શિક્ષા વિભાગમાં કલાર્ક તરીકે નોકરી કરતા કર્મી પાસેથી કરોડોની સંપત્તિ મળી
ભોપાલ, ઉજ્જૈનમાં શિક્ષા વિભાગમાં કલાર્ક તરીકે નોકરી કરતા ધર્મેન્દ્ર ચૌહાણના ૩ સ્થળોએ આર્થિક અપરાધ શાખાના અધિકારીઓએ દરોડા પાડ્યા છે જેમાં કરોડો રૂપિયાની સંપત્તિ મળી આવી છે. અધિકારીઓએ કહ્યું હતું કે ધર્મેન્દ્ર ચૌહાણ પૂર્વ જિલ્લા પંચાયત અધ્યક્ષનો પીએ પણ રહી ચૂક્યો છે. દરોડામાં અધિકારીઓને કરોડોની જમીન, આલિશાન બંગલો, વૈભવી કાર, બેંક લોકર્સ એવું ઘણું બધું હાથ લાગ્યું છે.
જાણવા મળેલી વિગત મુજબ આર્થિક અપરાધ શાખાના અધિકારીઓએ માહિતીને આધારે ધર્મેન્દ્ર ચૌહાણના ૩ સ્થળો પર અલગ અલગ ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં તેના ૩ આલીશાન મકાન, બડનગરમાં આવેલા ઘરેડી ગામમાં કરોડો રૂપિયાની જમીન, ટ્રેકટર, થ્રેસર મશીન, લકઝરી કાર, બેંકમાં અનેક લોકર્સ અને ફિક્સ ડિપોઝીટ વગેરેનો રેકર્ડ મળ્યો છે.
એસપી દિલીપ સોનીએ વાતચીતમાં કહ્યું હતું કે ધર્મેન્દ્ર ચૌહાણ હાલમાં શિક્ષા વિભાગમાં કલાર્કની નોકરી છે તેના ઘરેથી ઘણી કિંમતી વસ્તુઓ મળી છે અને કાર્યવાહી હજુ ચાલું છે. તેની પાસે ઉજ્જૈનમાં બે મકાનો અને બડનગરમાં ગોડાઉન છે. તેની સામે આવક કરતા વધારે સંપતિનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
અધિકારીઓની તપાસમાં એ વાત સામે આવી કે ધર્મેન્દ્ર ચૌહાણે કરોડો રૂપિયાની જમીનો તેના સંબંધીઓના નામે લઇ રાખી હતી. વર્ષ ૨૦૦૫થી વર્ષ ૨૦૧૦ સુધી તે જિલ્લા પંચાયતના અધ્યક્ષનો પીએ હતો તે વખતે તેણે ઘણી સંપત્તિઓ ભેગી કરી લીધી હોવાનું માનવામાં આવી રહ્યું છે.જયારે ટીમે બડનગરના ઘુરેરી ગામમાં આવેલા ગોડાઉનમાં દરોડા પાડ્યા ત્યારે ટીમને મહત્ત્વના દસ્તાવેજાે હાથ લાગ્યા હતા.
ધર્મેન્દ્ર ચૌહાણ ૩૫ લાખ રૂપિયાથી વધારે રકમ વ્યાજ પર ફેરવી રહ્યો છે. ધર્મેન્દ્ર ચૌહાણની ૨૬ વર્ષની નોકરીમાં તેણે કુલ ૩૫ લાખ રૂપિયાનો પગાર મેળવ્યો છે તેની સામે તેની પાસેથી અધધધધ સંપત્તિ મળી આવી છે.HS