મ્યુનિ. ભવન ખાતે અધિકારીઓ માટે જીમ શરૂ કરવામાં આવ્યું
મ્યુનિ.કોર્પોરેટરો અને અધિકારીઓની શારીરિક-માનસિક ક્ષમતામાં વધારો કરવા માટેનો પ્રયાસ |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલ “ફીટ ઈન્ડીયા” નો અમલ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં શરૂ થઈ ગયો છે. મ્યુનિ. કોર્પોરેશનના મુખ્ય કાર્યાલયમાં જ હોદ્દેદારો અને અધિકારીઓ માટે જીમ્નેશીયમ તૈયાર કરવામાં આવ્યું છે. જે આગામી સપ્તાહથી કાર્યરત થશે.
અમદાવાદ શહેરના ૪૮ વોર્ડમાં જીમ્નેશીયમ તૈયાર કરવા માટે ભાજપા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી જેનો ૯૦ ટકા અમલ થઈ ગયો છે. શહેરીજનોને “ફીટ” રાખવાની સાથે-સાથે મ્યુનિ. હોદ્દેદારો અને અધિકારીઓ પણ “ફીટ” રહે તે માટે મ્યુનિ. ભવનના “સી” બ્લોકમાં જીમ્નેશીયમ તૈયાર કરવામાં આવ્યું છે.
જેમાં બે ટ્રેડમીલ એક અપરાઈડ બાઈક અને એક રી-કમાન્ડ બાઈક સહીત લગભગ સાત જેટલા સાધનો મુકવામાં આવશે. જીમ્નેશીયમ વિધિવત રીતે આગામી સપ્તાહથી શરૂ કરવામાં આવશે. જીમ્નેશીયમ નો લાભ તમામ ૧૯ર કાઉન્સીલરો અને કલાસ-વન અને કલાસ-ટુ ના અધિકારીઓ લઈ શકશે.
જીમ્નેશીયમ માટેના સાધનો અંબુભાઈ પુરાણી વ્યાયમ વિધાલય દ્વારા મુકવામાં આવ્યા છે. જેની ખરીદી સેન્ટ્રલ સ્ટોર્સ મારફતે કરવામાં આવી છે. મ્યુનિ. કોર્પોરેશનના મુખ્ય કાર્યાલય ખાતે જીમ્નેશીયમ શરૂ થયા બાદ ક્રમશઃ તમામ ઝોનમાં પણ જીમ શરૂ કરવામાં આવશે જેના માટે જગ્યા નકકી કરવા જવાબદાર અધિકારીઓને સુચના આપવામાં આવી છે. દાણાપીઠ ખાતે શરૂ થનાર જીમ્નેશીયમમાં ઉચ્ચ અધિકારીઓ અને નગર સેવકો માટે ફીટનેશ ટ્રેનર પણ નિયુકિત કરવામાં આવશે.
મ્યુનિ.અધિકારીઓ અને નગરસેવકો શારીરિક રીતે “ફીટ” રહેશે તો તેમની કાર્યક્ષમતામાં પણ વધારો થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ “ફીટ” ઈન્ડીયાનો જે ગૃહમંત્ર આપ્યો છે તેની શરૂઆત દાણાપીઠ કાર્યાલય ખાતેથી થઈ રહી છે. તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.