેરી મહિલાઓ થી ભરપૂર કરી દેતા એક સમયે મોટી માત્રામાં મહિલાઓનો મેળાવડો જામી ગયો હતો.
મહિલાઓએ સમાન કામ સમાન વેતન તથા આરોગ્ય વિભાગમાં કામ કરતી ફેસીલેટર મહિલાઓની પડતર માંગણીઓ સંતોષાઈ ન હોવાના આક્ષેપ સાથે વિશ્વ મહિલા દિવસે જ મેદાનમાં ઉતરતાં તંત્રની મહિલા દિવસની ઉજવણી પર પાણી ફેરવી દીધું હતું અને ભરૂચ જિલ્લામાં મહિલાઓનું શોષણ થતું હોવાના આક્ષેપો વિશ્વ મહિલા દિવસે થતા જ ભરૂચ જિલ્લામાં કૂતુહલ સર્જાયું હતું.