સુરતમાં લિવ ઈનમાં રહેતી મહિલા ના પ્રેમીએ ગળું કાપી હત્યા કરી
સુરત, સુરતના કાપોદ્રામાં લિવ ઈનમાં રહેતી મહિલાના ઘરમાં અજાણ્યા શખ્સે ઘૂસીને મહિલાના ગળાના ભાગે ઘા ઝીંકી નાસી ગયો હોવાનો બનાવ સામે આવ્યો હતો. જાેકે, આ હત્યા લિવ ઈનમાં રહેતા પ્રેમીએ જ કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
હત્યા સમયે તેની ૧ વર્ષની દીકરી સાથે હતી. ગળાના ભાગે એક જ ઘામાં મહિલાને મોતને ઘાટ ઉતારી હતી. હાલ પોલીસે મૃતક મહિલાના પ્રેમીની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, મહિલાની ગળું કાપી હત્યા કરી પ્રેમી દુકાને ભાગી ગયો હતો.
કાપોદ્રામાં સમ્રાટ સોસાયટી પાસે ગૌતમ પાર્કમાં પ્રકાશ રણછોડ પટેલ રહે છે. પત્ની આશા છેલ્લા સાડા ત્રણ વર્ષથી અલગ રહે છે. ડિવોર્સ માટે તેમનો કેસ હજી ચાલી રહ્યો છે. બીજી તરફ છેલ્લા ત્રણેક વર્ષથી પ્રકાશ સ્નેહલતા (૩૦ વર્ષ) સાથે ગૌતમ પાર્કમાં રહે છે.
બંને પતિ-પત્નીની જેમ રહેતા હતા. સ્નેહલતા મૂળ નેપાળી છે. તેમને સંતાનમાં એક વર્ષની દીકરી પણ છે. પ્રકાશ ઝેરોક્ષ મશીનના રીપેરીંગ અને સ્પેરપાર્ટનું કામ કરે છે.
પ્રકાશ રોજ સવારે ટિફિન લઈને ઘરેથી દુકાને નીકળે છે. રોજ બપોરે સ્નેહલતા સાથે વીડિયો કોલ પર વાત કરે છે. ક્યારેક સ્નેહલતા પ્રકાશને ફોન કરતી ક્યારેક પ્રકાશ સ્નેહલતાને ફોન કરતો હતો. ગતરોજ મંગળવારે સ્નેહલતાનો ફોન નહીં આવતા પ્રકાશે સ્નેહલતાને ફોન કર્યો હતો પણ ફોન બંધ બતાવતો હતો. તેથી પ્રકાશે પડોશીને ફોન કરીને સ્નેહલતાનો ફોન શા માટે બંધ આવે છે તેની તપાસ કરવા કહ્યું હતું. પડોશીએ ઘરે જઈ તપાસ કરતા તે ચોંકી ગયા હતા. સ્નેહલતા લોહીના ખાબોચિયામાં પડેલી હતી. તેથી પ્રકાશને જાણ કરી હતી.
પ્રકાશ તત્કાલિક ઘરે આવી ગયો હતો. પોલીસે તપાસ કરતા લિવ ઈનમાં રહેતો પ્રકાશ જ શંકાના દાયરામાં આવ્યો હતો. પ્રકાશે જ હત્યા કરી જુઠ્ઠાણું ફેલાવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે સ્નેહલતાની હત્યામાં પ્રકાશની અટકાયત કરી વધુ પૂછપરછ કરી રહી છે.
સજ્જનસિંહ પરમાર (ડીસીપી ઝોન-૧)એ જણાવ્યું હતું કે, લિવ ઈનમાં રહેતા પ્રેમીએ જ હત્યા કરી હોવાની કબૂલાત આપી છે. જે હથિયારથી મહિલાની હત્યા કરી હતી તે ક્યાં ફેક્યું છે તેની પણ માહિતી આપી છે. વધુ તપાસ ચાલી રહી છે. મહિલા મૂળ નેપાળની છે.
મહિલા છેલ્લે મુંબઈ રહેતી હતી ત્યારે પ્રકાશના સંપર્કમાં આપી હતી. મૃતક મહિલા સ્નેહલતા છેલ્લા ત્રણ વર્ષથી હત્યાના આરોપી પ્રકાશ સાથે રહેતી હતી. સ્નેહલતા પ્રકાશને કહેતી હતી કે, તમે જે સંપત્તિ ખરીદ્યો છો તે મારા નામ પર ખરીદવાની. દરમિયાન જમીનના રૂપિયા આવ્યા તેમાંથી મુંબઈમાં સ્નેહલતાના નામે એક ઘર પણ લીધું હતું. જ્યારે સુરતમાં હાલ જે ઘરમાં રહે છે તે પણ સ્નેહલતાના નામે છે.
જાેકે, સ્નેહલતાની માગણીઓ વધી જતા ઝઘડાઓ ચાલતા હતા. જેથી પ્રકાશે સ્નેહલતાની હત્યા કરી હોવાની કબૂલાત આપી છે.મૃતક મહિલા સ્નેહલતા અને પ્રેમી પ્રકાશની એક વર્ષની દીકરી છે. જેનો આગામી ૧૯ માર્ચના રોજ પહેલો જન્મ દિવસ છે. જે પહેલા જ પ્રકાશે સ્નેહલતાની હત્યા કરી નાખી છે. જેથી એક વર્ષની દીકરી નોધારી થઈ ગઈ છે.
કોરોનાકાળ પહેલા સ્નેહલતા મુંબઈમાં આવેલ જય અંબે નામની કંપનીમાં કામ કરતી હતી. આ કંપની ઝેરોક્ષ માટેના પ્રિન્ટિંગ કાગળો સપ્લાય કરવાનું કામ કરે છે અને તે દરમિયાન પ્રકાશ આ કંપનીને ઓર્ડર આપતા બંને સંપર્કમાં આવ્યા હતા. બંને વચ્ચે ત્યારે મિત્રતા થઇ હતી અને આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી.HS