Western Times News

Gujarati News

૨૧ વર્ષના જેલવાસ બાદ ૫૩ વર્ષીય દોષિત સજાને પડકારશે

અમદાવાદ, ૨૧ વર્ષ જેલમાં રહ્યા અને આજીવન કેદની સજા ફટાકાર્યાના ૧૪ વર્ષ બાદ હત્યાનો દોષિત આ ચુકાદાને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરશે. કચ્છના નાની રાવ ગામના વતની ૫૩ વર્ષીય જેસલ ધના કોળીને જુલાઈ ૨૦૦૧માં એક પરિવારના ૯ સભ્યોની હત્યા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. પરંતુ એ સમયે ગરીબીના કારણે તેની પાસે આગળ કેસ લડવા માટેના સાધનો નહોતા.

જેસલ સહિત કેસના ૨૦ દોષિતોએ ટ્રાયલ કોર્ટના આદેશ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ટ્રાયલ કોર્ટે સામૂહિક હત્યા બદલ ૨૬ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારે આ દોષિતોને સુપ્રીમ કોર્ટે અરજી કરવાનો નિર્દેશ આપ્યો હતો.

જેસલનો જેલવાસ હજી ચાલુ જ છે ત્યારે કેસના ૧૪ દોષિતોને ૨૧ વર્ષની સજા કાપ્યા બાદ જામીન મળ્યા છે. સુપ્રીમ કોર્ટે ગત અઠવાડિયે જ તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. દોષિતોના વકીલ નરેન્દ્ર જૈનના જણાવ્યા અનુસાર, નાની રાવ ગામમાં જમીન બાબતે ગઢવી પરિવાર અને કોળી સમાજના સભ્યો વચ્ચે ઝઘડો થયો હતો. જેના પગલે ૧૩ જુલાઈ ૨૦૦૧ના રોજ ૯ લોકોની હત્યા થઈ હતી.

૧૦ મહિલાઓ સહિત કોળી સમાજના કુલ ૪૮ સભ્યો સામે ભૂજની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાયલ ચાલી હતી. કોર્ટે ત્રણ મહિલાઓ સહિત ૨૫ લોકોને હત્યાના દોષી માનીને ૨૦૦૮માં આજીવન કેદની સજા સંભળાવી હતી. દોષિતોમાંથી ૨૪ જણાંએ સજાના ચુકાદાને પડકારતી અરજી કરી હતી અને રાજ્ય સરકારે દોષિતોને મુક્ત કરવાનો વિરોધ કરતી અરજી કરી હતી. ૨૦૧૫માં ગુજરાત હાઈકોર્ટે નીચલી અદાલતના ચુકાદાને માન્ય રાખ્યો અને છોડી મૂકાયેલી એક મહિલા પણ દોષી હોવાનું સાબિત થતાં તેને આજીવન કેદની સજા સંભળાવી.

અહીં ગરીબીના કારણે જેસલ દાવો ના કરી શક્યો, તેમ તેના વકીલે જણાવ્યું. કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યાં સુધીમાં પાંચ દોષિતોના મોત થયા હતા. ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટે ચાર દોષિત મહિલાઓ અને બે પુરુષોને છોડી મૂક્યા હતા. જ્યારે બાકીના ૧૪ દોષિતોને તાજેતરમાં જ જામીન મળ્યા છે. વકીલે કહ્યું, “તેઓ બે દશકાથી જેલમાં બંધ હતા. દોષિતના આ ગ્રુપમાંથી આઠ કેદીઓ ભૂજમાં પલારા જેલ નજીક આવેલા ભજિયા સેન્ટરમાં કામ કરતા હતા. એક દોષિતને જેલના સત્તાધીશોએ ઢોર ચરાવવાનું કામ સોંપ્યું હતું.”SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.