યુક્રેનથી પાછા ફરેલા કેટલાય વિદ્યાર્થીઓ માનસીક તણાવમાં
વડોદરા, છેલ્લા થોડા દિવસથી વિશાલ શાહ (નામ બદલ્યું છે) અડધી રાત્રે જાગી જાય છે, એકાએક ધબકારા વધી જાય છે અને એંગ્ઝાયટિ અટેક આવે છે. લગભગ ૧૦ દિવસ પહેલા મેડિકલ સ્ટુડન્ટ વિશાલ યુક્રેનથી વડોદરા પાછો ફર્યો હતો. ત્યારથી જ તે વ્યવસ્થિત ઊંઘ નથી લઈ શક્યો.
હજી પણ તેના કાનમાં બોમ્બ ધડાકા અને ગોળીબારીના અવાજ ગૂંજે છે, જે તેને ઊંઘવા નથી દેતા. છેવટે વિશાલે ડૉક્ટરની મદદ લેવાનું નક્કી કર્યું અને હાલ સાઈકિયાટ્રિસ્ટ પાસેથી કાઉન્સેલિંગ લઈ રહ્યો છે. વિશાલની જેમ જ કેટલાય ભારતીય વિદ્યાર્થીઓ છે જે યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી જીવ બચાવીને પાછા તો આવી ગયા પરંતુ ત્યાંના ભયાવહ દ્રશ્યો અને ડરે શાંતિ હણી લીધી છે.
શહેરના સાઈકિયાટ્રિસ્ટ ડૉ. યોગેશ પટેલે કહ્યું કે, છેલ્લા થોડા દિવસથી તેઓ યુક્રેનથી પાછા આવેલા ચાર વિદ્યાર્થીઓની સારવાર કરી રહ્યા છે. “આ યુવા વર્ગે પહેલીવાર હિંસા અને યુદ્ધને આટલા નજીકથી જાેયા છે. એટલે તેઓ ઊંડા આઘાતમાં છે. ચારમાંથી ત્રણ વિદ્યાર્થીઓ પોસ્ટ-ટ્રોમેટિક ડિસઓર્ડરથી પીડાઈ રહ્યા છે. તેમને એંગ્ઝાયટિ અટેક આવે છે અને અનિંદ્રાનો ભોગ બન્યા છે.
કાઉન્સિલિંગ દરમિયાન તેમણે જણાવ્યું કે, યુક્રેનથી જીવ બચાવીને ભાગ્યા ત્યારે કેટલી દહેશતમાં હતા”, તેમ ડૉ. પટેલે જણાવ્યું. શહેરના વધુ એક મનોચિકિત્સક ડૉ. ગૌતમ અમીન પાસે યુક્રેનથી વતન પરત ફરેલા ત્રણ મેડિકલ સ્ટુડન્ટ્સ સારવાર લઈ રહ્યા છે. ડૉ. અમીને કહ્યું, “એક વિદ્યાર્થી યુક્રેન બોર્ડર ક્રોસ કરવા માટે ૬૦ કિલોમીટર સુધી ચાલ્યો હતો અને તણાવની સ્થિતિમાં તેણે કલાકો કાઢ્યા હતા.
જ્યાં તેણે ધ્રૂજાવી નાખતાં દ્રશ્યો જાેયા હતા. એટલું જ નહીં પાણી અને ખોરાકની તંગી સામે પણ ઝઝૂમ્યો હતો. ડૉ. અમીનના કહેવા અનુસાર તેમનો એક દર્દી સ્ટ્રેસના કારણે એનોરેક્ઝિયા (અપચો)થી પીડાય છે. આ વિદ્યાર્થીઓ પોતાના ઘરના સુરક્ષિત વાતાવરણમાં આવી ગયા છે પરંતુ તેમને ઓછા-વત્તા અંશે પોતાના ભવિષ્યની ચિંતા સતાવી રહી છે.
મોટાભાગના વિદ્યાર્થીઓ મેડિકલ ડિગ્રી મેળવવાની અણીએ હતા પરંતુ હવે યુદ્ધના કારણે તેમનું ભવિષ્ય અદ્ધરતાલ છે, તેમ ડૉ. અમીને ઉમેર્યુ. સમયસર ડિગ્રી મળશે કે નહીં તેની ચિંતા વિદ્યાર્થીઓને સતાવી રહી છે. ઉપરાંત તેમને ભણાવવા માતાપિતાએ કરેલા ખર્ચનું પણ ટેન્શન છે. આ જ કારણોસર તેઓ તણાવમાં રહે છે”, તેમ ડૉ. અમીને વાત પૂરી કરતાં કહ્યું.SSS