Western Times News

Gujarati News

૧૩ કરોડ ખેડૂતોનાં ખાતામાં કેન્દ્ર સરકારે કોઈપણ વચેટિયા વિના 6000 રૂ. દર વર્ષે આપ્યા

200 લિટરના દૂધ સંગ્રહથી શરૂ થયેલ સુમુલની આ યાત્રા આજે 20 લાખ લીટર દૂધ ઉત્પાદન સુધી પહોંચી છે.

આજે 13 માર્ચના રોજ કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહનના અધ્યક્ષસ્થાને અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજીની પ્રેરક ઉપસ્થિતિમાં બાજીપુરા જી.તાપી ખાતે આઝાદીનાં ૭૫ વર્ષ નિમિત્તે “સહકાર સે સમૃદ્ધિ સંમેલન” અને સુપોષણ અભિયાન કાર્યક્રમ યોજાઈ ગયો

ફોર્ટિફાઇડ ચક્કી આટા, બટર કોલ્ડ સ્ટોરેજ તથા વિભિન્ન પ્રકલ્પોનું લોકાર્પણ અને વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર દૂધ ઉત્પાદકો અને પશુપાલકોનું સન્માન શ્રી અમિતભાઇ શાહના વરદ હસ્તે કરવામાં આવ્યું

પહેલાં સહકારી ક્ષેત્ર પ્રત્યે ઓરમાયું વર્તન કરવામાં આવતું હતું પરંતુ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સહકાર મંત્રાલયની સ્થાપના કરીને સહકારી આંદોલનને સક્ષમ અને મજબૂત બનાવવાનું કાર્ય કર્યું. – શ્રી અમિતભાઇ શાહ

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૫ ટ્રિલિયન ડોલરની ઇકોનોમીના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં સૌથી મોટું યોગદાન સહકારી ક્ષેત્રનું રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા શ્રી અમિતભાઇ શાહ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી 2014માં સતાના સૂત્રો સંભાળ્યા ત્યારથી ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક રાખ્યો,આજે દેશના ૧૩ કરોડ ખેડૂતોનાં ખાતામાં કોઈપણ વચેટિયા વિના રૂ. ૬ હજાર પ્રતિ વર્ષ કેન્દ્રની ભાજપા સરકાર આપી રહી છે. – શ્રી અમિતભાઇ શાહ
———-
સુગર મિલો સંબધિત ૮ હજાર કરોડની લાયેબિલીટી અને ઇન્કમટેક્સની સમસ્યાઓ માટે સહકારી આગેવાનો ૪૦ વર્ષથી લડાઇ લડી રહ્યા હતા તેને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તુરંત જ સમાપ્ત કરી – શ્રી અમિતભાઇ શાહ
———–
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાનથી મહામહિમ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી એ પ્રાકૃતિક ખેતી માટે અભિયાન આદર્યું છે. – શ્રી અમિતભાઇ શાહ
———–
સહકારી આંદોલન થકી સહકારી ક્ષેત્રની મજબૂતાઈ પ્રસ્થાપિત કરવાનું પણ આ વર્ષ છે, આ પ્રયાસોના માધ્યમથી દેશના લાખો કરોડો લોકોને પણ ફાયદો થશે. દેશના ખેડૂતો, ગરીબો, માતાઓ, બહેનો અને દીકરીઓ પણ મજબૂત થશે. – શ્રી અમિતભાઇ શાહ


આજે દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોને પગભર બનાવવામાં સુગર મિલોએ ચાવીરૂપ ભૂમિકા ભજવી છે, તેટલા માટે જ રાજ્યની ભાજપ સરકારે ખાનગી સુગર મિલોને મંજૂરી આપી નથી. – શ્રી અમિતભાઇ શાહ
———-
18 થી 20 હજાર જેટલી આંગણવાડીઓમાં બાળકોને કુપોષણ મુક્ત કરીને સુમુલે સહકારી ભાવનાનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું છે. – શ્રી અમિતભાઇ શાહ
————
પ્રાકૃતિક ખેતી જ આપણા સૌનું લક્ષ્ય હોવું જોઈએ. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેની ખેત પેદાશોના ઉત્તમ ભાવ મળે તે માટે અમૂલ દ્વારા મિકેનીઝમ પણ શરૂ કરવામાં આવ્યું છે. – શ્રી અમિતભાઇ શાહ


