યુક્રેનથી હેમખેમ પરત આવેલા છાત્રો પણ રોડ શોમાં જોડાયા
અમદાવાદ, લાંબા સમય પછી ગુજરાતના મહેમાન બનેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એરપોર્ટથી ગાંધીનગરમાં કોબા પાસે આવેલા ભાજપના કાર્યાલય સુધીનો ૧૦ કિલોમીટર લાંબો રોડ શો યોજવામાં આવ્યો હતો. આ રોડ શો દરમિયાન ગુજરાતભરમાંથી ભાજપના કાર્યકર્તાઓ અને અન્ય લોકો ઉમટી પડ્યા હતા.
ભારે જનમેદની વચ્ચે જે રસ્તો કાપતા ૧૫થી ૨૦ મિનિટનો સમય લાગે તેના માટે ૨ કલાકનો સમય લાગ્યો હતો. રોડ શો દરમિયાન કેટલાક યુવાનો આકર્ષનું કેન્દ્ર બન્યા હતા. આ એ યુવાનો હતા કે જેઓ ભણવા માટે યુક્રેન ગયા હતા અને યુદ્ધની સ્થિતિ વચ્ચે તેમને યુક્રેનથી હેમખેમ ગુજરાત પરત લાવવામાં આવ્યા છે.
જેમાંથી કેટલાક યુવાનો એક સંદેશ લઈને આ રોડ શોમાં જાેડાયા હતા. યુક્રેનમાં ફસાયા બાદ ઓપરેશન ગંગા દ્વારા સ્વદેશ લાવવામાં આવેલા વિદ્યાર્થીઓ વડાપ્રધાનના રોડ શોમાં જાેડાયા હતા. આ વિદ્યાર્થીઓ દ્વારા વડાપ્રધાન મોદીનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આમાંથી કેટલાક વિદ્યાર્થીઓ બેનર અને પોસ્ટર્સ લઈને ઉપસ્થિત રહ્યા હતા.
મેડિકલના અભ્યાસ માટે યુક્રેન ગયેલા વિદ્યાર્થીઓએ રોડ શો દરમિયાન જણાવ્યું કે ઓપરેશન ગંગા દ્વારા ભારત સરકારે અમને સાથ આપ્યો તે બદલ અમે તેમના આભારી છે, ત્યાં પરિસ્થિતિ એકદમ વિકટ બની રહી હતી અને અમે સરકારની મદદ મળતા જીવ બચાવીને પરત આવી શક્યા છીએ.અહીં એકઠા થયેલા વિદ્યાર્થીઓ દ્વારા ‘મોદી હૈ તો મુમકીન હૈ’ જેવા નારા પણ લગાવવામાં આવી રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે ત્યારે તેમણે પોતાના પ્રવાસની શરુઆત સવારે એરપોર્ટથી ગાંધીનગરમાં આવેલા કમલમ સુધી રોડ શો યોજીને કરી છે. કમલમમાં વડાપ્રધાન મોદીએ પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકને આગામી વિઘાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્વની માનવામાં આવી રહી છે.
અહીંથી વડાપ્રધાન અમદાવાદમાં આયોજીત થનારા ખેલ મહાકુંભ, મહાપંચાયત સંમેલન સહિતના અન્ય કાર્યક્રમોમાં હાજરી આપશે. પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામ ગુરુવારે આવ્યા છે જેમાંથી ચાર રાજ્યો ભાજપને મોટી સફળતા મળી છે, હવે આગામી સમયમાં ગુજરાતમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણીમાં પણ ધાર્યું પરિણામ મળે તે માટે કઈ રીતે આગળના કાર્યક્રમોનું આયોજન કરવું તે અંગે ચર્ચા વિચારણા થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.SSS