યુપીમાં કોંગ્રેસના ૨૨ ઉમેદવાર ૧૦૦૦ મત પણ ન મેળવી શક્યા
લખનૌ, ઉત્તરપ્રદેશની જનતાએ ભાજપને જ ફરી સત્તાના સુકાન સોંપવાનો જનાદેશ આપ્યો છે અને આ વખતે પણ બમ્પર જીત સાથે યુપીમાં ભાજપનો ભગવો લહેરાઈ ગયો છે. હા, આ રાજ્યમાં સમાજવાદી પાર્ટીએ પાછલી ચૂંટણીની તુલનાએ શાનદાર પ્રદર્શન કરી ભાજપની સીટ ઘટાડી નાખી છે તો પોતાની વધારી નાખી છે પરંતુ કોંગ્રેસે પાછલી ચૂંટણીમાં મળેલા પરાજયથી કોઈ જ સબક ન મેળવ્યો હોય તેવી રીતે સીટો વધવી તો દૂર ઘટાડી નાખી છે.
એક સમયે ઉત્તરપ્રદેશમાં પોતાની સરકાર બનાવનાર કોંગ્રેસને પાછલી ચૂંટણીમાં સાત બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો પરંતુ આ ચૂંટણીમાં તેનો કરુણ રકાસ થયો હોય તેવી રીતે બે બેઠક ઉપર જ તેના ઉમેદવાર જીતી શક્યા છે. કોંગ્રેસના ૨૨ ઉમેદવારો તો એવા છે જે ૧૦૦૦થી પણ ઓછા મત મેળવી શકતા ડિપોઝિટ જપ્ત કરાવી ચૂક્યા છે.
કોંગ્રેસના ૨૨ ઉમેદવારો બે લાખથી વધુ મતદારો હોય તેવી બેઠક ઉપર એક હજારથી ઓછા મત મેળવતાં પક્ષ પ્રત્યે લોકોમાં કેટલી નિરાશા છે તે સ્પષ્ટ દર્શાવે છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને ચૂંટણીની કમાન સોંપી હતી અને તેઓ કમાલ કરશે તેવું લાગી રહ્યું હતું.
પ્રિયંકાએ કમાન સંભાળ્યા બાદ સૌથી પહેલાં ‘લડકી હું લડ સકતી હું’નો નારો આપી વધુમાં વધુ મહિલા ઉમેદવારોને ટિકિટ આપી હતી પરંતુ તેનો આ ફોર્મ્યુલા બિલકુલ ન ચાલ્યો નથી અને ચારે બાજુથી તેને જાકારો જ મળ્યો છે.
પ્રિયંકાએ યુપીમાં અનેક રોડ શો કર્યા અને તેમાં મેદની એકત્ર કરી પરંતુ તે મેદની મતમાં તબદીલ થઈ શકી નહોતી. કોંગ્રેસની હાર પાછળનું સૌથી મોટું કારણ સ્થાનિક દિગ્ગજ ચહેરાનો અભાવ ગણવામાં આવી રહ્યું છે. હવે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ કેવું પ્રદર્શન કરી શકે છે તેના ઉપર લોકોની મીટ મંડાયેલી રહેશે.HS