હવે કોઈપણ વાલી તેમના સંતાન માટે આંગળીના ટેરવે યોગ્ય પાત્ર શોધી શકશે
૭ર ચુંવાળ કડવા પાટીદાર પ્રગતિ મંડળે મોબાઈલ એપ બનાવી
પાટણ, પાટણ જીલ્લાના યાત્રાધામ વરાણા ખાતે આઈશ્રી ખોડીયાર માતાજીના સાંનિધ્યમાં ગઈકાલે રવીવારે સાંજે ૭ર ચુંવાળ કડવા પાટીદાર પ્રગતિ મંડળ અમદાવાદ દ્વારા સમાજના અધ્યક્ષ ઉધોગપતિ બળદેવભાઈ પટેલ દેવગઢના પ્રમુખ સ્થાને યુવા પરીચય ગ્રંથ પ્રતિનીધી સન્માન સમારોહ યોજાયો હતો.
જેમાં સમાજના પ્રમુખ રાજુભાઈ એલ.પટેલે ૭ર ચુંવાળ કડવા પાટીદાર પ્રગતિ મંડળ, અમદાવાદ દ્વારા બનાવવામાં આવેલી ૭ર વિવાહ નામની મોબાઈલ એપ્લીકેશન વિશે વાત કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણ વધવાની સાથે આજે દરેક સમાજમાં લગ્ન વ્યવસ્થા તૂટી રહી છે. કયાંક સમાજમાં ઉચ્ચ શિક્ષીત પાત્ર હોવા છતાં તેની જાણકારીના અભાવે તે સંબંધ શકય બનતો નથી. આવા સંજાેગોમાં યુવક અને યુવતીને યોગ્ય પાત્ર મળી રહે
અને આપણી સદીઓ જુની સામાજીક લગ્ન વ્યવસ્થા સચવાઈ રહે તેવા ઉદ્શથી રાજયમાં પ્રથમવાર ૭ર ચુંવાળ કડવા પાટીદાર પ્રગતી મંડળ અમદાવાદ દ્વારા ૭ર વિવાહ નામની મોબાઈલ એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમાજના ૮૯ ગામોના ૧૪ હજાર ૪૦૦ સભ્યો નોધાયેલા છે.
જે મહેસાણા કડી, કલોલ, બહુચરાજી સહીત સમગ્ર ઉત્તર ગુજરાત તેમજ અમદાવાદ, વડોદરા, સુરત અંકલેશ્વર, કચ્છ વગેરે જગ્યાએ ધંધા-રોજગાર અર્થે સ્થાયી થયેલા છે. ઘણીવાર એવું બને છે. કે, પૂરતી જાણકારીના અભાવે ઉચ્ચ શિક્ષીત યુવક કે યુવતીને સમાજમાંથી યોગ્ય પાત્ર ન મળતાં અન્યત્ર લગ્ન કરે છે.
આવું ન બને તે માટે અમે ૧૦૦પ યુવક અને યુવતીઓનો બાયોડેટા યોગ્ય પરીચય ગ્રંથ તૈયાર કર્યો છે. એન ૭ર વિવાહ નામની મોબાઈલ એપ્લીકેશન પણ તૈયાર કરી છે.