————
પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ધરતીની સાથે પર્યાવરણની પણ રક્ષા થશે, કિશાનોની સમૃદ્ધિ વધશે અને દેશના ૧૩૫ કરોડ લોકોના સ્વાસ્થયમાં સુધારો થાય તે જવાબદારી અન્નદાતા ખેડૂતોની – શ્રી અમિતભાઇ શાહ
———–
રસાયણ મુક્ત અનાજ, શાકભાજી અને ફળફળાદિના ઉત્પાદન દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના સમૃદ્ધ અને સ્વસ્થ ભારત નિર્માણનું સ્વપન સાકાર થશે. – શ્રી અમિતભાઇ શાહ
———-
પદ્મશ્રી રમીલાબેન સહિત આદર્શ મહિલા પશુપાલકો, બીજદાન માટે વૈજ્ઞાનિક ઢબે સિદ્ધિ મેળવનારા દૂધ ઉત્પાદકોને અભિનંદન પાઠવતા શ્રી અમિતભાઇ શાહ
———-
જૈવિક ઉર્વરક, ન્યુટ્રીમિલ્ક ફીડ જેવા પ્રકલ્પો રેકોર્ડ બ્રેક રીતે આગળ વધે તે માટે સુમુલને શુભકામનાઓ અને સહભાગી એવા તમામ પશુપાલકો, દૂધ ઉત્પાદકોને અભિનંદન પાઠવતા શ્રી અમિતભાઇ શાહ


