મજૂરીકામ કરતાં શ્રમિકો પરત પોતાના માદરે વતન પંચમહાલ જિલ્લામાં ફરી રહ્યા છે
આંબળી અગિયારશના ભાતીગળ મેળા સાથે હોળી પર્વની ઉજવણીનો પ્રારંભ
ગોધરા, પંચમહાલ જિલ્લામાં આંબળી અગિયારશના ભાતીગળ મેળા સાથે હોળી પર્વની ઉજવણીનો પ્રારંભ થયો છે . જિલ્લાના ગ્રામ વિસ્તારમાં હોળી પર્વનું ખૂબ જ મહત્વ છે જેથી વર્ષ દરમિયાન બહારગામ મજૂરીકામ માટે જતાં શ્રમિકો પરત પોતાના માદરે વતન ફરી રહ્યા છે .
જેને લઈ એસટી બસ અને ખાનગી વાહનોમાં મુફસારો ની ભીડ હાલ જાેવા મળી રહી છે . ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય વિસ્તારોમાં એક કહેવત છે કે દિવાળી અઠે કઠે પણ હોળી અને ધૂળેટી તો ઘેર જ કરાઈ. પંચમહાલ જિલ્લાના ઓરવાડા , મોરા અને પરોલી, ટુવા ખાતે અગિયારશના મેળા યોજાયા હતા .
કોરોનાકાળમાં ફિકા પડી ગયેલા ઉત્સવોના રંગ આ વર્ષે પુરબહાર ખીલી ઉઠ્યા હોય એવા દ્રશ્યો અત્યારથી જ જાેવા મળી રહ્યા છે . કોરોનાકાળમાં સતત બે વર્ષ સુધી ઉત્સવોની ઉજવણી ફીક્કી પડી ગઈ હતી જે આ વર્ષે કોરોનાએ રાહત લેતાં પુરબહાર ખીલી ઉઠી છે.
પંચમહાલ જિલ્લામાં હોળી અને ધુળેટી પર્વનું ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ મહત્વ રહેલું છે.આખા વર્ષ દરમિયાન શ્રમિક પરિવારો પેટિયું રળવા માટે બહારગામ શહેરી વિસ્તારોમાં હિજરત કરતાં હોય છે . પરંતુ હોળી ના તહેવાર આવતાજ ઉજવણી કરવા માટે કોઈપણ સંજાેગોમાં પોતાના માદરે વતન આવી જતાં હોવાની વર્ષોથી પરંપરા છે.