Western Times News

Gujarati News

શૂઝના જથ્થાની આડમાં છુપાવીને લાવેલા ૩૧.૯૪ લાખના દારૂને ક્રાઇમ બ્રાંચે ઝડપ્યો

પ્રતિકાત્મક

(એજન્સી) અમદાવાદ, રાજ્યમાં દારૂબંધી માત્ર નામની અને કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અમદાવાદ સહિત ગુજરાતના કોઇ પણ શહેરમાં અને ગામડામાં જાેઇએ તે બ્રાન્ડનો દારૂ આસાનીથી મળી જાય છે. દારૂબંધી હોવા છતાંય આસાનીથી દારૂ મળી જાય છે તેની પાછળની સૌથી મોટું કારણ પોલીસની ભ્રષ્ટનીતિ છે.

રૂપિયાથી ખિસ્સુ ગરમ કરવાની લાયમાં પોલીસ અધિકારીઓથી લઇને કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીની રહેમનજર હેઠળ બુટલેગર્સ દારૂના અડ્ડા ધમધમાવે છે. પોલીસ ધારે તે કરી શકે છે, જેનો પુરાવો મોડી રાતે સામે આવ્યો, જેમાં ક્રાઇમ બ્રાંચ ૩૧.૯૪ લાખ રૂપિયાનો દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડીને પ્રશંસનીય કામગીરી કરી છે. બૂટના જથ્થાની આડમાં બે શખ્સો લાખો રૂપિયાનો દારૂ ભરીને હરિયાણાથી લાવી રહ્યા હતા, જેનો પર્દાફાશ ક્રાઇમ બ્રાંચની ટીમે કરતા બે ખેપિયાની ધરપકડ કરી છે.

ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે લાખો રૂપિયાનો દારૂ ભરીને પંજાબ પાસિંગની ટ્રક અમદાવાદ રિંગરોડ પરથી પસાર થવાની છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમ ઓઢવ રિંગરોડ તરફ ગોઠવાઇ ગઇ હતી તે દરમિયાન પંજાબ પાસિંગની ટ્રક રિંગરોડ પરથી પસાર થતા ક્રાઇમ બ્રાંચની ટીમે તેને રોકી હતી અને ચાલાક તેમજ ક્લીનરની અટકાયત કરી લીધી હતી.

ટ્રકમાં રહેલી ચીજવસ્તુઓની તપાસ કરતા તેમાં વ્હાઇટ કલરના કંતાનમાં બોક્સ હતા, જેને ખોલીને જાેતા તેમાંથી બૂટ મળી આવ્યા હતા. અનેક કંતાન ખોલીને જાેતા તેમાં બૂટ હતા, જેથી ક્રાઇમ બ્રાંચની બાતમી ખોટી હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ પુરવાર થતુ હતું.

ચાલક અને ક્લીનરે જવા દેવા માટે ક્રાઇમ બ્રાંચને આજીજી કરી હતી પરંતુ પાકી બાતમી હોવાના કારણે વ્હાઇટ કલરના કંતાનમાં રહેલા તમામ બોક્સ હટાવી દીધા હતા.

બોક્સ હટાવી દેતાની સાથે જ ક્રાઇમ બ્રાંચની બાતમી સાચી પુરવાર થઇ હતી અને લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ક્રાઇમ બ્રાંચે ધરમપાલ ઉર્ફે પાલુ પ્રેમસિંહ તેમજ મનજિત ચમારની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી હતી. ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની કુલ ૫૭૭ દારૂની પેટીઓ મળી આવી છે, જેની કિંમત ૩૧.૯૪ લાખ રૂપિયા થાય છે.

ક્રાઇમ બ્રાંચે ૩૧.૪૧ લાખનો દારૂ, એક લાખ રૂપિયાના બૂટ તેમજ ૧૫ લાખ રૂપિયામાં ટ્રક સહિત ૪૭.૯૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બંને જણાની પૂછપરછમાં તેમણે કબૂલાત કરી હતી કે દિલ્હીની રાજુ અને સોના નામની વ્યક્તિઓએ દારૂ ભરેલી ટ્રક આપી હતી અને ઓઢવ રિંગ રોડ ઉતારવાનું કહ્યું હતું. બંને જણાએ ડ્રાઇવર ધરમપાલ સાથે વોટ્‌સએપ કોલથી વાતચીત કરી હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદમાં દારૂનો જથ્થો કોને આપવાનો હતો તે મામલે ક્રાઇમ બ્રાંચની ટીમે તપાસ શરૂ કરી છે, જ્યારે દિલ્હીના રાજુ અને સોનુને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે.

રાજસ્થાનથી દારૂની ૨૪ બોટલ લઇને આવેલો યુવકો ઝડપાયો ઃ રાજસ્થાનથી દારૂની બોટલ લાવીને અમદાવાદમાં નિયમિત ગ્રાહકોને વેચતા યુવકની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. વસ્ત્રાલની નિરાંત ચોકડી પાસે ક્રાઇમ બ્રાંચે યુવકની બાતમીના આધારે ધરપકડ કરી છે, જેની કારમાંથી દારૂની ૨૪ બોટલો મળી આવી છે. રાજસ્થાન ઠેકા પરથી દારૂ લાવીને યુવક અમદાવાદમાં વેચતો હતો.

દારૂના કેસ કરવા માટે ક્રાઇમ બ્રાંચની ટીમે તેમના બાતમીદારને સક્રિય કર્યા છે ત્યારે ગઇકાલે તેમને બાતમી મળી હતી કે વસ્ત્રાલની નિરાંત ચોકડી પાસે એક યુવક કારમાં દારૂનો જથ્થો લઇને રાજસ્થાનથી આવી રહ્યો છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમ વોચમાં હતી ત્યારે એક કારચાલક ત્યાંથી પસાર થયો હતો. ક્રાઇમ બ્રાંચને શંકા જતા કારને કોર્ડન કરી લીધી હતી તો તેમાંથી વિદેશી દારૂની ૨૪ બોટલ મળી આવી હતી.

ક્રાઇમ બ્રાંચે ચાલક વિરમારામ જાટની ધરપકડ કરી હતી, જેની પૂછપરછમાં એવો ખુલાસો થયો હતો કે રાજસ્થાનથી દારૂનો જથ્થો લાવ્યો હતો. વિરમારામ તેના રેગ્યુલર કસ્ટમરને દારૂની બોટલ આપીને પોતાનું ગુજરાન ચલાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.