———-
ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે 13 માર્ચના રોજ કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજીની પ્રેરક ઉપસ્થિતિમાં બાજીપુરા જી.તાપી ખાતે આઝાદીનાં ૭૫ વર્ષ નિમિત્તે “સહકાર સે સમૃદ્ધિ સંમેલન” અને સુપોષણ અભિયાન કાર્યક્રમ યોજાઈ ગયો હતો. આ કાર્યક્રમમાં ફોર્ટિફાઇડ ચક્કી આટા, બટર કોલ્ડ સ્ટોરેજ તથા વિભિન્ન પ્રકલ્પોનું લોકાર્પણ અને વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર દૂધ ઉત્પાદકો અને પશુપાલકોનું સન્માન શ્રી અમિતભાઇ શાહના વરદ હસ્તે કરવામાં આવ્યા હતા.
શ્રી અમિતભાઇ શાહે તેમના સંબોધનમાં કહ્યું હતું કે આ ઐતિહાસિક સહકાર સંમેલનમાં વિશાળ સંખ્યાની ઉપસ્થિતિ અને લોકોની સહભાગિતા ગુજરાતના સહકારી માળખાની મજબૂતાઈ દર્શાવે છે. તેઓએ કહ્યું હતું કે આ વર્ષ દેશની આઝાદીનો અમૃત મહોત્સવ વર્ષ છે કોઈ પણ દેશ માટે આઝાદી ના ૭૫ વર્ષ આગવું મહત્વ ધરાવતા હોય છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સમગ્ર વિશ્વમાં ખ્યાતિ ધરાવે છે અને તેઓએ પ્રત્યેક આયામને અલગ દ્રષ્ટિકોણથી નિહાળ્યા છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષને દેશને આઝાદી અપાવનાર તમામ નામી -અનામી શહીદો અને પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનારને યાદ કરવા માટેનું વર્ષ ગણાવ્યું છે. આ બલિદાનોઓની વીરતા, ત્યાગ અને સમર્પણથી યુવાપેઢી અવગત બને અને તેમાંથી પ્રેરણા લે તે અભિગમ સાથે આ વર્ષ સંકલ્પ વર્ષ તરીકે ઉજવવાનું આહવાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યું છે.
શ્રી શાહે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશની રક્ષા, અર્થતંત્રને ગતિ વિદેશ નીતિ, દેશને વૈશ્વિક ખ્યાતિ અને શિક્ષણ નીતિમાં આમૂલ પરિવર્તન, લઘુ ઉદ્યોગોને સમૃદ્ધ કરી નાગરિકોને સમૃદ્ધ બનાવવા, સ્ટાર્ટઅપના માધ્યમથી યુવાઓને સ્થાપિત કરવા આ દરેક ક્ષેત્રમાં સંકલ્પબદ્ધ થવા માટેનું આ વર્ષ સુનિશ્વિત કર્યું છે. દેશની આઝાદીના ૧૦૦ વર્ષ પૂર્ણ થશે ત્યારે સહકારી આંદોલન થકી સહકારી ક્ષેત્રની મજબૂતાઈ પ્રસ્થાપિત કરવાનું પણ આ વર્ષ છે. સહકારી ક્ષેત્રના મજબૂતાઈ માટેના આ પ્રયાસોના માધ્યમથી દેશના લાખો કરોડો લોકોને પણ ફાયદો થશે. સહકારી ક્ષેત્ર મજબૂત થશે એટલે દેશના ખેડૂતો, ગરીબો, માતાઓ, બહેનો અને દીકરીઓ પણ મજબૂત થશે.
શ્રી શાહે જણાવ્યું હતું કે ૭૧ વર્ષ પહેલા 200 લિટરના દૂધ સંગ્રહ થી શરૂ થયેલ સુમુલની આ યાત્રા આજે 20 લાખ લીટર દૂધ ઉત્પાદન સુધી પહોંચી છે. આ યાત્રામાં સુમુલ સાથે જોડાયેલા આદિવાસી અને ખેડૂત ભાઈઓ બહેનોનો પુરુષાર્થ સમાયેલો છે. આજે સુમુલ દ્વારા પ્રતિદિન સાત કરોડ રૂપિયાના મૂલ્યનું દૂધનું વેચાણ અને અઢી લાખ જેટલા સભાસદોના બેંક એકાઉન્ટમાં આ સાત કરોડ સીધા જ જમા થાય છે. સહકારી આંદોલન અને સંઘ ભાવનાનો અને અમૂલના તત્વાધનમાં શ્રી ત્રિભોવનભાઈ પટેલના પ્રયાસથી ઊભી થયેલી સહકારી વ્યવસ્થાનો આ ચમત્કાર છે.
