બાપુનગર સ્ટેડિયમ રોડ પર ભરાયેલાં ગંદા પાણીથી લોકો ત્રાહિમામ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/10/bapunagar1.jpeg-1024x576.jpg)
અમદાવાદ, શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને પ્લાસ્ટીક ફ્રી બનાવવાની ઝુંબેશ ચલાવાઈ રહી છે તેમજ અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા જાહેર રોડ પર અને જાહેર સ્થળો પર ગંદકી કરનારને દંડાઈ રહ્યા છે. કોર્પોરેશનની એક ખાસ ટીમ દુકાનની બહાર, બિલ્ડીંગ કન્સ્ટ્રકશનની સાઈટોની બહાર પડેલા કચરાના દંડ વસુલી રહી છે. પરંતુ વરસાદ બાદ રોડ પર ભરાઈ રહેલા પાણીને કારણે ગંદકી અને સફાઈ અંગે ધ્યાન આપવામાં આવતું નથી.
શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ બાદ પાણી ભરાયેલા છે, લીલ જામી ગઈ છે, કચરાના ઢગલા પડી રહેલા જોવા મળતા હોય છે. નાગરીકોની ફરિયાદો છતાં પણ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. આવી જ એક ફરિયાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા બાપુનગરમાં સ્ટેડિયમ રોડ પર કરવામાં આવી છે.
શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા સ્ટેડિયમ રોડ પર છેલ્લા ઘણા સમયથી રસ્તાની બંને બાજુ પાણી ભરાઈ જવાના કારણે ગંદકી જોવા મળી રહી છે. પાણી સતત ભરાઈ રહેતા હવે તેમાં લીલ પણ જામી ગઈ છે અને મચ્છરોનો પણ ઉપદ્રવ વધી ગયો છે આ અંગે વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી જેના પરિણામે સ્થાનિક નાગરિકોમાં રોગચાળો ફેલાવવાની દહેશત સેવાઈ રહી છે.