બે વર્ષમાં રાજ્યમાં રોજના સરેરાશ પાંચ દુષ્કર્મના કેસ
અમદાવાદ, રાજ્યમાં ૨૦૨૦ અને ૨૦૨૧માં બળાત્કારના નિયમિત સરેરાશ પાંચ કેસ નોંધાયા હતા. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ પૂરા થયેલા બે વર્ષમાં ગુજરાતમાં બળાત્કારના કુલ ૩,૭૯૬ રેપ કેસ અને ગેંગ રેપના ૬૧ ગુના નોંધાયા હતા. આ જ સમયગાળા દરમિયાન અમદાવાદ શહેરમાં ૬૧૪ રેપ કેસ અને ૧૫ ગેંગ રેપ કેસ નોંધાયા હતા, જ્યારે જિલ્લામાં રેપના ૧૧૫ કેસ તો ગેંગ રેપનો એક કેસ નોંધાયો હતો.
સવાલનો જવાબ આપતા વિધાનસભામાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ મળીને રેપના ૭૨૯ કેસ જ્યારે ગેંગ રેપના ૧૬ કેસ સામે આવ્યા હતા. સુરતમાં ૫૦૮ રેપ અને પાંચ ગેંગ રેપ થયા હતા, વડોદરામાં ૧૮૩ રેપ અને ૪ ગેંગ રેપ કેસ થયા હતા. રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, રેપ કેસના ૨૦૩ આરોપીઓ ધરપકડથી હજી દૂર છે. સંબંધિત સવાલના જવાબમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ૨૦૨૦ મહિલાઓ સાથેના અત્યાચારના ૮,૦૨૮ કેસ નોંધાયા હતા.
કોંગ્રેસ પર નિશાન સાધતા હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ગુજરાતમાં મહિલાઓ સાથે થયેલા ગુનાઓના ૮ હજાર કેસની સામે મહારાષ્ટ્રમાં આવા ૩૧,૯૫૪ કેસ જ્યારે રાજસ્થાનમાં ૩૪,૫૩૫ કેસ નોંધાયા હતા, જ્યાં કોંગ્રેસની સરકાર છે.
રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં વર્ષ ૨૦૨૦માં બળાત્કારના ૨૬૧ કેસમાંથી ૧૩૦ કેસમાં મહિલાને લગ્નનું વચન આપવામાં આવ્યું હતું. ૨૦૨૧માં ૩૫૩ કેસમાંથી ૧૮૪ કેસમાં પણ લગ્નનું વચન આપવામાં આવ્યું હતું. ૨૦૨૦ અને ૨૦૨૧માં ૪૦ કેસ ગુનાહિત ધામધમકી સાથે સંકળાયેલા હતા.
રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં બળાત્કારના કેસના જે આંકડા આપવામાં આવ્યા છે તેના પરથી ગુજરાત મહિલાઓ માટે સુરક્ષિત હોવાના જે દાવા કરવામાં આવી રહ્યા છે, તે પોકળ સાબિત થયા હોય તેમ લાગે છે. માત્ર રેપ કેસ જ નહીં પરંતુ ઘરેલુ હિંસાના પણ નિયમિત અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાઈ રહ્યા છે.SSS