શ્રી શાહે આગામી પાંચ વર્ષમાં ૨૫ લાખ લીટર દૂધ ઉત્પાદન સુધી પહોંચવાના લક્ષ્યાંક માટે સુમુલને શુભકામનાઓ પાઠવી જણાવ્યું હતું કે સુમુલનું આ લક્ષ્ય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘આત્મ નિર્ભર ભારત ‘ ના સંકલ્પને અનન્ય બળ પૂરું પાડશે. આઝાદીના ૭૫ માં વર્ષે દેશના સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલાં અસંખ્ય લોકોના જીવન ધોરણમાં સકારાત્મક પરિવર્તન માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સહકાર મંત્રાલયની સ્થાપના કરી છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી 2014માં સતાના સૂત્રો સંભાળ્યા ત્યારથી ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આજે દેશના ૧૩ કરોડ ખેડૂતોનાં ખાતામાં કોઈપણ વચેટિયા વિના રૂ. ૬ હજાર પ્રતિ વર્ષ કેન્દ્રની ભાજપા સરકાર આપી રહી છે. સહકાર મંત્રાલયની આ રચનાથી દેશની અનેક ખેતીવાડી , દૂધ, મત્સ્ય, કામદાર, ઔદ્યોગિક અને સહકારી ક્ષેત્રની અન્ય તમામ સંસ્થાઓને ખૂબ જ તાકાત મળશે. કેન્દ્રમાં ભાજપાના શાસન પહેલાં સહકારી ક્ષેત્ર પ્રત્યે ઓરમાયું વર્તન કરવામાં આવતું હતું પરંતુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સહકાર મંત્રાલયની સ્થાપના કરીને સહકારી આંદોલનને સક્ષમ અને મજબૂત બનાવવાનું કાર્ય કર્યું છે. આ પ્રયાસ બદલ શ્રી શાહે સહકારી ક્ષેત્ર વતી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને આભાર સહ અભિનંદન પાઠવ્યા હતા.
શ્રી શાહે સહકારી ક્ષેત્રમાં શ્રી ત્રિભોવનભાઇ શ્રી સરદાર પટેલ, શ્રી ભાઈકાકા અને શ્રી વૈકુંઠ મહેતાના યોગદાનને યાદ કરતા જણાવ્યું હતું કે અમૂલ આજે વૈશ્વિક બ્રાન્ડ અને ૫૩ હજાર કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી બ્રાન્ડ બની છે, તે સહકારી ક્ષેત્રની મજબૂતાઈ દર્શાવે છે. આજે દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોને પગભર બનાવવામાં સુગર મિલોએ ચાવીરૂપ ભૂમિકા ભજવી છે, તેટલા માટે જ રાજ્યની ભાજપ સરકારે ખાનગી સુગર મિલોને મંજૂરી આપી નથી. આ સુગર મિલોની સહકારી વ્યવસ્થાનો આજે અનેક પરિવારોને સીધો લાભ મળી રહ્યો છે. તેઓએ ગૌરવભેર કહ્યું હતું કે સમગ્ર દેશમાં સૌથી ઉત્તમ સુગર મિલો ગુજરાતમાં આવેલી છે. તેઓએ કહ્યું કે સુગર મિલો સંબધિત ૮ હજાર કરોડની લાયેબિલીટી અને ઇન્કમટેક્સની સમસ્યાઓ માટે સહકારી આગેવાનો ૪૦ વર્ષથી લડાઇ લડી રહ્યા હતા તેને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તુરંત જ સમાપ્ત કરી છે. સાથે સાથે કોર્પોરેટ કંપનીઓની સરખામણીએ સહકારી સંસ્થાઓના ટેક્ષને એટ પાર મૂકવાનું કાર્ય પણ શ્રી મોદીજીએ કર્યું છે. આગામી દિવસોમાં ખેતીવાડી મંડળીઓને કોમ્પ્યુટરાઈઝ કરી સોફ્ટવેરથી સુસજજ કરવાનું પણ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નક્કી કર્યું છે. શ્રી મોદીજીએ માળખાકીય સુવિધાઓના વિકાસ માટે સહકારી વિભાગમાં ૯૦૦ કરોડના બજેટની ફાળવણી કરી છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૫ ટ્રિલિયન ડોલરની ઇકોનોમીના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં સૌથી મોટું યોગદાન સહકારી ક્ષેત્રનું રહેશે તેવો વિશ્વાસ શ્રી શાહે વ્યક્ત કર્યો હતો.
શ્રી શાહે કુપોષણ માટે આદરેલી લડાઇ માટે સુમુલ ને અભિનંદન આપતા જણાવ્યું હતું કે 18 થી 20 હજાર જેટલી આંગણવાડીઓમાં બાળકોને કુપોષણ મુક્ત કરીને સુમુલે સહકારી ભાવનાનું જ્વલંત ઉદાહરણ પૂરું પાડ્યું છે. આત્મનિર્ભર ગામ આત્મ નિર્ભર રાજ્ય થી આત્મ નિર્ભર દેશના ધ્યેયને ચરિતાર્થ કરવામાં ડેરીનું ખુબ યોગદાન રહેલું છે.
શ્રી શાહે ઉમેર્યું હતું કે કૃષિ ક્ષેત્રે રસાયણોના ઉપયોગથી જમીનોની ફળદ્રુપતા ઘટી રહી છે. અળસિયા નામશેષ થઈ રહ્યા છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાનથી મહામહિમ રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજી એ પ્રાકૃતિક ખેતી માટે અભિયાન આદર્યું છે. રાજ્યની ભાજપા સરકારે પણ ગાય દ્વારા પ્રાકૃતિક ખેતી પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકી છે. પ્રાકૃતિક ખેતી ન કેવળ જમીન શુદ્ધ કરશે અપિતુ નાગરિકોના સ્વાસ્થય સુધારવામાં પણ ઉત્તમ યોગદાન આપશે. કૃષિક્ષેત્રે રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટે, કૃષિ ઉપજ વધે, પાણીની જરૂરિયાત ઓછી થાય અને ખેડૂતોની સમૃદ્ધિ વધે, આ ચારેય બાબતોનો સમન્વય એટલે ‘પ્રાકૃતિક ખેતી’. આજે દેશભરના વૈજ્ઞાનિકોએ પ્રમાણિત કર્યું છે કે, પ્રાકૃતિક ખેતીથી આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક તત્વો ખેતપેદાશોમાં આવતા અટકે છે, ઉપજ વધુ સ્વાસ્થ્યપ્રદ બને છે.
શ્રી શાહે સૌને અપીલ કરતા કહ્યું હતું કે પ્રાકૃતિક ખેતી જ આપણા સૌનું લક્ષ્ય હોવું જોઈએ. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેની ખેત પેદાશોના ઉત્તમ ભાવ મળે તે માટે અમૂલ દ્વારા મિકેનીઝમ પણ શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રાકૃતિક ઉત્પાદનો દેશ અને વિશ્વમાં સારા ભાવથી વેચવા માટે તેની વિશ્વસનીયતા અને વૈજ્ઞાનિક ચકાસણી જરૂરી છે. આ માટે પ્રયોગશાળાઓ અને વૈજ્ઞાનિક ચેઇન ઉભી કરવાની પહેલ અમુલે કરી છે. આગામી દિવસોમાં પ્રાકૃતિક ખેત ઉત્પાદનોના સારા ભાવ મળે તે સુનિશ્ચિત કરવા હેતુ એક સુદઢ પ્રણાલી પ્રસ્થાપિત થશે તેઓ વિશ્વાસ સાથે વ્યક્ત કર્યો હતો. તેઓએ ઉપસ્થિત સૌને પ્રાકૃતિક ખેતીના અભ્યાસ અને અનુસરવા માટે આહવાન કર્યું હતું. પ્રાકૃતિક ખેતી ના માધ્યમથી ધરતીની સાથે પર્યાવરણની પણ રક્ષા થશે, કિશાનોની સમૃદ્ધિ વધશે અને દેશના ૧૩૫ કરોડ લોકોના સ્વાસ્થયમાં સુધારો થાય તે જવાબદારી અન્નદાતા ખેડૂતોની છે. રસાયણ મુક્ત અનાજ, શાકભાજી અને ફળફળાદિના ઉત્પાદન દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના સમૃદ્ધ અને સ્વસ્થ ભારત નિર્માણનું સ્વપન સાકાર થશે.
શ્રી શાહે આ કાર્યક્રમમાં પદ્મશ્રી રમીલાબેન સહિત આદર્શ મહિલા પશુપાલકો, બીજદાન માટે વૈજ્ઞાનિક ઢબે સિદ્ધિ મેળવનારા દૂધ ઉત્પાદકોને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું હતું કે ઈરાદાઓ મજબૂત હોય તો મોટામાં મોટું કામ પણ થઈ શકે છે. અત્રે સન્માનિત તમામ વ્યક્તિઓએ પોતાના ક્ષેત્રમાં આગવી સિદ્ધિ મેળવી છે. તેઓએ સુમુલ દ્વારા શરૂ કરવામાં આવેલ ફોર્ટિફાઇડ આટા, જૈવિક ઉર્વરક, ન્યુટ્રીમિલ્ક ફીડ જેવા પ્રકલ્પો રેકોર્ડ બ્રેક રીતે આગળ વધે તે માટે શુભકામનાઓ અને સહભાગી એવા તમામ પશુપાલકો, દૂધ ઉત્પાદકોને અભિનંદન પાઠવ્યા હતા.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ શ્રી કનુભાઇ દેસાઇ, શ્રી પૂર્ણેશભાઈ મોદી, શ્રી જગદીશભાઈ પંચાલ, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી હર્ષભાઈ સંઘવી, શ્રી જીતુભાઈ ચૌધરી, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ,ભાજપ પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદીપસિંહ વાઘેલા, બનાસ ડેરીના ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરી, અમૂલના ચેરમેનશ્રી શામળભાઇ પટેલ સહિત સહકારી બેંકના ડિરેક્ટરશ્રીઓ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, સ્થાનિક ભાજપા સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને વિશાળ સંખ્યામાં દૂધ ઉત્પાદકો – સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ. બિમલ જોષી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.